બારડોલીની દીકરી ઉર્વશી ગામીતે ખેલ મહાકુંભમાં ગજવ્યું મેદાન

બારડોલીની દીકરી ઉર્વશી ગામીતે ખેલ મહાકુંભમાં ગજવ્યું મેદાન
ભાલા ફેંકમાં ૩૪.૮૯ મીટરના અંતર સુધી ભાલું ફેંકીને મેળવ્યો બ્રોન્ઝ મેડલ
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ’માં બારડોલીની ઉર્વશી અનીલભાઈ ગામીતે પોતાની રમતથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. નડિયાદ ખાતે યોજાયેલી ભાલા ફેંક સ્પર્ધામાં ઉર્વશીએ શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે. નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થિત ભાલા ફેંકમાં ૩૪.૮૯ મીટરના અંતર સુધી ભાલું ફેંકીને તેણે તૃતીય ક્રમ મેળવી બ્રોન્ઝ મેડલ પોતાનના નામે કર્યો છે. તેની આ સફળતા આગામી સમયમાં રમતગમત ક્ષેત્રે આગળ વધવા માંગતી અન્ય દીકરીઓ માટે પણ એક મોટી પ્રેરણા સાબિત થશે.
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘ખેલ મહાકુંભ’ રાજ્યના લાખો યુવાનો માટે પોતાની છુપાયેલી શક્તિઓને પ્રદર્શિત કરવાનું એક સબળ માધ્યમ બની ગયો છે. ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના મંત્રને સાર્થક કરતા આ અભિયાન અંતર્ગત છેવાડાના ગામડાઓમાંથી ખેલાડીઓ ઉભરીને રાજ્ય અને રાષ્ટ્રીય ફલક પર પોતાની ઓળખ બનાવી રહ્યા છે.



