શિનોરમાં સિનિયર સિટીઝનને બ્લેકમેઇલ કરી ₹75.75 લાખની ઉઘરાણી પ્રકરણમાં ત્રીજો મુખ્ય આરોપી હોસ્પિટલમાંથી ઝડપાયો

શિનોરમાં સિનિયર સિટીઝનને બ્લેકમેઇલ કરી ₹75.75 લાખની ઉઘરાણી પ્રકરણમાં ત્રીજો મુખ્ય આરોપી હોસ્પિટલમાંથી ઝડપાયો
શિનોર (વડોદરા): શિનોર તાલુકામાં 66 વર્ષીય સિનિયર સિટીઝન સાથે બ્લેકમેઇલ, બળાત્કારની ધમકી, નગ્ન ફોટા વાયરલ કરવાની અને ગર્ભવતી હોવાનો આક્ષેપ કરી કુલ ₹75,75,550 ની રકમ પડાવવાના ગૂંથાયેલા કાવતરાનો ભંડાફોડ થયો છે. આ મામલે નોંધાયેલા ગુનામાં પહેલેથી બે આરોપીઓ ઝડપાઈ ચૂક્યા હતા, જ્યારે પૈસાની લેવડદેવડનો મુખ્ય વચેટિયો ગણાતો ત્રીજો આરોપી પણ આજે હોસ્પિટલમાંથી ઝડપાયો છે.
ફરિયાદી હરેશભાઈ રણછોડભાઈ પટેલ (ઉ.વ. 66) પાસેથી તારીખ 1 મે 2025થી 29 ઓક્ટોબર 2025 દરમ્યાન જુદા જુદા સ્થળે બોલાવી નવ આરોપીઓએ મળીને રકમ પડાવી હતી. આ અંગે 6 ફેબ્રુઆરી 2026ના રોજ શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. તપાસ ઇન્ચાર્જ પી.આઈ. ડી.આર. ભાદરકા કરી રહ્યા છે.
પ્રારંભિક કાર્યવાહી હેઠળ શિનોરના અનવર ટેલર અને સલીમ ઉર્ફે બતક પઠાણની ધરપકડ કરી નામદાર અદાલતે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તેઓ પાસેથી ₹4,18,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
તપાસમાં સામે આવ્યું કે તમામ નાણાંની હેરફેર કરનાર મુખ્ય વચેટિયો આશિક સિકંદર પઠાણ ફરાર થઈ ગયો હતો. દરમિયાન તેણે દવા પી લીધી હોવાના અહેવાલ વચ્ચે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો, જ્યાંથી પોલીસએ તેને કસ્ટડીમાં લીધો છે. મુખ્ય આરોપીની ધરપકડ બાદ બાકીના છ આરોપીઓ સુધી પણ પોલીસ પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
પોલીસ સૂત્રો મુજબ માલસરથી માંડવા વચ્ચે રોડ પાસે આવેલા એક ખેતરના મકાનમાં બોલાવી ફરિયાદી પર દબાણ બનાવવામાં આવતું હતું. તે મકાનના માલિક ‘મહારાજ’ પણ શંકાના ઘેરામાં હોવાનું જાણવા મળે છે. આશિક પઠાણે પડાવેલી રકમથી ફ્લેટ, બે નાના પ્લોટ તથા અંદાજે ₹10થી 12 લાખનું સોનું ખરીદ્યું હોવાની ચર્ચા છે. ઉપરાંત કેટલાક લોકોને ઉછીના પણ આપ્યા હોવાની માહિતી સામે આવી છે. ઇન્ચાર્જ પી.આઈ. ડી.આર. ભાદરકા દ્વારા સુચિત કરવામાં આવ્યું છે કે સમગ્ર રકમની રિકવરી માટે સઘન તપાસ ચાલી રહી છે. ત્રણે આરોપીઓ ઝડપાતા સમગ્ર શિનોર તાલુકામાં ઘટનાએ ભારે ચકચાર મચાવી છે.



