સાધલી બાદ સેગવામાં ફરી રૂ. 80 હજારની ચોરી

સાધલી બાદ સેગવામાં ફરી રૂ. 80 હજારની ચોરી

સાધલી મનન વિદ્યાલયમાં તારીખ 16ના રોજ રૂ. 4.37 લાખની ચોરીની ઘટના બાદ હજી કાર્યવાહી પૂર્ણ થઈ નથી ત્યાં, તારીખ 19ની મોડીરાત્રે શિનોર તાલુકાના સેગવા ગામમાં ફરી ચોરીની ઘટનાએ ભયનો માહોલ સર્જ્યો છે. ત્રણ તસ્કરોએ ચાર મિલકતોને નિશાન બનાવી આશરે રૂ. 80 હજારની ચોરી કરી શિનોર પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે.
સેગવા ગામે ચાંદોદ રોડના પાટીયા નજીક આવેલી શ્રીજી સોસાયટીના બે બંધ મકાનો, એક શ્રી રામ માર્બલ દુકાન તથા મારુતિ સુઝુકી એરીના સર્વિસ સ્ટેશનમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ત્રણ તસ્કરો સર્વિસ સ્ટેશનમાંથી રૂ. 80 હજાર રોકડા લઈ ફરાર થયા હતા. બે મકાનો અને એક દુકાનમાંથી કંઈ હાથ ન લાગતાં તસ્કરોની મહેનત ત્યાં નિષ્ફળ ગઈ હતી.
સાધલી મનન વિદ્યાલયની ચોરીમાં પણ ત્રણ તસ્કરો અને સેગવા ચોકડીની ચોરીમાં પણ ત્રણ તસ્કરો હોવાને કારણે બંને ઘટનાઓ એક જ ટોળકી દ્વારા કરવામાં આવી હોવાની શંકા ઊભી થઈ છે. બંને સ્થળે આઉટપોસ્ટ હોવા છતાં ચોરી રોકાઈ ન શકવી અને ચોરીના સ્થળ પાસે રહેલો જી.આર.ડી. પોઇન્ટ ઘટનાના દિવસે ખાલી હોવો પણ તપાસનો મુદ્દો બન્યો છે.
મનન વિદ્યાલયની ચોરીને પાંચ દિવસ વિતી ગયા હોવા છતાં હજી સુધી એફઆઈઆર નોંધાઈ નથી, જ્યારે સેગવામાં ચોરી થતાં પોલીસ તપાસ શરૂ કરી હોવાનું જણાવે છે. દારૂ અને જુગાર જેવા કેસોમાં તરત ફરિયાદ નોંધાતી હોવા છતાં મોટી ચોરીમાં વિલંબ કેમ થાય છે તે બાબતે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શાળા તરફથી તાત્કાલિક જાણ કરવામાં છતાં ફરિયાદ ન નોંધાતા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.



