સ્વચ્છતાના ક્ષેત્રમાં સુરતની સિદ્ધ

સ્વચ્છતાના ક્ષેત્રમાં સુરતની સિદ્ધ
સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪માં સુરત શહેરે સમગ્ર ભારતમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું
સુપર સ્વચ્છ લીગમાં દસ લાખથી વધુ વસ્તીવાળા શહેરોની શ્રેણીમાં સુરતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪ માં ભારતના સૌથી સ્વચ્છ શહેર સુરતે ‘સુપર સ્વચ્છ લીગ’ માં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. સુપર સ્વચ્છ લીગમાં દસ લાખથી વધુ વસ્તીવાળા શહેરોની શ્રેણીમાં સુરતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે નવી દિલ્હીમાં ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત સમારોહમાં સુરત મહાનગરપાલિકાના ઉત્તમ સ્વચ્છતા કાર્ય માટે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુએ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, સુરતના મેયર શ્રી દક્ષેશ મવાણી અને મ્યુ.કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલને એવોર્ડ, પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા. સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪ દિશાનિર્દેશો મુજબ અન્ય શહેરોને પ્રેરણા આપવા માટે ‘સુપર સ્વચ્છ લીગ’ નામની નવી શ્રેણીની શરૂઆત કરવામાં આવી છે, જે પરંપરાગત રેન્કિંગ કરતાં વધુ મહત્વ ધરાવે છે. સુપર સ્વચ્છ લીગમાં એવા શહેરોને સામેલ કરવામાં આવ્યા છે, જેઓએ છેલ્લા ત્રણ સર્વેક્ષણમાંથી ઓછામાં ઓછા બે વખત ટોચના ત્રણમાં સ્થાન મેળવ્યું હોય. સુપર સ્વચ્છ લીગમાં દેશભરના કુલ ૧૨ શહેરોને વસ્તી આધારિત પાંચ વર્ગોમાં વહેંચી પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની ‘સુપર સ્વચ્છ લીગ’માં ઇન્દોર, સુરત, નવી મુંબઈ અને વિજયવાડા સામેલ છે. નોંધનીય છે કે, સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૩માં સુરત શહેરે ઈન્દોર સાથે સંયુક્ત રીતે દેશના સૌથી સ્વસ્થ શહેર તરીકે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨ ના સ્વચ્છ સર્વેક્ષણમાં સુરતે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. મેયર, મ્યુ.કમિશનરશ્રીએ સુરતની આ સિદ્ધિમાં શહેરીજનો, સફાઈકર્મીઓ, મનપાકર્મીઓનું યોગદાન હોવાનું જણાવી સુરતને સ્વચ્છ શહેર બનાવવામાં સૌના સહિયારા પ્રયાસ બદલ અભિનંદન પાઠવ્યા હતા.