રાજનીતિ

ગિગ વર્કર્સ માટે યુથ કોંગ્રેસનું ‘યુવા ન્યાય’ અભિયાન શરૂ

ગિગ વર્કર્સ માટે યુથ કોંગ્રેસનું ‘યુવા ન્યાય’ અભિયાન શરૂ

ગૌરવ, સુરક્ષા અને સન્માન માટે ઉઠી માંગ

📍અમદાવાદ

ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા એપ આધારિત ગિગ વર્કર્સના હિતમાં ‘યુવા ન્યાય’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ પ્રવીણસિંહ વણોલે આ અભિયાન અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારીનો દર નોંધાયો છે, જેના કારણે યુવાનોને જીવન નિર્વાહ માટે શોષણભર્યા કામ કરવાની ફરજ પડી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે Zomato, Swiggy, Blinkit, Zepto, Ola અને Uber જેવી એપ આધારિત પ્લેટફોર્મ ઇકોનોમીમાં કામ કરતા ગિગ વર્કર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે, પરંતુ તેઓને ગૌરવ, સુરક્ષા અને યોગ્ય સન્માન મળતું નથી. ગિગ વર્કર્સને ન્યૂનતમ આવકની ગેરંટી નથી, દૈનિક કમાણી અનિશ્ચિત રહે છે અને અકસ્માત અથવા આરોગ્ય સમસ્યાઓ સમયે કોઈ પૂરતી સુરક્ષા ઉપલબ્ધ નથી. ઉપરાંત પ્લેટફોર્મ દ્વારા મનમાની રીતે એકાઉન્ટ અથવા આઈડી બ્લોક થવાથી રોજગાર પર તાત્કાલિક અસર પડે છે.

પ્રવીણસિંહ વણોલે વધુમાં જણાવ્યું કે નીતિ આયોગની 2022ની રિપોર્ટ મુજબ 2020-21 દરમિયાન દેશમાં અંદાજે 77 લાખ ગિગ વર્કર્સ હતા, જે 2029-30 સુધીમાં 2.35 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. ‘ગિગ વર્કર ન્યાય’ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય કાયદો બનાવવાની માંગ છે, જેમાં આરોગ્ય વીમો, અકસ્માત કવર, માતૃત્વ લાભ, પેન્શન, વૃદ્ધાવસ્થા સુરક્ષા, ન્યૂનતમ આવક ગેરંટી, પારદર્શક ચુકવણી અને કાનૂની સંરક્ષણ જેવી સુવિધાઓ સામેલ કરવામાં આવે.

યુથ કોંગ્રેસ દ્વારા તબક્કાવાર રીતે ગુજરાતના મોટા શહેરોમાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે દાવો કર્યો કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર દરમિયાન ગિગ વર્કર્સ માટે સામાજિક સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી.

આ પ્રસંગે પ્રદેશ ઉપપ્રમુખ ઉવેશ મન્સૂરી, મહામંત્રી પૃથ્વીરાજસિંહ સોલંકી, મીડિયા વિભાગના ચેરમેન મુકેશ આંજણા તેમજ અર્ષદ શેખ અને ભાવિક સોલંકી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button