ગુજરાત

24 જાન્યુઆરી, “રાષ્ટ્રીય બાલિકા દિવસ”

24 જાન્યુઆરી, “રાષ્ટ્રીય બાલિકા દિવસ”

દીકરી દેવો ભવ:

દર વર્ષે 24 જાન્યુઆરીનાં દિવસને “રાષ્ટ્રીય બાલિકા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાની શરૂઆત 2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કરી હતી. રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી પાછળનો ઉદ્દેશ ભારતની છોકરીઓને સહાય અને તકો પૂરા પાડવા, બાળકીનાં અધિકારો વિશે જાગરૂતતા લાવવા અને બાળ શિક્ષણના મહત્વ, તેમના આરોગ્ય અને પોષણ અંગે જાગૃતિ લાવવાનો છે. સમાજમાં લૈંગિક અસમાનતા, સ્ત્રી ભ્રૂણહત્યા, જાતીય દુરવ્યવહાર જેવા મુદાઓ આજે જાણે સામાન્ય બની ગયા છે. આ બાબતે સમાજમાં જાગૃતિ લાવવાની અને બાળકોને યોગ્ય શિક્ષણ આપવાની જરૂરિયાત વધી છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલા લેવા જરૂરી બની જાય છે. એક તરફ દીકરીઓને આગળ વધારવાની ચર્ચાઓ થઈ રહી છે અને બીજી તરફ મહિલાઓ સાથે જોડાયેલા ગુનાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જે સમાજ માટે ખરેખર શરમજનક બાબત છે. દેશમાં દીકરીઓ પ્રત્યેની જુદી જુદી માનસિકતાએ સમાજ તેમજ દીકરીઓના આત્મવિશ્વાસને પડકાર્યો છે. આ દિવસ મુખ્યત્વે તેમના અસ્તિત્વ, શિક્ષણ, આરોગ્ય, વિકાસ, સુરક્ષા જેવા મુદ્દાઓ પર સમાજમાં જાગૃતિ લાવવાનો છે. સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે વિવિધ અભિયાન બેટી બચાવો, બેટી પઢાઓ, વન સ્ટોપ સેન્ટર યોજના, મહિલા હેલ્પલાઈન, ઉજ્જવલા, વર્કિંગ વુમન હાઉસિંગ યોજના, સ્વાધર ગૃહ યોજના, રાજ્ય મહિલા સન્માન, જિલ્લા મહિલા સન્માન, સ્ત્રી શક્તિ પુરસ્કાર, નિર્ભયા, મહિલા શક્તિ કેન્દ્ર, મહિલા પોલીસ સ્વયંસેવક, મહિલા અભયમ હેલ્પલાઈન ચલાવવામાં આવે છે. ઉપરાંત દેશભરમાં છોકરીઓ માટે ચાલતી યોજનાઓ જેવી કે ભારત સરકારનાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ધન લક્ષ્મી યોજના, કર્ણાટકમાં ભાગ્યલક્ષ્મી યોજના, મધ્યપ્રદેશ, દિલ્લી અને હરિયાણામાં  લાડલી લક્ષ્મી યોજના, આંધ્રપ્રદેશમાં બાલિકા સુરક્ષા યોજના, પંજાબમાં રક્ષક યોજના, ગુજરાતમાં બાલિકા સમૃદ્ધિ યોજના, હિમાચલ પ્રદેશમાં બેટી હૈ અનમોલ યોજના અને ઇન્દિરા ગાંધી બાળકી સુરક્ષા યોજના, બિહારમાં મુખ્યમંત્રી કન્યા સુરક્ષા યોજના અને મુખ્યમંત્રી કન્યા લગ્ન યોજના, ગુજરાતમાં કુંવરબાઈનું મામેરું યોજના, મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી કન્યાદાન યોજના ચલાવવામાં આવે છે. જે જરૂરિયાતમંદ બાળકીઓ માટે ખરેખર સહાયરૂપ બન્યું છે.

સ્ત્રી ભ્રૂણહત્યાની સામે સરકારે ગર્ભાવસ્થા દરમિયાન લિંગ પરીક્ષણ પર સરકારે પ્રતિબંધ મુક્યો અને દીકરીઓને આગળ વધવા માટે બાળવિવાહ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો વળી હાલમાં જ છોકરીઓની લગ્ન કરવા માટેની ઉંમર પણ 18 ને બદલે છોકરાઓની જેમ જ 21 કરાઈ છે. જે પણ સમાનતા અને છોકરીઓને પણ ભણવાની કે કરિયર બનાવવાની પુરતી તકો મળે તે માટે સરાહનીય પગલું છે. આ તમામ બાબતો સૂચવે છે કે જેટલા પ્રયત્નો સરકાર તરફથી આ દિશામાં થવા જોઈએ એટલા તો થાય જ છે. હવે જો કોઈને જાગૃત થવાની જરૂર છે તો એ સમાજને જાગૃત થવાની જરૂર છે. લોકોએ પોતાના વિચાર અને આચાર બદલવાની જરૂર છે તો અને તો જ આ દિશામાં સુધારા લાવી શકાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button