ડાંગ જિલ્લામાં છેલ્લા ૧૦ કલાકમાં સરેરાશ ૬૭ મી.મી વરસાદ નોંધાયો

ડાંગ જિલ્લામાં છેલ્લા ૧૦ કલાકમાં સરેરાશ ૬૭ મી.મી વરસાદ નોંધાયો
વરસાદને કારણે કોઝ વે અને સ્લેબ ડ્રેઈન ઓવર ટોપિંગ થતા આજે સાંજના ૪ વાગ્યાની સ્થિતિએ વઘઇ તાલુકાના ૪ જેટલા ગ્રામ્ય માર્ગો અવરોધાયા
આહવા અને સુબીર તાલુકાના કુલ ૪ માર્ગો પુન: યાતાયાત માટે શરૂ થયાં
ડાંગ જિલ્લામાં આજે તારીખ ૧૯ જૂન સવારનાં ૬ થી સાંજના ૪ કલાક સુધી પુરા થતાં છેલ્લાં ૧૦ કલાક દરમિયાન, જિલ્લામાં સરેરાશ ૬૭ મી.મી. વરસાદ નોંધાયો છે.
જિલ્લાના ડિઝાસ્ટર કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, સવારના ૬ થી સાંજના ૪ કલાકે પુરા થતાં છેલ્લા ૧૦ કલાક દરમિયાન આહવા તાલુકામાં ૫૯ મી.મી (મોસમનો કુલ ૪૨૭ મી.મી), વઘઇમાં ૮૭ મી.મી (મોસમનો કુલ ૩૬૬ મી.મી), સુબીરમાં ૫૫ મી.મી (મોસમનો કુલ ૩૦૮ મી.મી), મળી જિલ્લામાં સરેરાશ ૬૭ મી.મી (મોસમનો કુલ ૩૬૭ મી.મી), વરસાદ નોંધાયો છે.
દરમિયાન આજે સાંજના ૪ વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના ૪ જેટલા ગ્રામ્ય માર્ગો, વરસાદી પાણીને લઈ, અવરોધાયા છે. જેમાં વઘઇ તાલુકાના (૧) આંબાપાડા ઉગા ચીચપાડા રોડ, (૨) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ, (૩) આહેરડી-બોરદહાડ રોડ, અને (૪) ઘોડવહળ વી.એ.રોડ મળી જિલ્લામાં કુલ ૪ રોડ, ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી, તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે. જ્યારે સુબીર તાલુકાના એક અને આહવા તાલુકાના ત્રણ રોડ ઉપરથી પાણી ઓસરી જતાં આ રસ્તાઓ પુન: યાતાયાત માટે શરૂ થયાં છે.
જિલ્લા વહીવટી તંત્રે અવરોધાયેલા માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ પણ કરી છે.
કલેક્ટર સુશ્રી શાલિની દુહાન સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી, તંત્રના સંબંધિત વિભાગોને માર્ગદર્શિત કરી રહ્યા છે. દરમિયાન લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી, કર્મચારીઓને સંભવિત પરિસ્થિતિ ધ્યાને લેતા, તેમનુ કાર્ય મથક નહિ છોડવાની પણ તાકીદ કરવામાં આવી છે.
જિલ્લામા કોઇપણ અનિચ્છનીય બનાવ કે ઘટના બને તો, ડાંગ જિલ્લાના કંટ્રોલ રૂમ નંબર ૦૨૬૩૧ ૨૨૦૩૪૭ તેમજ વૈકલ્પિક નંબર ૬૩૫૫૮૨૦૨૫૨ અને ટોલ ફ્રિ નંબર ૧૦૭૭ ઉપર સંપર્ક સાધવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામા આવ્યુ છે.
ઉલ્લેખનિય છે કે, ચોમાસાની ઋતુ દરમિયાન ડાંગ જિલ્લાની વનાચ્છાદિત પ્રકૃતિને મનભરીને માણવા માટે, પ્રકૃતિપ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામા ઉમટી પડે છે. ત્યારે અહીંના નદી, નાળા, કોતરો, જળધોધ, ખીણ પ્રદેશ, ડુંગરો, વૃક્ષો, વન્યજીવો વિગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા લોકો, ક્યારેક અજાણતા જ પોતાના કે અન્યોના જીવનુ જોખમ ઊભુ કરતા હોય છે. જેમને સભાનપણે અહીંના પ્રાકૃતિક નજારાને માણવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે.
જાહેર માર્ગો કે સાર્વજનિક પર્યટન સ્થળોએ આડેધડ વાહનો પાર્ક નહિ કરવા, જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી નહિ કરવા, નદી-નાળા-કોતરો કે જળધોધમા નહિ ઉતરવા, વરસાદી વ્હેણ કે પાણી ભરાયા હોય તેવા માર્ગો કે પુલો ઉપરથી પસાર નહીં થવા સાથે, ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ નહિ કરવા, કાયદો વ્યવસ્થા જાળવતા લાશ્કરો અને સ્વયં સેવકોને સહયોગ આપવા જેવી બાબતે, વિશેષ જાગૃતિ સાથે પ્રજાધર્મ નિભાવવા, જિલ્લા વહીવટી તંત્રએ સૌને ફરીવાર અપીલ કરી છે.