ગુજરાત

દેશની સૌપ્રથમ ‘સુરત ગ્રીન વ્હીકલ પોલિસી-૨૦૨૫’નું લોન્ચિંગ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ

  • દેશની સૌપ્રથમ ‘સુરત ગ્રીન વ્હીકલ પોલિસી-૨૦૨૫’નું લોન્ચિંગ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ
  • સુરતમાં પ્રદૂષણમુક્ત પરિવહન સુવિધાને પ્રોત્સાહિત કરવા અને શહેરને ઈ-મોબિલિટીમાં દેશભરમાં અગ્રણી શહેર બનાવવા સુરત મહાનગરપાલિકાએ દેશની પ્રથમ ‘સુરત ગ્રીન વ્હીકલ પોલિસી-૨૦૨૫’ લાગુ કરી
  • કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે રૂા.૧૪૨ કરોડના કામોનું ખાતમુહૂર્ત અને રૂા.૨૧ કરોડના કામોનું લોકાર્પણ: કુલ રૂા.૧૬૩ કરોડના વિકાસકામોની ભેટ – કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ
  •  આવનારા ૫૦ વર્ષમાં થનાર વસ્તીવધારો, શહેરીકરણને ધ્યાને લઈ સુરત મનપાએ પાણી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાનું આગવું ભવિષ્યલક્ષી આયોજન કર્યું છે
  •  સુરતને ‘ખૂબસુરત’ બનાવવામાં સફાઈ કર્મચારીઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ
    સુરતમાં પ્રદૂષણમુક્ત પરિવહન સુવિધાને પ્રોત્સાહિત કરવા અને શહેરને ઈ-મોબિલિટીમાં દેશભરમાં અગ્રણી શહેર બનાવવા સુરત મહાનગરપાલિકાએ દેશની પ્રથમ ‘સુરત ગ્રીન વ્હીકલ પોલિસી-૨૦૨૫’ તૈયાર કરી છે. આ પોલિસીને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. સાથોસાથ સુરતના વિવિધ ઝોન વિસ્તારમાં રૂા.૧૪૨ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂા.૨૧ કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરીને મંત્રીશ્રીએ સુરતવાસીઓને કુલ રૂા.૧૬૩ કરોડના વિકાસકામોની ભેટ આપી હતી. વિશેષત: સુરત શહેરને સુપર સ્વચ્છ લીગમાં સ્થાન અપાવનાર સુરતના ૬૦૦૦ સમર્પિત સફાઈકર્મીઓને બિરદાવવા અને તેમના આર્થિક, સામાજિક કલ્યાણ માટે વેલ્ફેર ફંડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
    ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
    ઈનડોર સ્ટેડિયમ, અઠવાલાઈન્સ ખાતે આયોજિત સમારોહમાં સુરતને સ્વચ્છ બનાવવાની સિદ્ધિમાં મહત્વપૂર્ણ અંગ સમાન સ્વચ્છતાદૂતોને અભિનંદન પાઠવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ કહ્યું કે, સુરતને ‘ખૂબસુરત’ બનાવવામાં સફાઈ કર્મચારીઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. સુરતને સ્વચ્છતા સહિત અનેક ક્ષેત્રોમાં છેલ્લા બે વર્ષમાં ૨૦ જેટલા એવોર્ડ મળ્યા છે. સુરત શહેર જનહિતના ક્ષેત્રે નેતૃત્વ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે.
    જનભાગીદારીથી જનકલ્યાણની ઉત્તમ પહેલ અંતર્ગત સફાઈકર્મીઓના ઋણ સ્વીકાર માટે રૂ. ૧૦ કરોડનું ફંડ ઉભું કરવામાં આવી રહ્યું છે. જેમાં વગર વ્યાજે લોન, મકાન ખરીદી, ઈ વ્હીકલ ખરીદી, UPSC- GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, હોસ્ટેલ અને ભોજન સુવિધા સહાય, અનુસ્નાતક અભ્યાસ માટે સહાય આપવામાં આવશે એમ મંત્રીશ્રીએ કહ્યું હતું.
    વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી સફાઈકર્મીઓના કલ્યાણ માટે થાય એવા ઉદ્દેશ સાથે આયોજિત આ સમારોહ સ્વચ્છતાદૂતોના સર્વાંગી આર્થિક, સામાજિક વિકાસનો પાયો નાંખશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
    ‘ગ્રીન વ્હીકલ પોલિસી’ નિર્માણ કરનાર સુરત મહાનગરપાલિકા દેશની પ્રથમ મહાનગરપાલિકા બની છે એટલું જ નહીં, આવનારા ૫૦ વર્ષમાં થનાર વસ્તીવધારો, શહેરીકરણને ધ્યાને લઈ પાણી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાનું અત્યારથી જ ભવિષ્યલક્ષી આયોજન કર્યું છે એમ જણાવી મનપાના સત્તાધીશો, અધિકારીઓ અને સમગ્ર મનપા તંત્રને શ્રી પાટીલે અભિનંદન આપ્યા હતા.
    આ વેળાએ પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરે લાઈવ ઇન કોન્સર્ટ દ્વારા સુમધુર ગીતોથી સુરતવાસીઓને ડોલાવ્યા હતા.
    નોંધનીય છે કે, યૂથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આયોજિત કાર્યક્રમ થકી સફાઈકર્મીઓ માટે રૂ.૧૦ કરોડનું આર્થિક ભંડોળ ઊભું કરવાનું આયોજન કરાયું છે. સંચાલન માટે સુરત મનપા દ્વારા સફાઈ યોદ્ધા વેલફેર ફંડની રચના કરવામાં આવી છે. આ ફંડમાં કોઇ પણ શહેરીજન પોતાનું યોગદાન આપી શકે છે.
    આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સર્વશ્રી સંદીપભાઈ દેસાઈ, મનુભાઈ પટેલ, ગણપતભાઈ વસાવા, મોહનભાઈ ઢોડિયા, મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, ધારાસભ્યો, મનપાના પદાધિકારી-અધિકારીઓ મોટી સંખ્યામાં સફાઈકર્મીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

સુરત ગ્રીન વ્હીકલ પોલિસી-૨૦૨૫ શું છે?

ભારતમાં પહેલીવાર શહેર સ્તરે સુરત મહાનગરપાલિકાએ નવતર પોલિસી લાગુ કરી છે. જેનો ઉદ્દેશ શહેરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવું, ઇલેક્ટ્રિક, હાઇડ્રોજન, બાયો-ફ્યુઅલ અને ઇથેનોલ આધારિત વાહનોને પ્રોત્સાહન આપવું અને ગ્લોબલ વોર્મિંગ સામે પગલાં ભરવા માટે સ્વચ્છ ઊર્જા તરફ લોકોને દોરી જવાનો છે.
ઇલેક્ટ્રિક વાહન ખરીદનારને રૂ. ૩ હજારથી રૂ.એક લાખ સુધીનો સીધો ફાયદો મળશે, વાહનના પ્રકાર અને કિંમત અનુસાર વાહન વેરામાં પાંચ વર્ષ માટે રાહત, પર્યાવરણ ચાર્જમાંથી મુક્તિ અને પાલિકા સંચાલિત પાર્કિંગમાં 10% જગ્યા ગ્રીન વાહનો માટે આરક્ષિત રહેશે. ઇ-ઓટો રિક્ષા માટે વિશેષ પ્રોત્સાહન અપાશે. ભવિષ્યમાં RTOમાં માત્ર ઇ-ઓટો રિક્ષાની નોંધણી કરવામાં આવશે, તેમજ હાઇડ્રોજન બસ દોડાવવાનું આયોજન છે,
આ પોલિસી હેઠળ શહેરમાં ૪૫૦ થી વધુ ચાર્જિંગ સ્ટેશન PPP મોડલ હેઠળ બનાવાશે ગ્રીન વ્હીકલ સેલની રચના થશે, જેમાં ટેકનિકલ અને ગવર્નિંગ કમિટીઓ હશે. ગ્રીન વ્હીકલ પોર્ટલ દ્વારા નાગરિકોને માહિતી મળશે. મ્યુનિસિપલ ફંડ, ગ્રીન બોન્ડ અને CSR દ્વારા નાણાંકીય સહાય મળશે.

રૂા.૨૧ કરોડના વિકાસકામોનું લોકાર્પણ

રૂ.૧ કરોડના ખર્ચે ઈસ્ટ ઝોન-એમાં પુણા શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી ૫૦ બેડની હોસ્પિટલનું કામ, સેન્ટ્રલ ઝોનમાં રૂ.૧.૮૨ કરોડના ખર્ચે મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલનું નવિનીકરણ, સરથાણા ઝોન-બી વિસ્તારના મોટા વરાછામાં રૂ.૬.૬૫ કરોડના ખર્ચે ૧ કરોડ લીટરની ભૂર્ગભ ટાંકી, પૂર્વ ઝોન (વરાછા)માં હેડ વોટર વર્કસ (વરાછા) ખાતે રૂ.૫.૮૮ કરોડના ખર્ચે ૯૩ લાખ લીટર ક્ષમતાની બુસ્ટર હાઉસ સહિતની અંડરગ્રાઉન્ડ ટાંકી અને પુણા ખાતે રૂ.૩.૦૮ કરોડના ખર્ચે ૭૪ લાખ લીટર ક્ષમતાની ભુગર્ભ ટાંકી, નોર્થઝોન (કતારગામ) માં સમાવિષ્ટ કોસાડ ખાતે હયાત અર્બન હેલ્થ સેન્ટરના મકાનને એક્ષટેન્સન કરી રૂ.૨.૪૯ કરોડના ખર્ચે નવું અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર (૫૦ બેડ)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રૂા.૧૪૨ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત
રૂ.૫૪.૩૬ કરોડના ખર્ચે અઠવા ઝોનમાં અલથાણ, વેસ્ટ ઝોન- રાંદેરમાં અડાજણ, ખાતે વર્કિંગ વુમન હોસ્ટેલ, સાઉથ વેસ્ટ (અઠવા) ઝોનમાં વેસુ-ભરથાણા ખાતે રૂ.૬.૦૮ કરોડના ખર્ચે સુમન સ્કુલ, સરથાણા) ઝોન-બી માં રૂ.૧૨ કરોડના ખર્ચે સીમાડા વોટર વર્કસ ખાતે બુસ્ટર હાઉસ સહિતની ૭૨ લાખ લીટર ક્ષમતાની આર.સી.સી. અંડરગ્રાઉન્ડ ટાંકી અને રાઈઝીંગ મેઈન અને ડી.આઈ.એલ. ડિસ્ટ્રીબ્યુશન નળીકા સાથે ઓવરહેડ ટાંકી E2 ના કેમ્પસમાં ર૭ લાખ લીટર ક્ષમતાની આર.સી.સી. ઓવરહેડ ટાંકી, સેન્ટ્રલ ઝોનમાં ગાર્ડન મિલ ડી.એમ.એ.માં રૂ.૧૪ કરોડના ખર્ચે વોટર સપ્લાય નેટવર્ક નાંખવાના કામનું ખાતમુહૂર્ત, સગરામપુરા વાહન ડેપો ડી.એમ.એ.માં રૂ.૧૮.૧૨ કરોડના ખર્ચે વોટર સપ્લાય નેટવર્ક, ગાંધી બાગ ડી.એમ.એ.માં રૂ.૧૬.૫૭ કરોડના ખર્ચે વોટર સપ્લાય નેટવર્ક, સાઉથ ઝોન-બી કનકપુરમાં કનકપુર ગુ.હા.બોર્ડમાં રૂ.૫.૫૯ કરોડના ખર્ચે નવી સુમન શાળા, પાલી-સચિન-કનસાડમાં રૂ.૬ કરોડના ખર્ચે નવી સુમન શાળા, નોર્થ ઝોન (કતારગામ)માં કોસાડ-વરીયાવ ખાતે નવું અર્બન હેલ્થ સેન્ટરના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button