કોર્ટે કોંગ્રેસને મોદી-અદાણી ડીપફેક વિડીયો તાત્કાલિક દૂર કરવાનો નિર્દેશ આપ્યો

કોર્ટે કોંગ્રેસને મોદી-અદાણી ડીપફેક વિડીયો તાત્કાલિક દૂર કરવાનો નિર્દેશ આપ્યો
અમદાવાદની એક કોર્ટે કોંગ્રેસ અને તેના ચાર નેતાઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો ડીપ ફેક વીડિયો તાત્કાલિક દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ દ્વારા દાખલ કરાયેલ સિવિલ બદનક્ષીના દાવાની સુનાવણી કરતા કોર્ટ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડીપફેક વિડીયો દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.
કેસની અધ્યક્ષતા કરતા એડિશનલ સિવિલ જજે કોંગ્રેસ અને નેતાઓ જયરામ રમેશ, સુપ્રિયા શ્રીનાતે, પવન ખેરા અને ઉદય ભાનુ ચિબને આદેશના 48 કલાકની અંદર કાર્યવાહી કરવા સૂચના આપી હતી. 17 ડિસેમ્બરના રોજ કોંગ્રેસના X હેન્ડલ પર પોસ્ટ કરાયેલા આ વિડીયોમાં મોદી અને અદાણી વચ્ચેની બનાવટી વાતચીત દર્શાવવામાં આવી હતી, જેમાં “મોદી-અદાણી ભાઈ ભાઈ, દેશ બેચકર ખાઈ મલાઈ” કેપ્શન હતું. જેમાં બંને દેશના ખર્ચે વ્યક્તિગત લાભ માટેની સાંઠગાંઠની ખોટા દાવા કરવામાં આવ્યા હતા.
જો કોંગ્રેસ અથવા તેના નેતાઓ કોર્ટના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ જાય, તો કોર્ટે X અને ગુગલને 72 કલાકની અંદર વિડિઓ દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. પ્રતિવાદીઓ દ્વારા પાલન ન કરવાના કિસ્સામાં અદાણી એન્ટરપ્રાઇઝને ઇન્ફર્મેશન ટેકનોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો 2021 હેઠળ ડિજિટલ મધ્યસ્થીઓનો સંપર્ક કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. કોર્ટે તમામ પ્રતિવાદીઓને તાત્કાલિક કારણ બતાવો નોટિસ જારી કરી હતી.
દાવામાં આરોપ છે કે કોંગ્રેસ અને તેના નેતાઓએ ગુનાહિત પ્રવૃત્તિ, ભ્રષ્ટાચાર, જમીન પચાવી પાડવા અને અધિકારીઓની હેરાફેરી સહિત બદનક્ષીભરી સામગ્રી અપલોડ અને પ્રસારિત કરી હતી. જો કે, અદાણી એન્ટરપ્રાઇઝનો દાવો છે કે આરોપો સંપૂર્ણપણે ખોટા છે અને “વ્હાઇટ-કોલર ગુનેગાર” અને “જમીન માફિયા” જેવા શબ્દોનો ઉપયોગ કરીને તેની પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ સામગ્રી બંધારણની કલમ 21 હેઠળ પ્રતિષ્ઠાના તેના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે.
કોર્ટે નોંધ્યું હતું કે આરોપોની પ્રકૃતિ અને સોશિયલ મીડિયા પર ઝડપી અને વાયરલ પ્રસારની સંભાવનાને ધ્યાનમાં રાખીને, વચગાળાનો મનાઈ હુકમ આપવો જરૂરી છે. ખોટા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થવાથી કંપનીની પ્રતિષ્ઠાને ભરપાય ન કરી શકાય તેવું નુકસાન થઈ શકે છે.



