કામરેજના બાબરિયા પરિવારે સ્વ.રાજેશભાઈનું નેત્રદાન કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું:

કામરેજના બાબરિયા પરિવારે સ્વ.રાજેશભાઈનું નેત્રદાન કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
અંધત્વ ભોગવતા લોકોને ફરી દ્રષ્ટિવંત બનાવવા સૌએ સેતુ બનવું જોઈએ”ઃ ડો. પ્રફુલભાઈ શિરોયા
માનવતાની સાચી સેવા એટલે “દેહદાન” અને “નેત્રદાન” આ વિચારને સાચો અર્થ આપતા સુરત જિલ્લાના કામરેજ ગામના બાબરિયા પરિવારે પોતાના મોભી વડીલ સ્વ.રાજેશભાઈ ફુલાભાઈ બાબરીયાના નેત્રદાન દ્વારા સમાજને પ્રેરણા આપી છે.
મૂળ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વાડાસડા ગામના અને હાલ સુરતના કામરેજ ગામની કુમકુમ રેસીડેન્સી ખાતે નિવાસ કરતા સ્વ. રાજેશભાઈ ફુલાભાઈ બાબરિયા (ઉંમર ૫૫ વર્ષ)*ના અવસાન બાદ પરિવારજનોએ ઉમદા નિર્ણય લીધો હતો.
સ્વ.બાબરિયાના પરિવારજનોએ પત્ની મીનાબેન, મોટો દીકરો હિરેન, નાનો દીકરો ભૌતિક, તેમજ પુત્રી સ્વાતી હાર્દિક રાખોલીયાએ રોટરી ક્લબ ઓફ સુરત ડાયમંડ સિટીના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ ગોંડલિયાની સમજના કારણે નેત્રદાન કરવાનો સંકલ્પ લીધો હતો.
બાબરિયા પરિવાર તરફથી કરવામાં આવેલ આ પવિત્ર કાર્યને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (ચોર્યાસી બ્રાન્ચ), રોટરી ક્લબ ઓફ સુરત ડાયમંડ સિટી, અને લોકદૃષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.
ડો.પ્રફુલ શિરોયાએ જણાવ્યું હતું કે, “લોકોને નેત્રદાતા, દેહદાતા અને અંગદાતા બનવા માટે પ્રેરિત થવું જોઈએ. કાળી કીકીના કારણે અંધત્વ ભોગવતા લોકોને ફરી દ્રષ્ટિવંત બનાવવા સૌ સેતુ બની માનવતાના કાર્યમાં સહયોગ આપે તો ભારત કોર્નિયલ અંધત્વ મુક્ત બની શકે.”
બાબરિયા પરિવારના આ પ્રેરક ખ્યાલને અનુસરી અન્ય પરિવારો પણ નેત્રદાન, દેહદાન અને અંગદાન કરે, તો માનવતા માટેનો આ અભિયાન વધુ વેગ પામશે અને અનેક જરૂરિયાતમંદ લોકોને નવી દ્રષ્ટિ મળશે.
આ પ્રેરક પહેલને પ્રાગજીભાઈ ભેસાણિયા, વિનોદભાઈ બાબરિયા, અશ્વિનભાઈ બાબરિયા તેમજ કુમકુમ રેસીડેન્સીના રહેવાસીઓએ બાબરિયા પરિવારની માનવતાભરી સેવા માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી, સ્વ. રાજેશભાઈના આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના કરી હતી.