પ્રાદેશિક સમાચાર

નવસારી જિલ્લા તંત્ર એક્શન મોડમાં : ભારે વરસાદને પગલે રસ્તા ઉપર પડેલા ઝાડ, વિજપોલ તાત્કાલિક હટાવી રસ્તાઓ ખુલ્લા કરાવ્યા

રસ્તા-કોઝવે ઓવરટોપ, નદી નાળા ઓવર ટોપ થવા, ઝાડ પડવા, વિજ પોલ કે કોઇ અન્ય આકસ્મિક બનાવમાં મદદ મેળવવા હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવા અપીલ

વધઈ
Surat Navsari News: સમગ્ર રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઇ ચુકી છે ત્યારે ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તા.૦૫/૦૭/૨૦૨૪ સુધી મધ્યમથી ભારે વરસાદની પડવાની શક્યતા રહેલી છે. જેના પગલે નવસારી જિલ્લા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને વરસાદને લગતી તમામ પરિસ્થિતીઓ જેમાં વરસાદના દર બે કલાકના આંક, ડેમની સપાટી, નદીની સપાટી જેવી બાબતો ઉપર બાજ નજર રાખી રહ્યા છે. અને કોઇ પણ આકસ્મિક બનાવ માટે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ, ફાયર વિભાગ, નગરપાલિકા, માર્ગ અને મકાન સહિત વિવિધ વિભાગોના સંકલન થકી તાત્કાલિક કામગીરી પારપાડવામાં આવી રહી છે.

નવસારી જિલ્લામાં વરસાદના આગમન સાથે જ ઠેર ઠેર જગ્યાઓએ ઝાડ પડી જવા અને દિવાલ ધસી આવવાની ઘટના અંગે જાણ થતા જ વિવિધ ટીમો ઘટના સ્થળે પહોચી તેનો તાગ મેળવે છે અને પરિસ્થિતીને કાબુમાં લઇ ઝાડને રસ્તા ઉપરથી હટાવી લઇ રસ્તાઓ જાહેર જનતાને અગવડ ન પડે તે માટે આવન જાવન માટે ખુલ્લા કરવામાં આવી રહ્યા છે.

આજરોજ ગણદેવી તાલુકાના બીલીમોરા શહેર સ્થિત ગુપ્તા હોસ્પિટલની સામે રેલવેની માલિકીની દીવાલ પડી જતાં બે બાઇક દબાઇ ગયી હતી જેમાં એક વ્યકિતને ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી ઘાયલને હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બીલીમોરા શહેરના દેસરા નાના કોળીવાડ ખાતે, ગણદેવી તાલુકાના ધામડછા, કછોલી, કેલ્વા-સાલેજ રોડ, વાંદરવેલા ડોણજા રોડ, ખેરગામ તાલુકાના આછવણી ગામે, તથા નવસારી શહેરમાં ગધેવાન મચ્છી માર્કેટ, છાપરા રોડ, મણિનગર અને મિથિલા નગરી, આંગણવાડી પાસે, ગણદેવી તાલુકાના કછોલી ગામે ગંગેશ્વર મંદિરથી અંચેલી ગામ તરફ જતા વળાંક આગળ આબાનું ઝાડ અને વીજપોલ તૂટી પડતા મુખ્ય રસ્તો બંધ થઈ ગયો હતો.

નવસારી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને ફોન કોલ મારફર વિવિધ બનાવોની જાણકારી મળતા નગરની ફાયર ટીમ, ડી.જી.વી.સી.એલ, ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા ઝાડ હટાવવાની કામગીરી સાથે રસ્તા ખુલ્લા કર્યા હતા. નોંધનિય છે કે, આ ઘટનાઓમાં કોઈ જાનહાની થઇ નથી.

બોક્ષ-
નવસારી જિલ્લા કંટ્રોલ રૂમ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર- ટોલ ફ્રી નં.૧૦૭૭, લેન્ડલાઇન નંબર- ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૦૨૬૩૭-૨૫૯૪૦૧, ઇમેઇલ આઇડી- dismgmtnav@gmail.com ઉપર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ મામલતદારશ્રી નવસારી શહેર- ૦૨૬૩૭-૨૫૯૧૦૯, ચિફ ઓફિસરશ્રી નવસારી નગરપાલિકા— ૦૨૬૩૭-૨૫૦૨૫૩, ૨૪૦૨૫૪, ૨૫૮૦૨૯, ૨૫૬૫૫૨ નંબર તથા વાંસદા તાલુકા માટે ૦૨૬૩૪- ૨૬૨૪૩૬, ચીખલી તાલુકા માટે – ૦૨૬૩૪-૨૩૨૨૨૮, વાંસદા તાલુકા માટે ૦૨૬૩૦—૨૨૨૨૨૧, તથા ખેરગામ તાલુકા માટે ૦૨૬૩૪-૨૨૦૩૦૦ નંબર ઉપર રસ્તા અને કોઝવે ઓવરટોપ, નદી નાળા ઓવર ટોપ થવા, ઝાડ પડવા, વિજ પોલ કે કોઇ અન્ય આકસ્મિક બનાવમાં મદદ મેળવવા હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે જેના ઉપર સંપર્ક કરવા નવસારી જિલ્લા તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા અપીલ કરાઇ છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદના આંક જોઇએ તો, નવસારી તાલુકામાં ૪૬ મીમી, જલાલપોર ૪૫ મીમી, ગણદેવી ૨૫ મીમી, ચિખલી ૯૪ મીમી, વાંસદા ૪૮ મીમી, ખેરગામ ૪૫ મીમી મળી નવસારી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ-૩૦૩ મીમી વરસાદ નોંધાયો છે.

નવસારી જિલ્લાના પ્રત્યેક તાલુકામાં આ મોસમનો કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ નવસારી તાલુકામાં ૫૩૧ મીમી નોંધાયો છે, જ્યારે વાંસદા તાલુકામાં સૌથી ઓછો ૨૪૧ મી.મી. વરસાદ નોંધાયો છે. આ સાથે જલાલપોર તાલુકામાં ૫૧૩ મીમી, ગણદેવી તાલુકામાં ૩૦૩ મીમી, ચિખલી તાલુકામાં ૩૪૩ મીમી, અને ખેરગામ તાલુકામાં ૩૮૦ મીમી વરસાદ નોંધાયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button