૨૯ આદિવાસી પરિવારોની સ્વમાનભેર ઘરવાપસી

૨૯ આદિવાસી પરિવારોની સ્વમાનભેર ઘરવાપસી
આદિવાસી પરિવારોનું ઐતિહાસિક પુનર્વસન કરાવતા ગૃહ રાજ્ય મંત્રી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજરોજ બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના ૨૯ કોદરવી પરિવારના ૩૦૦ જેટલા સભ્યોનું પુનર્વસન કરાયું હતું. આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરુંના કારણે મોટા પીપોદરા ગામમાંથી ૧૨ વર્ષ પહેલા હૃદય પર પથ્થર મૂકીને પોતાનું વતન છોડીને કોદરવી પરિવારના ૩૦૦ જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા. ગૃહ રાજ્યમંત્રી હષ સંઘવી સહિત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે આદિવાસી સમાજના આ પરિવારોને સંપૂર્ણ માન સન્માન સાથે પોતાના ગામમાં પુનર્વસન માટેનો આ એક ઐતિહાસિક પ્રસંગ યોજાયો હતો. મંત્રી હર્ષ સંઘવી અને મહાનુભાવોએ “એકતા એ સમાજનો સાચો અવતાર, વેર એ અંધકારનો ભાર” તક્તિનું અનાવરણ કરીને બે સમાજના આગેવાનોને એક કર્યા હતા. મંત્રીશ્રીએ આદિવાસી સમાજના બંધુઓને કુમકુમ તિલક સાથે ગૃહ પ્રવેશ કરાવ્યો હતો તથા ભૂમિપૂજન સાથે ખેતરમાં મકાઈનું વાવેતર કરાવ્યું હતું. મંત્રીશ્રીએ આદિવાસી સમાજના બંધુઓને શૈક્ષણિક કીટ, રાશન કીટ, દિવ્યાંગ ભાઈને વ્હીલ ચેર તથા પ્રશંસાપાત્ર એનાયત કરાયા હતા.
આ પ્રસંગે મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશના આદિવાસી બાંધવો માટે ઐતિહાસિક દિવસ છે. આજનો દિવસ કુરિવાજની નાબૂદી, ઉન્નતિ, ખુશાલી અને પારિવારિક આદર સાથે પુનર્વસનનો મહત્વપૂર્ણ દિવસ છે. તેમણે તકરારને બદલે સમાધાન તરફ આગળ વધવા બદલ આદિવાસી સમાજના પંચના વડીલોને અભિનંદન પાઠવી સ્ટેજ પર બોલાવી સન્માન કર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિકાસ સાથે આંતરિયાળ તથા છેવાડાના ગામડાઓ સુધી આજે ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર પહોંચી છે જેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
મંત્રીએ બનાસકાંઠા પોલીસ વિભાગની સુરક્ષા સાથે સામાજિક કાર્યો માટે કરવામાં આવેલી પહેલને બિરદાવી હતી. તેમણે દરેક મુશ્કેલીમાં લોકોની સેવામાં સતત ખડેપગે રહેલ તથા સેવાનું બીજું નામ એટલે કે પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે રેન્જ આઈ.જી. ચિરાગ કોરડિયા તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને ટીમ દ્વારા ૧૪ વર્ષના વેરને સમાધાન કરાવીને સામજિક વ્યવસ્થા માટે કરાયેલ કામગીરીને વધાવીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, આદિવાસી બાંધવો માટે હવે અહીં સરકારશ્રી તથા સામાજિક સંસ્થાઓના સહયોગથી આવાસ બનાવાશે તથા તમામ જીવન જરૂરિયાત સુવિધાઓ ઉભી કરાશે જેથી કરીને આ સમાજના લોકો ખેતી સાથે પોતાની માનભેર જિંદગી વિતાવશે. ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજનો એક કુરિવાજ ચડોતરું એટલે કે વેર લેવાની પરંપરા. આ ચડોતરું કુરિવાજને કારણે દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાંથી ૧૨ વર્ષ પહેલા સ્થળાંતર કરીને કોદરવી સમુદાયના ૨૯ પરિવારોના ૩૦૦ જેટલા સભ્યો પાલનપુર તથા સુરત ચાલ્યા ગયા હતા. મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસે આ સમુદાયની વિગતો મેળવીને તેમનો સંપર્ક કર્યો. ગ્રામ પંચાયતના આગેવાનો તથા બંને સમુદાયના આગેવાનો સાથે બેઠકો કરી આ પરિવારોના પુનર્વસન બાદ ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકો કરાઈ હતી.