મતદાન જાગૃતિ અભિયાનના કેમ્પસ એમ્બેસેડર ભૂમિ ગોધાણીએ ૫૦૦થી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સના ચૂંટણી કાર્ડ કઢાવીને મતદાન માટે કર્યા પ્રેરિત

મતદાન જાગૃતિ અભિયાનના કેમ્પસ એમ્બેસેડર ભૂમિ ગોધાણીએ ૫૦૦થી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સના ચૂંટણી કાર્ડ કઢાવીને મતદાન માટે કર્યા પ્રેરિત
જિલ્લા ચૂંટણી તંત્રના સહયોગથી ભૂમિ ગોધાણી સુરતના યુવાનો અને તેમના પરિવારજનો મહત્તમ મતદાન કરે એ માટે ઉત્સાહભેર જનજાગૃત્તિ કાર્ય કરી રહ્યા છે
સુરતના નાગરિકોને ખાસ કરીને યગંસ્ટર્સને જાગૃત બની મતદાન કરવા અનુરોધ
લોકશાહીમાં ચૂંટણી એ સમાજમાં પ્રવર્તતા લોકમતનું પ્રતિબિંબ છે
સુરતઃશુક્રવાર: લોકશાહીના અવસર એવા ચૂંટણીમાં મતદાન થકી ભાગ લઈને યુવા પેઢી લોકશાહીને સશક્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે તે આશયથી જિલ્લા ચૂંટણી તંત્રના નેજા હેઠળ મતદાન જાગૃતિ અભિયાન સ્વીપ અંતર્ગત સુરતની સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ ઓફ મેનેજમેન્ટ અને જે.ડી.ગાબાણી કોમર્સ કોલેજની યંગ ગર્લ ભૂમિ ગોધાણી કેમ્પસ એમ્બેસેડર બની છે. પ્રથમ વખત મત આપનાર યુવા મિત્રોને મહત્તમ મતદાન માટે પ્રેરણા આપવા ભૂમિ સક્રિય છે. સુરત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ ભૂમિ ગોધાણીએ કોલેજના ૫૦૦થી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સના ચૂંટણી કાર્ડ કઢાવીને મતદાન માટે પ્રેરિત કર્યા છે.
ભૂમિ ગોધાણીએ લોકશાહીના પર્વમાં સૌને સહભાગી થવા અનુરોધ કરતા કહ્યું હતું કે, ચૂંટણીમાં આંગળી પર થતું શાહીનું નિશાન એ માત્ર નિશાન નથી પણ દેશની લોકશાહીનું સન્માન છે, આપણું ગૌરવ છે. મારી કોલેજના અઢાર વર્ષથી વધુની ઉંમરના ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને ચૂંટણી કાર્ડ કઢાવવામાં મદદરૂપ થઈ છું તેનો મને ગર્વ છે. કેમ્પસ એમ્બેસેડર તરીકે વધુમાં વધુ યુવાનો પરિવાર સાથે મતદાન કરે એ આશયથી કામ કરું છું. શહેર અને રાજ્યના નાગરિકને એટલું જ કહીશ કે, હું છું મતદાર, આળસ કરીશ નહી, મતદાન ચુકીશ નહી અને મતદાન કરવામાં પાછી પાની કરીશ નહી એવો અવશ્ય સંકલ્પ લે.
જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે દેશના પ્રત્યેક નાગરિકના મતનું મૂલ્ય રહેલુ છે તેવી પ્રેરણાદાયી વાત કરતા ભૂમિએ જણાવ્યું હતું કે, જેમ આપણે પરિવારના પાલનપોષણની જવાબદારી નિભાવીએ છીએ તેમ દેશના ભાવિ ઘડવા અને દેશના પાલનપોષણની જવાબદારી લેવી એ આપણી નૈતિક ફરજ છે.
લોકશાહીમાં ચૂંટણી એ સમાજમાં પ્રવર્તતા લોકમતનું પ્રતિબિંબ છે એમ જણાવતા વધુમાં ભૂમિએ કહ્યું કે, લોકશાહીમાં ચૂંટણી એ સમાજમાં પ્રવર્તતા લોકમતનું પ્રતિબિંબ છે. ભારતમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકારનો સ્વીકાર બંધારણ થકી જ મળ્યો છે. ૧૮ વર્ષ કે એથી વધુની વય ધરાવતા દરેક દરેક નાગરિકને, જ્ઞાતિ, જાતિ, ધર્મ, રંગ, લિંગ, સામાજિક સ્થાન અથવા દરજ્જા કે એવો કોઈ ભેદભાવ સિવાય મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે ત્યારે સૌએ અંગત જવાબદારી સમજીને આગામી તા.૦૭મી મેના રોજ લોકસભાની ચૂંટણીના દિવસે વહેલી સવારે કોઈ પણ પ્રકારની ઉદાસીનતા દાખવ્યા વગર ‘પહેલા મતદાન પછી જ અન્ય કામ’નું ધ્યેય રાખીને પોતાના પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.