નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ ખાતે વિશ્વ સાપ દિવસ ઉજવણી કરાઈ

નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ ખાતે વિશ્વ સાપ દિવસ ઉજવણી કરાઈ
હજીરા, સુરત : આજે વિશ્વ સાપ દિવસની ઉજવણીના ભાગરૂપે નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ ખાતે નેચર ક્લબ,સુરતનાં સહયોગથી સાપ નિદર્શન અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરણ 1થી8નાં 370 વિદ્યાર્થીઓ અને 15 શિક્ષકો જોડાયા.
દરવર્ષે ૧૬ જુલાઈને વિશ્વમાં સાપ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે નવચેતન અદાણી વિદ્યાલયમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં નેચર ક્લબ સુરતનાં પ્રતિનિધિ કૃણાલ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને ઝેરી, બિનઝેરી અને આંશિક ઝેરી સાપોની માહિતી અને તેની ઓ કરી રીતે કરવી તેની માહિતી આપી હતી. સાથે જ ગ્રામ્ય વિસ્તારનાં ઘર, ખેતર,ઝાડ ઉપર, પાણીમાં રહેતાં સાપો વિશે વિગત માહિતી આપી હતી. ચોમાસા દરમિયાન શાળા વિસ્તારમાં ખાસ જોવા મળતાં સાપો અંગે અને એનાથી બચવાના ઉપાયો અંગે પણ માહિતી આપી.
આ જાગૃતિ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં પ્રવર્તતી સાપ અંગેની ખોટી માન્યતાઓ અને અંધશ્રદ્ધા દૂર થાય તથા વિદ્યાર્થીઓ પર્યાવરણની આહાર શ્રૃંખલામાં એનું મહત્વ જાણે, સાપ પ્રત્યેની બીક દૂર થાય, ખેડૂતોના મિત્ર હોવાની વાત સ્પષ્ટ સમજે, વિદ્યાર્થીઓ સાપને માત્ર ઝેરી પ્રાણી નહીં પરંતું પર્યાવરણીય સંતુલનનો અગત્યનો સભ્ય ગણે એ હતો. વિદ્યાર્થીઓને હજીરા વિસ્તારમાં ખાસ જોવા મળતાં સાપોનું પ્રત્યક્ષ નિદર્શન કરાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સાપ અંગે પોતાને મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા હાજર નિષ્ણાંત સાથે કરી હતી.