ગુજરાત

દક્ષિણ ગુજરાતની કૃષિ ક્રાંતિનો પર્યાય ઉકાઈ ડેમ

  • દક્ષિણ ગુજરાતની કૃષિ ક્રાંતિનો પર્યાય ઉકાઈ ડેમ
  • પાંચ દાયકા પૂર્વે સૂર્યપુત્રી તાપીના કાંઠે ઉગ્યો દક્ષિણ ગુજરાતની સમૃદ્ધિનો સુરજ
  • જ્યાં જળ ત્યાં ઉન્નત જીવન : છેલ્લા ૫૪ વર્ષથી દક્ષિણ ગુજરાતના વિકાસમાં ઉકાઈ ડેમનું અદ્વિતીય યોગદાન
  • ઉકાઈ ડેમના તમામ ૨૨ દરવાજાઓ ૩૦ પુખ્ત વયના આફ્રિકન હાથી જેટલા શક્તિશાળી
  • છેલ્લા ૭ વર્ષમાં ૧૦૦૦ કરોડ રૂપિયાના મૂલ્યનું ૩૦૦૦ મિલિયન યુનિટ વીજ ઉત્પાદન નોંધાયું
  • દક્ષિણ ગુજરાતની ૩.૩૧ લાખ હેક્ટર જમીનને મળી રહ્યો છે સિંચાઈનો લાભ
    તાપી તા.૨૧ :- પાંચ દાયકા પૂર્વે તાપી નદીના કાંઠે દક્ષિણ ગુજરાતની સમૃદ્ધિનો સુરજ ઉગ્યો હતો. પૌરાણિક માન્યતા મુજબ તાપી નદીને સૂર્યપુત્રી માનવામાં આવે છે. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના મુલતાઈથી ઉદ્ભવેલી તાપી, સાતપુડાની ગિરિમાળાઓમાંથી કલકલ વહેતી તાપી નદી મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાં પ્રવેશે છે. આ તાપી નદીનો પટ ગુજરાતમાં આવતાની સાથે વિશાળ બનતા તેના પ્રચંડ પ્રવાહને રોકવા ઉકાઈ ગામ પાસે ઇજનેરી કૌશલ્યનો બેજોડ નમૂના સમાન એક વિશાળકાય ડેમના નિર્માણ આજથી પાંચ દાયકા પૂર્વે નિર્માણ કરવામાં આવ્યું હતું. પાંચ દાયકાની ઐતિહાસિક સફરમાં આ ડેમે કૃષિ ક્રાંતિના નવા આયામો હાંસલ કર્યા છે.
    દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની આ ઐતિહાસિક સફર લોકજીવનને સીધી રીતે સ્પર્શે છે. પાણીના મૂલ્ય અને લોકજીવનમાં તેના મહત્વને સમજવા માટે આ ડેમનો ઇતિહાસ જાણવો અત્યંત જરૂરી છે. વર્તમાન સમયમાં જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો જળ સંચય માટે કટિબદ્ધ બનીને કાર્ય કરી રહી છે, ત્યારે જનકલ્યાણ અને જળ જાળવણીના પ્રતીક સમાન ઉકાઈ ડેમ વિશે વિગતે જાણીએ અને સમજીએ.
    આઝાદી પૂર્વે અને ત્યારબાદના વર્ષોમાં સુરત સહિત આસપાસના વિસ્તારોએ તાપી માતાના રૌદ્ર સ્વરૂપનો અનેકવાર અનુભવ કર્યો હતો. ખાસ કરીને ૧૯૫૯ ના વિનાશક પૂર બાદ આ બહુહેતુક યોજનાના નિર્માણનો પાયો નાખવામાં આવ્યો. તાપીના પૂરથી રક્ષણ મેળવવા અને ખેતી માટે બારેમાસ પાણી પૂરું પાડવાના ઉમદા આશય સાથે વર્ષ ૧૯૭૨માં આ બંધનું કાર્ય પૂર્ણ થયું. આ ભવ્ય ડેમનું નામ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં “વલ્લભ સાગર” રાખી તેને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો…
    ઇજનેરી કૌશલ્યના અજોડ નમૂના રૂપ આ ઉકાઈ ડેમની વિગતો આપતા કાર્યપાલક ઇજનેરશ્રી એસ.વી. જાગીરદાર સાથેની વિશેષ મુલાકાતમાં ઘણી રસપ્રદ બાબતો જાણવા મળી હતી. ઉકાઈ ડેમ માનવ ઇજનેરી કૌશલ્યની એક અદભૂત મિસાલ છે. આ ડેમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં માટીની મજબૂતી અને ચણતરની ચોકસાઈ એમ બંને પદ્ધતિઓનો એવો સંગમ થયો છે જે ભાગ્યે જ જોવા મળે છે.
    તેમણે ડેમના ઇજનેરી કૌશલ્યની રસપ્રદ બાબતો રજૂ કરતા જણાવ્યું કે, કલ્પના કરો કે ડેમની કુલ લંબાઈ ૪૯૦૦ મીટર છે, જેમાંથી ૪૦૦૦ મીટર માટીની પાળ છે અને ૯૦૦ મીટર ચણતર કામ છે. તેની ઊંચાઈ દરિયાઈ સપાટીથી ૩૪૫ ફૂટ છે, જે ૨૫ થી ૩૦ માળની ગગનચુંબી ઇમારત જેટલી ગણી શકાય…
    તેઓ ઇજનેરી કૌશલ્યના આશ્ચર્ય રૂપ કાર્ય ની વાત કરતા કહે છે કે, આ ડેમનું અસલી આશ્ચર્ય તો તેના દરવાજાઓમાં છુપાયેલું છે. આ ડેમને ૫૧*૪૮.૫ ફુટના ૨૨ વિશાળકાય દરવાજા છે. જાણીને નવાઈ લાગશે કે માત્ર એક દરવાજાનું વજન ૧૭૬ ટન છે. આ વજનને સામાન્ય ભાષામાં સમજવું હોય, તો એક દરવાજાનું વજન ૩૦ પુખ્ત આફ્રિકન હાથીઓ જેટલું થાય છે. જ્યારે આ ૨૨ દરવાજાઓમાંથી તાપીનું પાણી રૌદ્ર સ્વરૂપે વહે છે, ત્યારે ઇજનેરીનો આ વૈભવ જોવા જેવો હોય છે. આટલી વિશાળ જળરાશિના પ્રચંડ દબાણને આ અડીખમ દીવાલ અને દરવાજાઓ દાયકાઓથી હસતા મુખે ઝીલી રહ્યા છે. જે તેને ઉત્તમ ઇજનેરી કૌશલ્ય અને મજબૂતીનું ઉત્તમ ઉદાહરણ છે.

  • ઉકાઈ જળાશય માત્ર દક્ષિણ ગુજરાતના કરોડો લોકો અને પશુધનની તરસ છિપાવવા કે કૃષિ સિંચાઈ માટે જ ઉપયોગી નથી, પરંતુ તે દક્ષિણ ગુજરાતને રોશન કરતી એક વિશાળ ‘પાવર બેંક’ પણ સાબિત થયો છે. આ ડેમ પાણીના દરેક ટીપામાંથી ઉર્જા પેદા કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. અહીં કુલ ૩૦૫ મેગાવોટની ક્ષમતા ધરાવતા હાઇડ્રો પાવર યુનિટ્સ કાર્યરત છે, જેમાં ૭૫ મેગાવોટના ૪ મુખ્ય યુનિટ અને ૨.૫ મેગાવોટના ૨ નાના યુનિટનો સમાવેશ થાય છે.
    આ પ્લાન્ટની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે છેલ્લા સાત વર્ષમાં અહીંથી ૩૦૦૦ મિલિયન યુનિટ જેટલી માતબર વીજળી પેદા કરવામાં આવી છે. જેની વીજ કિંમત અંદાજે ૧૦૦૦ કરોડ રૂપિયા જેટલી થાય છે. એટલું જ નહીં, ઉકાઈ ડેમ પાસે સ્થિત ૮૫૦ મેગાવોટના વિશાળ થર્મલ પાવર સ્ટેશનને ઠંડુ રાખવા માટે પણ આ જ ડેમનું પાણી વરદાન સાબિત થાય છે. આમ, ઉકાઈ ડેમ ઉદ્યોગો અને ઘરો માટે અખૂટ ઉર્જાનોસ્ત્રોત બનીને આર્થિક વિકાસને વેગ આપી રહ્યું છે.
    ઉકાઈ ડેમ માત્ર પાણીનો સંગ્રહ જ નથી કરતો, પરંતુ તે લાખો લોકો માટે એક અભેદ ‘સુરક્ષા કવચ’ પણ છે. આ ડેમનો જળગ્રહણ વિસ્તાર (કેચમેન્ટ એરિયા) ૬૨,૨૨૫ ચોરસ કિમી જેટલો પ્રચંડ છે અને તેની પાણી સંગ્રહવાની ક્ષમતા ૭૪૧૪ મિલિયન ક્યુબિક મીટર છે.
    સુરત શહેરને તાપીના વિનાશક પૂરથી બચાવવા માટે અહીં ૨૪ કલાક સતર્કતા રાખવામાં આવે છે. કેન્દ્રીય જળ આયોગ સાથે સતત સંપર્કમાં રહીને, કેચમેન્ટ વિસ્તારમાં મુકાયેલા ૫૧ રેઇનગેજ સ્ટેશનો દ્વારા પળેપળની માહિતી મેળવવામાં આવે છે. વર્ષ ૨૦૦૬માં જ્યારે આ ડેમમાંથી ઐતિહાસિક ૧૨.૦૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, ત્યારની પરિસ્થિતિ બાદ ડેમના જળસ્તરના નિયમન માટે ચોક્કસ ‘રૂલ લેવલ’ નક્કી કરાયા છે .
    વર્ષ ૨૦૦૮ ના ટેક્નિકલ કમિટીના અહેવાલ મુજબ ચોમાસા દરમિયાન જળસ્તરનું નિયમન તબક્કાવાર રીતે કરવામાં આવે છે, જેમાં ૧ જુલાઈએ ૩૨૧ ફૂટ, ૧ ઓગસ્ટે ૩૩૩ ફૂટ, ૧ સપ્ટેમ્બરે ૩૩૫ ફૂટ, ૧૫ સપ્ટેમ્બરે ૩૪૦ ફૂટ અને ૧ ઓક્ટોબરે ૩૪૫ ફૂટ સુધી જળસ્તર જાળવવામાં આવે છે.
    ઉકાઈ ડેમ માત્ર એક જળાશય નથી, પણ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સમૃદ્ધિના સૂર્યોદય સમાન છે. જેના દ્વારા તાપી, સુરત, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાની આશરે ૩.૩૧ લાખ હેક્ટર જમીનને આ ડેમ દ્વારા નવું જીવન મળ્યું છે.
    દક્ષિણ ગુજરાતની કૃષિને સમૃદ્ધ બનાવવા અને છેવાડાના ગામો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા માટે નહેરોનું વિશાળ જાળ બિછાવવામાં આવ્યું છે. આ અંતર્ગત ૧૦ તાલુકાઓના લોકો અને પશુધનની તરસ છિપાવવા માટે ૭૩.૧૯ કિમી લાંબી ‘ડાબા કાંઠાની મુખ્ય નહેર’નું મજબૂત નેટવર્ક કાર્યરત છે.
    સાથે જ, હાઇ લેવલ નહેર દ્વારા સોનગઢના ૨૧, વ્યારાના ૩૮ અને ડોલવણ તાલુકાના ૫ મળી કુલ ૬૪ અંતરિયાળ ગામો સુધી પાણી પહોંચાડી જમીન અને જનતાની તૃષ્ણા સંતોષવામાં આવી રહી છે. આ પાણી માત્ર ખેતી જ નહીં, પરંતુ મત્સ્ય ઉદ્યોગ, મોટા ઉદ્યોગો અને જળ વિદ્યુત ઉત્પાદન માટે પણ આશીર્વાદરૂપ સાબિત થયું છે. જેના પરિણામે ૫૪ વર્ષ બાદ પણ, આ ડેમ દક્ષિણ ગુજરાતની સુરક્ષા અને આધુનિક વિકાસની જીવાદોરી બનીને અડીખમ ઊભો છે.

મજેદાર ગણિત
ઉકાઇ ડેમની કુલ સંગ્રહ શક્તિ ૭૪૧૪ મિલિયન ક્યુબિક મીટર છે. ૧ એમસીએમ એટલે ૧૦૦ કરોડ લિટર પાણી. એટલે કે ડેમમાં ૭.૪૧ લાખ કરોડ લિટર પાણી સમાયેલુ છે. ઉદાહરણ તરીકે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદાજિત ૧.૫ કરોડની વસ્તી ગણીએ તો, દરરોજ એક વ્યક્તિ સરેરાશ ૧૫૦ લિટર પાણી પીવા, નાહવા, રસોઈ માટે વપરાશ કરે તો અંદાજે ૨૨૫ કરોડ લિટર પાણી જોઈએ.. જો માત્ર પીવાના પાણીની જ વાત કરીએ તો વરસાદ ન પડે તો પણ ઉકાઈ ડેમનું પાણી આખા દક્ષિણ ગુજરાતને અંદાજિત ૯ વર્ષ સુધી વપરાશ કરી શકે તેટલુ છે.
બીજી તરફ, જ્યારે ન્યુઝમાં “લાખો ક્યુસેક પાણી છોડાયું” ના અહેવાલ સાંભળીએ-નિહાળીએ છીએ, ત્યારે સમજી લેવું કે આ પાણી વહેવાની ઝડપ છે. ૧ ક્યુસેક એટલે ૧ સેકન્ડમાં આશરે ૨૮ લિટર પાણી પસાર થવું. જો ૨ લાખ ક્યુસેક પાણી છોડાય, તો માત્ર એક જ સેકન્ડમાં ૫૬ લાખ લિટર એટલે કે આશરે ૧૦૦૦ લીટરની ૫૬૦૦ ઘરની પાણીની ટાંકીઓ જેટલું પાણી નદીમાં ધસી જાય છે તેવુ સમજવુ…
ઇજનેરો આ નિર્ણય ખૂબ વિચારીને લે છે, જો ઉપરવાસમાં ભારે વરસાદ હોય, તો ડેમની સુરક્ષા માટે ‘રૂલ લેવલ’ મુજબ વધારાનું પાણી છોડવું પડે છે. આમ, ઉકાઈ ડેમનું એક-એક એમસીએમ પાણી દક્ષિણ ગુજરાતના લાખો લોકોના નસીબ અને સમૃદ્ધિનો નિર્ણય કરે છે.
દર વર્ષે ૨૨મી માર્ચના રોજ આખું વિશ્વ જ્યારે ‘વિશ્વ જળ દિવસ’ ઉજવે છે, ત્યારે દક્ષિણ ગુજરાત માટે ઉકાઈ ડેમ સાચા અર્થમાં ‘જળ એ જ જીવન’ નું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. આ વર્ષની થીમ આજે જ્યારે દુનિયા પાણીના સંકટ સામે ઝઝૂમી રહી છે, ત્યારે ઉકાઈ ડેમમાં સંગ્રહિત ૭૪૧૪ મિલિયન ક્યુબિક મીટર – MCM પાણી આપણી સૌથી મોટી સંપત્તિ છે. ૧ ક્યુબિક મીટરમાં ૧૦૦૦ લિટરની ટાંકીમાં સમાય તેટલુ પાણી… તેવી રીતે ૧ એમસીએમ પાણીમાં ૧૦૦૦ લિટરની ૧૦ લાખ ટાંકીઓ ભરાય છે, જે લાખો લોકોની તરસ છિપાવવા સક્ષમ છે.
ઇજનેરો ખૂબ જ ચોકસાઈથી ડેમનું એક-એક ઇંચ પાણી જાળવે છે, ત્યારે આપણી પણ ફરજ છે કે આપણે તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરીએ. ઉકાઈ ડેમ આપણને પૂરથી બચાવે છે, વીજળી આપે છે અને ખેતરોમાં હરિયાળી લાવે છે, પણ આ કુદરતી અને માનવસર્જિત ભેટને આવનારી પેઢી સુધી સુરક્ષિત રાખવી એ જ આ દિવસની સાચી ઉજવણી છે. યાદ રાખજો, ઉકાઈનું એક-એક ટીપું દક્ષિણ ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button