કૃષક સુવર્ણ સમૃદ્ધિ સપ્તાહની ઉજવણી અંતર્ગત સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં માંડવી તાલુકાના સઠવાવ આશ્રમશાળામાં કૃષિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સુરત:શનિવાર: સમગ્ર દેશમાં KVK કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત તથા આત્મા કચેરી-સુરતના સંયુક્ત ઉપક્રમે કૃષક સુવર્ણ સમૃદ્ધિ સપ્તાહ (૨૩ થી ૨૮ સપ્ટે.)ની ઉજવણી અંતર્ગત સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં માંડવી તાલુકાના સઠવાવ આશ્રમશાળામાં કૃષિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સો જેટલા ખેડૂત ભાઈઓ- બહેનો, પશુપાલકોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે સાંસદ શ્રી પ્રભુભાઈએ ખેતીવાડી વિભાગની કામગીરીને બિરદાવી આ પ્રકારના કાર્યક્રમો યોજવા અનુરોધ કરી પ્રગતિશીલ ખેતી, મરઘા પાલન તથા બકરા પાલન થકી ખેડૂતોની આવક વધારવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે માંડવી તાલુકામાં બાગાયતી તથા ઔષધીય પાકોની શક્યતા અંગે દરેક વિભાગને મંથન કરવા તથા તેને અનુરૂપ ખેડૂતોને માર્ગદર્શન આપવા દરેક વિભાગોને અનુરોધ કરી સુવર્ણ સમૃદ્ધિ સપ્તાહની ઉજવણી માટે કેવીકે-સુરત તથા અન્ય વિભાગોને શુભેચ્છા પાઠવી હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતના વડા ડૉ. જનકસિંહ રાઠોડે સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં કે.વી.કે, સુરતના શ્રી એસ.જે ત્રિવેદી, પ્રાકૃતિક ખેતીના જિલ્લા સંયોજક શ્રી કમલેશભાઈ પટેલ, અંભેટી તથા આત્મા, સુરત ના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એન. જી. ગામીતે પ્રાકૃતિક તેમજ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણયુક્ત કૃષિ અંગે ખેડૂતોને સવિસ્તાર માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીતે ખેડૂતલક્ષી યોજનાકીય માહિતી આપી તથા તેનો મહત્તમ લાભ મેળવવા ખેડૂતોને અનુરોધ કર્યો. ઉપસ્થિત દરેક ખેડૂતોને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક નોવેલ ૧ લીટર નિ:શુલ્ક આપવામાં આવ્યું હતું.