ગુજરાત ગણિત મંડળનું ૬૨મું વાર્ષિક અધિવેશન અમદાવાદમાં સંપન્ન

ગુજરાત ગણિત મંડળનું ૬૨મું વાર્ષિક અધિવેશન અમદાવાદમાં સંપન્ન
અમદાવાદ: ગુજરાત ગણિત મંડળ નું ૬૨મું ત્રિ-દિવસિય વાર્ષિક ગણિત અધિવેશન અમદાવાદ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠ ખાતે તારીખ ૨૬, ૨૭ અને ૨૮ ડિસેમ્બર દરમિયાન સફળતાપૂર્વક યોજાયું હતું.
આજથી અંદાજે ૬૨ વર્ષ પહેલાં, ઈ.સ. ૧૯૬૩માં, તે સમયના ગુજરાતના એકમાત્ર પી.એચ.ડી. ધારક ગણિતજ્ઞ પ્રો. પી.સી. વૈધ સાહેબ દ્વારા ગુજરાત ગણિત મંડળની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી આજ સુધી મંડળ દ્વારા ગુજરાતના ગામડાંથી લઈને શહેરો સુધી શાળા, કોલેજ અને યુનિવર્સિટી સ્તરે ગણિતના અધિવેશન, સેમિનાર, વર્કશોપ અને વિવિધ ગાણિતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ વર્ષે યોજાયેલા અધિવેશન દરમિયાન કુલ ૧૭ વ્યાખ્યાનો યોજાયા, જેમાં વૈદિક ગણિત, નવી શિક્ષણ નીતિ (NEP), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગણિતમાં ભારતનું યોગદાન, ગણિત સમાચાર, પ્રશ્નસંધ્યા તથા સ્પર્ધાઓ જેવા વિષયો સમાવાયા હતા.
તે ઉપરાંત, શાળા અને કોલેજ વિભાગ માટે રોજિંદા જીવનમાં ગણિત, મિરર મેજિક સ્ક્વેર, મેજિક ઓફ ડાઇસ, મૅપ થિયરી, ડિટર્મિનન્ટ્સ તથા “ગ્રાફથી ગૂગલ સુધીની સફર” જેવા વિષયો પર કુલ ૨૦ વ્યાખ્યાનો યોજાયા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ ઈ.સ. ૨૦૦૩માં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે મંડળનું ૪૦મું અધિવેશન યોજાયું હતું. આ વર્ષના અધિવેશનમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ૩૦૦થી વધુ ગણિત શિક્ષકો, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને ગણિતપ્રેમીઓએ ભાગ લઈને પોતાની ગણિતીય પ્રતિભા રજૂ કરી હતી.
અધિવેશનનું ઉદ્ઘાટન મંડળના જ સભ્ય તથા રાજ્યના પૂર્વ મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબે કર્યું હતું. અધિવેશન દરમિયાન યોજાયેલી પ્રદર્શન શ્રેણીમાં વિવિધ ગણિતીય મોડેલ્સ અને પ્રયોગો ગણિતજ્ઞો માટે રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના હસ્તે છેલ્લા બે વર્ષમાં ગણિત વિષયમાં પી.એચ.ડી. પૂર્ણ કરનારા ૨૫થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શકોનું બહુમાન કરવામાં આવ્યું હતું.
મંડળના ૬૩ વર્ષના ઈતિહાસ દરમિયાન સેવા આપનાર ૧૫થી વધુ પૂર્વ પ્રમુખશ્રીઓનું ગૂજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર અને ગુજરાત ગણિત મંડળના પ્રમુખ ડૉ. હર્ષદભાઈ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ત્રણ દિવસ દરમિયાન ગણિતરસિકોએ ગણિતક્ષેત્રની સિદ્ધિઓ, તાજા સમાચાર અને સંશોધન સંબંધિત માહિતી મેળવી પોતાના જ્ઞાનમાં નોંધપાત્ર વધારો કર્યો. નોંધપાત્ર બાબત એ રહી કે આ અધિવેશનમાં ૧૨ વર્ષના વિદ્યાર્થીઓથી લઈને ૮૨ વર્ષના પ્રોફેસરો સુધીના વ્યાખ્યાતાઓએ ગણિતનું જ્ઞાન અને અનુભવ સહભાગી કર્યો હતો.



