પેરિસ પેરાલિમ્પિકમાં ગૌરવવંતા 3 ગુજરાતીઓ
પેરિસ પેરાલિમ્પિકમાં ગુજરાતના 3 દિવ્યાંગ ખેલાડીઓનો જોશ હાઈ
પેરિસની ધરતી પર 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક આયોજન થનાર છે, જેમાં મેડલ માટે વિશ્વભરના દિવ્યાંગ ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દેખાડશે. પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના કુલ 84 ખેલાડીઓ સહભાગી થશે, જે કુલ 12 પેરા સ્પોર્ટ્સમાં ભાગ લેશે. આ વખતે પેરા સાયકલિંગ, પેરા રોઇંગ અને બ્લાઈન્ડ જુડોમાં પણ ભારતના ખેલાડીઓ ભાગ લેશે. ગત ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભારતના કુલ 54 ખેલાડીઓએ ભાગ લીધો હતો, સરકારની સ્પોર્ટ્સ પ્રત્યેની નીતિઓના કારણે ખેલાડીઓ વધી રહ્યાં છે. પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના કુલ 84 ખેલાડીઓ છે, જેમાં 32 મહિલા ખેલાડીઓ અને 52 પુરુષ ખેલાડીઓ છે.
ગુજરાતના પણ ખેલાડીઓ વૈશ્વિક સ્તરે ઉભરી રહ્યાં છે. પેરિસ પેરાલિમ્પિકમાં ગુજરાતના ૩ ખેલાડીઓ સહભાગી થશે. ગુજરાતના પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ, પેરા ટેબલ ટેનિસ ખેલાડી સોનલ પટેલ અને પેરા એથલેટીક્સ (જેવલિન થ્રો)ના ખેલાડી ભાવના ચૌધરી પેરાલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરવા ઉત્સુક છે. ભારતના દિવ્યાંગ ખેલાડીઓ પેરાલિમ્પિકમાં વધુને વધુ મેડલ્સ મેળવીને ભારતીય તિરંગો પેરિસમાં લહેરાવે તેવી સૌ દેશવાસીઓની મનોકામના છે, સૌ ભારતવાસીઓ ચિયર ફોર ભારત માટે ઉત્સુક છે.
ગુજરાતના દિવ્યાંગ ખેલાડીની માહિતી
ભાવિના પટેલ
ગુજરાતનું ગૌરવ ભાવિના પટેલ ગોલ્ડન સપનાને સાકાર કરવા મેદાનમાં ઉતરશે. સપના ક્યારેય કોઈ બિમારીનો શિકાર બનતા નથી એવું માનનારા ભાવિના પટેલ ફરી એકવાર ઈતિહાસ રચવા માટે તૈયાર છે. બાળપણમાં થયેલા પોલિયોની અસર સપનાનાં મક્કમ મનોબળ પર ન થવા દઈને અનેક રેકોર્ડ તેમણે બનાવ્યા છે. પેરિસ પેરાલિમ્પિકમાં ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસ સિંગલ વુમન ક્લાસ 4માં ભાગ લેશે. 202૦ ટોક્યો પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસના સિલ્વર મેડાલિસ્ટ ભાવિના પટેલ હવે પેરિસ પેરાલિમ્કિમાં ગોલ્ડના સપનાને સાકાર કરવા આતુર છે. રમતગમત ક્ષેત્રમાં વિશ્વસ્તર પર ગુજરાત સહિત ભારતનો ડંકો વગાડનાર ગુજ્જુ ગર્લ ભાવિના પટેલની સફર ઘણી રસપ્રદ રહી છે. હાલ વિશ્વના ચોથા અને એશિયામાં બીજા ક્રમાંકના ખેલાડી છે. ભાવિના પટેલના નામે અનેક સિદ્ધિઓ છે. તેમણે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર, 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ, 2023 એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભાવિના પટેલે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિંગલ અને મિક્સમાં કુલ મળીને 48 જેટલા મેડલ જીત્યા છે. રાષ્ટ્રીય ક્ષેત્રે પણ તેમણે 10 જેટલા મેડલ જીત્યા છે. રમતગમત ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ બદલ તેમને અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે. 2011-12માં એકલવ્ય એવોર્ડ, 2010-11માં સરદાર પટેલ એવોર્ડ, 2015માં નેશનલ એવોર્ડ ફોર ધ બેસ્ટ સ્પોર્ટ્સ પર્સન અને 2018માં સ્પેશિયલ એવોર્ડ ફોર ધ બેસ્ટ સ્પોર્ટ્સ પર્સનનો એવોર્ડ આપીને ગુજરાત સરકારે સન્માનિત કર્યા હતા. ભાવિના પટેલની ટોક્યો ઓલ્મ્પિકમાં પસંદગી થઇ ત્યારે આગોતરી તૈયારીઓના ભાગરૂપે પણ ગુજરાત સરકારે રૂ.10 લાખની સહાય કરી હતી. ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવ્યો તે બદલ ગુજરાત સરકારે પ્રોત્સાહન રૂપે રૂ. 3 કરોડની રકમ આપી હતી. પેરા એશિયન ગેમ્સ 2018માં ટેબલ ટેનિસ (ડબલ્સ)માં સિલ્વર મેડલ મેળવ્યો તે બદલ રૂ. 10 લાખની રોકડ રકમ ગુજરાત સરકારે પ્રોત્સાહન રૂપે આપી હતી. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ટેબલ ટેનિસ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો તે બદલ રૂ. 25 લાખની રોકડ રકમ ગુજરાત સરકારે પ્રોત્સાહન રૂપે આપી હતી. પેરા એશિયન ગેમ્સ 2023માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો તે બદલ રૂ. 50 લાખની રોકડ રકમ ગુજરાત સરકારે પ્રોત્સાહનરૂપે આપી હતી. પેરા એશિયન ગેમ્સ 2022માં રમવા જતી વખતે આગોતરી તૈયારીઓના ભાગરૂપે પણ ગુજરાત સરકારે રૂ.5 લાખની સહાય કરી હતી. પેરિસમાં પેરાલિમ્પિકમાં ભાવિના પટેલની પસંદગી થતાં ગુજરાત સરકારે આગોતરી તૈયારીઓના ભાગરૂપે પણ રૂ.10 લાખની સહાય કરી છે. ગુજરાત સરકાર ખેલાડીઓને સતત સપોર્ટ કરતી રહે છે, તેના જ કારણે ગુજરાતના ખેલાડીઓ સિદ્ધિ તરફ આગળ વધી શકે છે.
સોનલ પટેલ
મનથી મક્કમ હશો તો દુનિયા જીતી શકશો અને ક્યારેય પાછા નહીં પડો તે હંમેશા સાબિત કરતા આવ્યા છે ટેબલ ટેનિસના દિવ્યાંગ ખેલાડી સોનલ પટેલ. પેરિસમાં પેરાલિમ્પિકમાં સોનલ પટેલ પેરા ટેબલ ટેનિસ સિંગલ વુમન ક્લાસ 3માં ભાગ લેશે. 2008થી સોનલબેન પટેલે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. સોનલ પટેલે 25થી વધુ વખત આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યુ છે, જેમાં અનેક મેડલ તેમણે જીત્યા છે. સોનલ પટેલે 2018માં એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 2021માં સોનલ પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધત્વ કર્યુ હતું. ટેબલ ટેનિસમાં 2022 કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ સોનલ પટેલ ચર્ચામાં આવ્યા હતાં. હવે સોનલ પટેલનું સપનું પેરિસ પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા પર છે. સોનલ પટેલને ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ ગુજરાત સરકાર દ્વારા એકલવ્ય એવોર્ડ એનાયત કરાયો હતો. આ ઉપરાંત સરદાર પટેલ એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા. પેરા એશિયન ગેમ્સ 2018માં ટેબલ ટેનિસ ડબલ્સમાં સોનલ પટેલે સિલ્વર મેડલ મેળવ્યો તે બદલ ગુજરાત સરકારે પ્રોત્સાહનરૂપે રૂ. 10 લાખની રોકડ રકમ આપી હતી. સોનલ પટેલની ટોક્યો ઓલ્મ્પિકમાં પસંદગી થઇ ત્યારે આગોતરી તૈયારીઓના ભાગરૂપે પણ ગુજરાત સરકારે રૂ.10 લાખની સહાય કરી હતી. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ટેબલ ટેનિસ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો તે બદલ ગુજરાત સરકારે રૂ. 10 લાખની રોકડ રકમ આપી હતી. પેરા એશિયન ગેમ્સ 2022માં રમવા જતી વખતે પણ આગોતરી તૈયારીઓના ભાગરૂપે ગુજરાત સરકારે રૂ.5 લાખની સહાય કરી હતી. પેરિસમાં પેરાલિમ્પિકમાં સોનલ પટેલની પસંદગી થતાં ગુજરાત સરકારે આગોતરી તૈયારીઓના ભાગરૂપે પણ રૂ.10 લાખની સહાય કરી છે.
ભાવના ચૌધરી
પેરિસ પેરાલિમ્પિકમાં આ વખતે ગુજરાતના બનાસકાંઠાની દીકરી ભાવના ચૌધરી ગૌરવ વધારશે. બનાસકાંઠાના ધાણા ગામની ખેડૂતપુત્રી ભાવના ચૌધરી ભાલા ફેંકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મેડલ જીતવાનું સપનું સાકાર કરવા ઉત્સુક છે. હાલમાં તેમની વયજૂથમાં ભાવના ચૌધરી દેશમાં પ્રથમ અને વિશ્વમાં સાતમા ક્રમાંકે છે. ભાવના ચૌધરીએ અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેડલ અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે. પેરિસમાં પેરાલિમ્પિકમાં ભાવના ચૌધરી વુમન જેવલીન થ્રોની કેટગરી F46માં ભાગ લેશે. 2022માં હોંગઝાઉમાં રમાયેલી ચોથી એશિયન પેરા ગેમ્સમાં ભાલાફેંકમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ચોથા ક્રમે રહી હતી, ઉપરાંત સ્વિત્ઝર્લેન્ડમાં 2021માં યોજાયેલી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં ભાગ લઈ ત્રીજા ક્રમે રહી હતી. આ ઉપરાંત 2021માં ઓડિશામાં યોજાયેલી 20મી નેશનલ પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં પ્રથમ, 2022માં બેંગ્લોરમાં યોજાયેલી ચોથી ઈન્ડિયન ઓપન નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પ્રથમ, 2023માં પુનામાં યોજાયેલી 21મી નેશનલ પેરા એથ્લેટિક્સમાં પણ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તાજેતરમાં ગોવામાં રમાયેલી 22મી નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભાવના ચૌધરી પ્રથમ ક્રમે રહ્યાં હતા. પેરા એશિયન ગેમ્સ 2022માં રમવા જતી વખતે આગોતરી તૈયારીઓના ભાગરૂપે પણ ગુજરાત સરકારે રૂ.5 લાખની સહાય કરી હતી. પેરિસમાં પેરાલિમ્પિકમાં ભાવના ચૌધરીની પસંદગી થતાં ગુજરાત સરકારે આગોતરી તૈયારીઓના ભાગરૂપે રૂ.10 લાખની સહાય કરી છે. ગુજરાત સરકાર દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહન પુરુ પાડતી રહે છે, જેના કારણે તે સફળતાના શિખરો સર કરી રહ્યાં છે.