વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉમળકાભેર સ્વાગત કરતા પલસાણા તાલુકાના ગાંગપુર જેતપોર અને કારેલીના ગ્રામજનો

સુરતઃસોમવાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના પલસાણા તાલુકાના ગાંગપુર જેતપોર અને કારેલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે પદાધિકારીઓ તેમજ વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં હતી.
મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
ગાંગપુર જેતપોર ગામે તા.પંચાયતના ઉપપ્રમુખશ્રી ભાવનાબેન તળાવિયા, સભ્યશ્રી વિશાખાબેન, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી મધુકુમાર તેમજ સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, મુખ્ય સેવિકા કડોદરા-૧, કણાવ આંગણવાડી કાર્યકર અને તેડાગર, આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારી ગણ, ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કારેલી ગામે પ્રાસંગિક ઉદબોધન કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવિની પટેલે જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોચાડવા અમે કટિબદ્ધ છીએ. જે ગ્રામજનો જે પણ યોજનાઓના લાભ મેળવી શક્યા નથી તેઓને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાઈ રહ્યા છે. ગામથી લઈ દેશના વિકાસ માટે આપણે સહિયારૂ યોગદાન આપીએ એવો મત તેમણે વ્યક્ત કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભાશય જણાવ્યો હતો.
આ પ્રસંગે કારેલી ગામે તા.પંચાયતના સભ્યશ્રી વિશાખાબેન, પલસાણા વિભાગના દૂધ મંડળીના પ્રમુખ મુકેશભાઈ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી પૂનમબેન, વિસ્તરણ અધિકારીશ્રી ખેતી ચંદ્રકાંત સુરતી તેમજ ગામના સરપંચશ્રી જગુભાઈ પટેલ, ઉપસરપંચશ્રી, મુખ્ય સેવિકા કડોદરા-૧, કણાવ આંગણવાડી કાર્યકર અને તેડાગર, આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારીગણ, ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.