તેલંગાણામાં મેયોનેઝ પર એક વર્ષ માટે પ્રતિબંધ !

તેલંગાણામાં મેયોનેઝ પર એક વર્ષ માટે પ્રતિબંધ !
તેલંગાણા સરકારે બુધવારે ખાદ્ય સુરક્ષાની ચિંતાઓને કારણે કાચા ઈંડામાંથી બનેલી મેયોનેઝ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. હૈદરાબાદમાં મોમોઝ ખાવાથી એક મહિલાના મોત અને અન્ય ૧૫ લોકો બીમાર પડ્યા બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. ખાદ્ય સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, તાજેતરના સમયમાં રાજ્યમાં આવા ઘણા કિસ્સાઓ નોંધાયા છે જેમાં કાચા ઈંડામાંથી બનાવેલ મેયોનીઝ ખાવાથી સમસ્યા ઉભી થઈ છે. તે સેન્ડવીચ, મોમોઝ, શવર્મા અને અલ ફહમ ચિકન વગેરેમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.
તેલંગાણાના ફૂડ સેફ્ટી કમિશનરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનામાં મળેલા અવલોકનો અને ફરિયાદો પરથી જાણવા મળ્યું છે કે કાચા ઈંડામાંથી બનેલી મેયોનીઝના સેવનથી ફૂડ પોઈઝનિંગ થઈ રહ્યું છે. આ પ્રતિબંધ બુધવારથી લાગુ થઈ ગયો છે. ખાદ્ય સુરક્ષા અને સત્તાધિકારીઓને ચેતવણી આપતા કમિશનરે કહ્યું, જા ખાદ્ય પદાર્થો લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક જણાશે તેવા કિસ્સામાં કાચા ઈંડાનો ઉપયોગ કરીને બનાવેલ મેયોનેઝના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર ૩૦ ઓક્ટોબરથી પ્રતિબંધ લાદવામાં આવશે. સરકારી આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ વાજબી કારણ હશે, ત્યારે લોકોને ખાદ્ય ઉત્પાદનો સાથે સંકળાયેલા સંભવિત સ્વાસ્થ્ય જાખમો વિશે ચેતવણી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે હૈદરાબાદમાં મોમોઝ ખાવાથી ૩૧ વર્ષીય મહિલાનું મોત થયું હતું અને અન્ય ૧૫ લોકો બીમાર પડ્યા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વિક્રેતાઓએ એક જ સપ્લાયર પાસેથી મોમો મંગાવ્યો હતો. આના થોડા દિવસો પહેલા, શવર્મા આઉટલેટ્સ પર ફૂડ પોઇઝનિંગના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા, જેના કારણે આરોગ્ય અધિકારીઓએ શહેરભરના શવર્મા અને મંડી આઉટલેટ્સ પર દરોડા પાડ્યા હતા.