આદિજાતિ વિભાગના આવાસની સહાય વધારી રૂ.૨.૫૦ લાખ સુધી કરવામાં આવશે
માંડવી તાલુકાના પાતલ ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

છેવાડાના ગરીબ, મધ્યમ વર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશીલ
આદિજાતિ મંત્રીના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
સુરત:શનિવાર: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોચે તેવા આશયથી સુરત જિલ્લાના માંડવી તાલુકાના પાતલ ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી, જેમાં યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ગ્રામીણ, ટ્રાઈબલ તાલુકામાં સરકારની યોજનાકીય સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,ભગવાન બિરસા મુંડાના જન્મભૂમિ ઝારખંડના ખૂંટી ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ થયો હતો. પૂ. બિરસા મુંડાએ અંગ્રેજોની સામે લડત આપી હતી અને ખૂબ નાની ઉમરે બલિદાન આપ્યું હતું. છેવાડાના માનવીનો વિકાસ થાય એ વિચારધારા સાથે વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ શરૂ કર્યો છે, જેના થકી ૨૨ યોજનાઓના લાભો મેળવી શકાય છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર છેવાડાના ગરીબ, મધ્યમ વર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશીલ રહી છે. ત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને દર વર્ષે ૬ હજારની સહાય આપવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં સિકલસેલ એનિમિયા દર્દીઓ માટે રૂ.૫ લાખનું કાર્ડ આપવામાં આવ્યું છે. વિદેશ અભ્યાસ અને ઈજનેરી અભ્યાસ માટે સરકાર રૂ.૧૫ લાખની જોગવાઇ પણ કરી છે. આરોગ્યની વાત કરતા તેમણે જણાવ્યું કે, ૧૦૮ જેવી ઇમરજન્સી સેવા સરકારે આપણને નિ:શુલ્ક સેવા આપી રહી છે, સાથે ખિલખિલાટ વાન સેવા આજે પ્રસૂતા બહેનોને બાળકની સાથે સુરક્ષિત ઘર સુધી મુકવા આવે છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, પશુપાલકોને પશુ ખરીદી પર સહાય ૬૦ થી ૬૫ હજાર અને ટ્રાઇબલ આવાસની રકમ ૨.૫૦ લાખની જોગવાઈ આદિજાતિ વિભાગમાં કરાશે.
આ વેળાએ પાતલ ગામે મંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાજર સૌએ આત્મનિર્ભર ભારત અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રતિજ્ઞા લીધી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંબોધનનું સૌએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગે તા.પંચાયતના પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, ઉપપ્રમુખ ગીતાબેન પટેલ માંડવી મામલતદાર મનીષભાઈ પટેલ, સરપંચ એસોસિયશનના પ્રમુખ કમલેશભાઈ ચૌધરી, માજી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગીતાબેન, પટેલ તાલુકા પંચાયત સભ્યોશ્રી, મહિલા અગ્રણી ઇલાબેન ગામીત, ડેપ્યુટી સરપંચ ભુપેન્દ્રભાઈ વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી), તા.પંચાયત-આરોગ્ય કર્મચારીઓ, આઈસીડીએસના મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.