શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ, અમદાવાદના 34માં સમૂહ લગ્નનું આયોજન
• સમાજના દરેક સભ્યોની વિગત સરળતાથી મળી રહે એ હેતુસર સમાજ સેતુ એપ લોન્ચ કરવામાં આવી
શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા 11મી માર્ચ, 2024- સોમવારે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે 34માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માંગલિક પ્રસંગે 8 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ શુભ પ્રસંગે પરમ પૂજ્ય મહંત શ્રી નિતાબા (શ્રી રવિરાંદલધામ દડવા, ધોળા) તથા શ્રી ભાનુબાપુ કથાકાર (ભાવનગર)ની પાવન ઉપસ્થિતિ રહી હતી અને તેમણે આ નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. શાસ્ત્રી મુનિ મહારાજે સમૂહ લગ્નમાં લગ્નવિધિ કરી આશીર્વાદ આપ્યા હતા. આયોજીત કાર્યક્રમમાં ચાર-ચાંદ લગાવવા માટે સુરતના ઈનફ્લુએન્સર તેમજ સમાજસેવક કપલ પારુ અને ગુરુ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે સમાજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હિંમતભાઇ હિંગુ, પ્રમુખ શ્રી ચંદુભાઈ ગોહિલ, યુવક પ્રમુખ શ્રી હિતુભાઇ સોલંકી, કારોબારી પ્રમુખ શ્રી કાંતિભાઈ જેઠવા, ઉપપ્રમુખ શ્રી નાથાભાઈ વાઘેલા અને શ્રી પ્રકાશભાઈ ગોહિલ તથા કારોબારી યુવક પ્રમુખ શ્રી જીતુભાઇ ગોહિલ ઉપસ્થિત રહ્યાં હતા. આ અવસર પર સમાજના તમામ સભ્યોની વિગતવાર માહિતી પૂરી પાડતી એપ “સમાજ સેતુ” લોન્ચ કરવામાં આવી હતી. આ એપનું નિર્માણ શ્રી નિમેષ ખોરસિયા, શ્રી અમિત વાઘેલા તથા શ્રી રાજન ખોરસિયા દ્વારા કરવામાં આવ્યું છે.
સમાજના પ્રમુખ તથા યુવકપ્રમુખ દ્વારા સંદેશો પાઠવવામાં આવ્યો કે, “વધુને વધુ યુવક યુવતીઓ સમૂહલગ્નમાં જોડાય તેવી અમે અપીલ કરીએ છીએ.આવનાર વર્ષે આનાથી પણ વધુ ભવ્ય આયોજન કરવાની અમારી યોજના છે.”