ધર્મ દર્શન

પ્રગટેશ્વર મહાદેવઆછવણીના ૪૧મા પ્રાગટ્ય દિનની ભાવમય રીતે ભવ્ય ઉજવણી કરાઇ

પ્રગટેશ્વર મહાદેવ આછવણીના ૪૧મા પ્રાગટ્ય દિનની ભાવમય રીતે ભવ્ય ઉજવણી કરાઇ
કથાકાર અજયભાઈ જાનીની શિવમહાપુરાણ કથાના વિરામ સાથે ભક્તિમય સમાપન કરાયું
ધર્માચાર્ય પરભુદાદા સહિત સંતો મહંતોના હસ્તે વિધવા મહિલાઓને ધબળા વિતરણ કરાયા
પ્રગટ પ્રગટેશ્વર મહાદેવમંદિર, ભક્તિધામ આછવણીના ૪૧માપ્રાગટ્ય દિનની ભક્તિમય વાતાવરણમાં ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાના સાંનિધ્યમાં ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.આ અવસરે સવારે એક કુંડી લઘુરુદ્ર યજ્ઞ કરાયો હતો, જેમાં ભૂદેવો અનિલભાઈ જોશી, કશ્યપભાઈ જાની અને હર્ષ જાનીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિ સંપન્ન કરાવી હતી.
આ ઉજવણીની પૂર્વ સંધ્યાએ દમણ શિવ પરિવારના ભકતોએધૂન-ભજન, ભકત સમુદાય સાથે દમણથી આછવણી સુધી પદયાત્રા કરીપ્રગટેશ્વર મહાદેવ મંદિરના શિખર ઉપર ધર્મધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી. યાત્રાધામ ઊનાઇથી પણ પદયાત્રા કરી પ્રાગટ્ય દિનની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. પદયાત્રાએ આવેલા તમામ શિવભક્તોનું સન્માન કરી દાતાઓના સહયોગથી ભેટ આપવામાં આવી હતી.
૪૧માપ્રાગટ્ય દિનને અનુલક્ષીએ કથાકાર અજયભાઇ જાનીની સુમધુરવાણીમાં યોજાયેલી શિવમહાપુરાણ કથાને પણ પ્રાગટ્ય દિને જ વિરામ અપાયો હતો. જ્યાં ભક્તિ અને ધાર્મિક વાતાવરણમાં શિવભક્તોએ કથા શ્રવણ કરીને આદરભરી ઉપસ્થિતિ નોંધાવી હતી.સાત દિવસ સુધી ચાલેલી આ કથામાં ધાર્મિક વિચારો સાથે સંસ્કૃતિના સંદેશાનો પ્રસાર કરવામાં આવ્યો હતો.
આ ધાર્મિક અવસરે સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પણ જોવા મળ્યું હતું, જ્યાં વિધવા મહિલાઓને ધર્માચાર્ય પરભુદાદા,પ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ શુકલ અને છોટે મોરારીબાપુના હસ્તે ધબળા વિતરણ કરવામાં આવ્યા હતા. આ સત્ત્વપ્રેરિત કાર્ય માટે દાતાઓએ માગ્યા વિના ઉત્તમ પ્રતિસાદ આપ્યો હતો.
ધર્માંચાર્ય પરભુદાદાએ પ્રગટેશ્વર દાદાના આશીર્વાદ સૌની ઉપર બની રહે સૌનું કલ્યાણ થાય તેવા આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, ભગવાનનેપામવા માટે રીત પ્રમાણે ભક્તિ કરવી જોઈએ યોગ પ્રમાણે કામ કરવામાં આવે તો અવશ્ય સફળતા મળે છે, આ ગણિત મનુ ભગવાને લખેલું છે. તેમણે સૌને અંધશ્રદ્ધામાંથી મુક્ત થઇ સાચી ભક્તિ કરવા જણાવ્યું હતું. તમે સારું કાર્ય કરશો તો તમારા બાળકોમાં પણ સારા સંસ્કાર આવશે. જીવનમાં એવાં ઊંચા કર્મો કરો કે ભગવાનને પણ તમને મળવા આવવું પડે. એક પિતા સબ પરિવાર સૂત્ર મુજબ અહીં બધું કાર્ય થાય છે. અહીં આજે પ્રાગટય દિન અવસરે મીની શિવરાત્રીની ઉજવણી કરી છે. ક્યાંય પણ ધાર્મિક પ્રસંગો કરો ત્યારે દાન-દક્ષિણા આપવી જ જોઈએ, કારણ કે આપણે નિષ્ઠાપૂર્વક દેવોના નામે જે કંઈ દાન પુણ્ય કરીએ છીએ તે અનેકગણું થઈને પરત મળે જ છે.પ્રગટ પ્રગટેશ્વર મહાદેવના ૪૧મા પાટોત્સવની આ ઉજવણી થકી શિવભક્તિઅને શિવપરિવારમાં એકતા અને શાંતિની ભાવના વધુ દૃઢ બની છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ શુભ અવસરે વિશેષ ઉપસ્થિત રહેલા સુપ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ શુકલ અને છોટે મોરારીબાપુએ સૌને ૪૧મા પ્રગટ્ય દિનની શુભકામના પાઠવી હતી અને પ્રગટેશ્વર ધામ દ્વારા સતત ચાલતા સેવાકાર્યોની સરાહના કરી હતી. તેઓએ કથા સાંભળવા આવેલા શ્રદ્ધાળુઓને ધાર્મિક માર્ગદર્શન આપી શિવભક્તિમાં વધુ તીવ્ર થવા પ્રેરિત કર્યા હતા.
આ અવસરે સમિતિના પ્રમુખ બિપિનભાઈ પરમારે ઉપસ્થિત સૌનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, પ્રગટેશ્વર દાદાની કૃપાથી સ્વયં થાય તે સત્ય સૂત્ર હંમેશા સાર્થક બની રહ્યું છે. તેમણે આગામી મહાશિવરાત્રી દરમિયાન બે દિવસ દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. જેમાં મહારાષ્ટ્ર શિવ પરિવારના સાત જેટલા શિવભક્તો રામેશ્વરમ-તામિલનાડુથી તેમજ અન્ય શિવભક્તો નાશિક ગોદાવરી નદીનું જળ કાવડમાં લઇ પદયાત્રા કરી પ્રગટેશ્વર દાદાને અભિષેક કરશે. આ ઉપરાંત સંગીતમય ભક્તિમય અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો, ગરબા, રાસ, નાટક વગેરે પણ યોજાશે. આ કાર્યક્રમોમાં સૌ શિવભક્તોને શ્રધ્ધાપૂર્વક ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે પ્રગટેશ્વર સેવા સમિતિ મહારાષ્ટ્ર પ્રમુખ આર.કે.ખાંદવેએ ધાર્મિક ઉત્સવોની ઉજવણીમાં સહભાગી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી શિવરાત્રિ અવસરે આવનારી નાશિકથી આછવણી આવનારી પદયાત્રા અંગે જાણકારી આપી હતી.
આ અવસરે શિવપરિવારના વિનોદભાઈ પટેલ (મામા)અને ઝીકુભાઇ પટેલે પ્રાગટ્ય દિનને અનુલક્ષીને સ્વરચિત ભજન રજૂ કર્યું હતું. શિવ પરિવાર મહિલા મંડળે ઇલાબેન પરમાર દ્વારા સ્વરચિત ગરબો તેમજ ઊનાઇના રેખાબેન અને સૃષ્ટિએ ભોલેબાબાના ગીત ઉપર સુંદર નૃત્ય રજૂ કર્યું હતું. પ્રગટેશ્વર સેવા સમિતિ મહિલા પ્રમુખ સીતાબેન પટેલે પ્રગટેશ્વર દાદાનાપ્રાગટ્ય દિને થયેલા પ્રસંગોનું વર્ણન કર્યું હતું.અમદાવાદના અરૂણભાઇ પટેલ તેમજ ભાવનગરના મનીષભાઇ દવેએ પણ પ્રાગટ્ય દિનને અનુલક્ષીએ પ્રાસંગિક ઉદબોધનો કર્યાં હતાં.
ઉજ્જૈન મહાકાલેશ્વરના પૂજારી અને તેમની ટીમે પ્રગટેશ્વરદાદાનો સુંદર શણગાર કરી ભસ્મ આરતી કરી હતી. શિવ પરિવાર દ્વારા ૧૦૮ દિવાની આરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત સમગ્ર મંદિર પરિસર દીવાઓથી પ્રજ્વલિત કરવામાં આવ્યું હતું. પ્રગટેશ્વર મહિલા મંડળ દ્વારા પ્રગટેશ્વર દાદાને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો. રાત્રે રાજોપચાર અભિષેક કરાયો હતો. આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો આસ્વાદ લીધો હતો.
શિવભક્તોનાભક્તિ અને શ્રદ્ધાપૂર્ણ સામૂહિક પ્રયાસને કારણે પ્રાગટ્ય દિનની ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ થઇ હતી. સમિતિના પ્રમુખ બિપિનભાઈ પરમાર, મહારાષ્ટ્ર પ્રમુખ આર.કે. ખાંદવે, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ, મંત્રી હેમંતભાઈ પટેલ, ખજાનચી અમિતભાઈ પટેલ તથા અપ્પુભાઈ પટેલ, વિપુલભાઈ પંચાલ, પ્રવીણભાઈ પટેલ, અજયભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, પ્રતિકભાઈ લાડ સહિત અન્ય શિવભક્તોએ પ્રાગટ્ય દિનના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ શુભ અવસરે વિનોદભાઈ પટેલ (મામા), ઠાકોરભાઈ પટેલ, અરુણભાઈ પટેલ, મનુભાઈ પટેલ, દિપકભાઇ અને મયંકભાઈ બ્રહ્મભટ્ટ સહિત ગ્રામજનો અને ગુજરાત-મહારાષ્ટ્ર શિવપરિવારના સભ્યો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા.આ ધાર્મિક મહોત્સવે સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણનું નિર્માણ કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button