કૃષિ

ડાંગમાં સાપુતારા અને કરંજડા ખાતે ઉભું કરાયું “વન કવચ”નુ આકર્ષણ 

ડાંગમાં સાપુતારા અને કરંજડા ખાતે ઉભું કરાયું “વન કવચ”નુ આકર્ષણ 
વન વિભાગ દ્વારા એક હેક્ટર વિસ્તારમા ૫૮ જાતના કુલ દસ હજાર વૃક્ષોનુ વાવેતર કર્યું 
વનકવચ પદ્ધતિથી તૈયાર કરેલ વનો ૩૦ ગણા ગાઢ તથા ૧૦ ગણા ઝડપથી વિકસે છે
વનોનું નિર્માણ કુદરતી રીતે થયેલું હોય તેવી જ ધારણા દરેકના મનમા હોય છે, પરંતુ માનવીઓ દ્વારા પણ વનોનું નિર્માણ શક્ય છે. આજના ઝડપી યુગમાં જ્યાં માનવીઓને દરેક વસ્તુ ઝડપથી થઇ જાય તેવી જોઇતી હોય છે ત્યારે જાપાની વનસ્પતિશાસ્ત્રી અકીરા મીયાવાંકીની વનીકરણ પદ્ધતિ વનોના ઝડપી નિર્માણ માટે ભરોસાપાત્ર પધ્ધતિ છે. જેને ભારત દેશમાં જ નહિ સમગ્ર વિશ્વમાં અપનાવવામાં આવી રહી છે.

વસુધૈવ કુટુંબકમની ભાવના તથા ભવિષ્યની તૈયારી સાથે દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતને વધુ હરિયાળું બનાવવાની નેમ મુખ્યમંત્રીશ્રી ભુપ્રેન્દ્રભાઇ પટેલ દ્વારા લેવામાં આવી છે. આ હેતુથી જાપાની વનસ્પતિશાસ્ત્રી અકીરા મીયાવાંકીની વનીકરણ પદ્ધતિને લક્ષ્યમાં રાખી ગુજરાત વનવિભાગ દ્વારા ‘વનકવચ’ પદ્ધતિ વિકસાવવામાં આવી છે.

ડાંગ જિલ્લામાં પણ વન વિભાગ દ્વારા સાપુતારા અને કરંજડા ખાતે “વન કવચ” ઉભાં કરવામાં આવેલ છે. આ બન્ને “વન કવચ” માં એક હેક્ટર વિસ્તાર દિઠ આશરે ૫૮ જાતના કુલ દસ હજાર જેટલાં વૃક્ષોનુ વાવેતર કરવામાં આવેલ છે. જે ડાંગ જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકો માટે નવા નજરાણા સમાન “વન કવચ” નુ આકર્ષણ બની ગયું છે.

શુ છે “વન કવચ”?

“વન કવચ” એ એક એવી પદ્ધતિ છે, જેની શોધ જાપાનીસ વનસ્પતિશાસ્ર્ત્રી દ્વારા કરવામા આવી છે. જેઓ છોડના ઇકોલોજી, બીજ, અને કુદરતી જંગલોના અભ્યાસના નિષ્ણાંત છે. તેઓ અધોગતિશીલ જમીન પર, કુદરતી વનસ્પતિની પુનઃસ્થાપનાના નિષ્ણાંત તરીકે વિશ્વભરમા સક્રિય છે. જે ટુકા સમય ગાળામા મૂળ પ્રજાતિના જંગલો બનાવવામા મદદ કરે છે.

“વન કવચ” પધ્ધતિના મુખ્ય સિદ્ધાંતો

આ પદ્ધતિમા એક જ વિસ્તારમા શક્ય તેટલુ નજીક વૃક્ષોનુ (ફક્ત મૂળ પ્રજાતિઓ) વાવેતર કરવામા આવે છે. જે ન ફક્ત જગ્યા બચાવે છે, પરંતુ વાવેતર કરેલા રોપાઓ, એકબીજાની વૃદ્ધિ અને સુર્યપ્રકાશને જમીન પર પહોચવામા પણ મદદ કરે છે. તથા નિંદણના વિકાસને પણ અટકાવે છે. વનકવચ માટે ત્રણ લેયરમાં રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવે છે. ઉચ્ચ સ્તર, મધ્યમ અને નિમ્ન સ્તર. વન કવચમાં વૃક્ષારોપણ બાદ ૨થી ૩ વર્ષ સુધી નિયમિત પાણી આપવાથી વૃક્ષોનો સમુહ એક નાનકડા વન રૂપે વિકાસ પામે છે.

“વન કવચ” પદ્ધતિના ફાયદા

વનકવચ પદ્ધતિથી તૈયાર કરેલ વનો ૩૦ ગણા ગાઢ તથા ૧૦ ગણા ઝડપથી વિકસે છે. આ પ્રકારના વનો પ્રદુષણને અટકાવે છે તથા વાતાવરણને શુદ્ધ બનાવે છે. આ પદ્ધતિમાં વૃક્ષો એકબીજાની નજીક વાવવામાં આવેલ હોવાથી, વૃક્ષોના મૂળ જમીનને પકડી રાખે છે તેથી જમીનનું ધોવાણ અટકે છે. આ વૃક્ષો એકબીજાને સીધા સુર્યપ્રકાશથી પણ બચાવે છે. આવા વનોમાં જૈવ વિવિધતા વિકસે છે. બે વર્ષના ટુંકા ગાળામાં જ વિકાસ પામેલ વનકવચ જુદા-જુદા પ્રકારના પશુ પક્ષીઓનું આશ્રયસ્થાન બની જાય છે અને જમીન જીવંત થઈ જાય છે. આ પદ્ધતિથી ઘરોની આસપાસની જગ્યાને નાના બગીચા અથવા વનમાં ફેરવી શકાય છે.

પ્રવાસીઓ માટે “વન કવચ” નું આકર્ષણ

ડાંગ જિલ્લાના સાપુતારા અને કરંજડા ખાતે વન કવચો ઉભાં કરવામાં આવેલ છે. જે વન કવચમાં બન્ને મળી કુલ ૨૦ હજાર થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. આ વનો પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભુ કરી શકે તે માટે “વન કવચ” ના વૃક્ષો અંગે લોકોની સમજ માટે નકશા સાથે ટુંકી નોંધની તકતીઓ પણ મુકવામા આવી છે.

ઉલ્લેખનીય છે કે, “વન કવચ” થી ટુંક સમયમા જ ઝડપથી ખુલ્લા વિસ્તારને વન વિસ્તારમા ફેરવી શકાય, અને નાના નાના વનો થકી, વનોની ગીચતામા વધારો કરી શકાય તે હેતુ થી “વન કવચ” નુ વાવેતર ખુબ જ સફળકારક છે. “વન કવચ” થકી જૈવ વિવિધતામા વધારો થયો છે, તેમજ આ વન કવચ પક્ષીઓ માટે પણ નવુ આશ્રય સ્થાન લભ્ય બની ગયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button