જુઓ ગુજરાતીઓને મળવા જઇ રહ્યું છે ફરવા માટેનું નવું સરનામું

જુઓ ગુજરાતીઓને મળવા જઇ રહ્યું છે ફરવા માટેનું નવું સરનામું
ધનતેરસથી શરૂ થઈ જશે સિંહોની નવી સફારી
ગુજરાતમાં બરડા જંગલ સફારીનો ૨૯ ઓક્ટોબરે પ્રવાસન મંત્રી મુળુ બેરા કરાવશે શુભારંભ
ગુજરાતમાં પ્રવાસીઓ માટે એક નવીન નજરાણું ઉમેરવા જઈ રહ્યું છે. આગામી ધનતેરસના દિવસે તા.૨૯ ઓકટોબરના રોજ મંગળવારે દેવભૂમિ દ્વારકાના કપુરડી ચેક પોસ્ટ ખાતે એશિયાઈ સિંહોનું બીજું નવું રહેઠાણ એટલે કે ‘બરડા વન્યજીવ અભયારણ્ય’ અને બરડા જંગલ સફારી’ ફેઝ-૧નો વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવશે.
ગુજરાત વાઈલ્ડલાઈફ પી.સી.સી.એફ એન. શ્રીવાસ્તવે નવીન બરડા વન્યજીવ અભયારણ્ય વિશે વિગતો આપતાં કહ્યું હતું કે, એશિયાઈ સિંહો વિશ્વમાં ખૂબ પ્રખ્યાત અને માત્ર ગુજરાતના જૂનાગઢ ફોરેસ્ટ રેન્જમાં જાવા મળતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન થઇ રહ્યું છે. જેના પરિણામે હવે બરડાની ટેકરીઓમાં પણ નાગરિકો- પ્રવાસીઓને ગુજરાતનું ગૌરવ સમાન ‘એશિયાઈ સિંહ’ નિહાળવા મળશે. હાલ ગુજરાતમાં અંદાજે ૬૭૪ એશિયાઈ સિંહો જાવા મળે છે અને હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બરડા વન્યજીવ અભયારણ્ય પણ સુરક્ષિત અને કુદરતી વસાહત તરીકે સ્થાપિત થશે તેમ, શ્રીવાસ્તવે ઉમેર્યું હતું.
આ અભયારણ્યમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ, વન્યજીવ તેમજ રંગબેરંગી સ્થાનિક અને યાયાવર પક્ષીઓને વિચરણ માટે જૂનું અને જાણીતું સ્થળ છે અને એની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે. બરડા વન્યજીવ અભયારણ્યનું વૈવિધ્યસભર નિવસન તંત્ર ૩૬૮ વનસ્પતિ પ્રજાતિઓને આશ્રય આપે છે, જેમાં ૫૯ વૃક્ષો, ૮૩ છોડ, ર૦૦ ક્ષુપ અને ૨૬ વેલાઓની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. જ્યારે વનસ્પતિની ૩૬૮ પ્રજાતિઓમાં, ક્ષુપનું પ્રમાણ સૌથી વધુ ૫૪ ટકા છે. ત્યારબાદ ૨૩ ટકા છોડ, વૃક્ષો ૧૬ ટકા અને વેલાઓ ૦૯ ટકાનો સમાવેશ થાય છે. વનસ્પતિઓમાં રાયણ બરડાની સૌથી મહત્વપૂર્ણ પ્રજાતિઓમાંની એક છે.
લગભગ ૧૪ દાયકા પછી આ જંગલના વિસ્તાર ફરી એક વખત એશિયાઇ સિંહોની હાજરીનું ગૌરવ અનુભવી રહ્યું છે. ઉપરાંત આ અભયારણ્યમાં કુલ ૨૨ સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ માટેનું નિવાસસ્થાન છે,જેમાં સિંહ સિવાય દીપડા,જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણીયર, શિયાળ, લોંકડી અને સસલા સામેલ છે. આ ઉપરાંત અભયારણ્ય હરણ, સાબર, ચિત્તલ,નીલગાય અને જંગલી ભૂંડ જેવા પ્રાણીઓનું પણ વસવાટ કરે છે. બરડા જંગલ સફારીમાં ભાણવડ -રાણાવાવ તેમજ બરડા વન્યપ્રાણી અભયારણ્યના સૌથી મનોહર વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સફારી દ્વારા પ્રવાસીઓ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ જૈવવિવિધતાનો રોમાંચક અનુભવ કરશે. આ સફારી ટ્રેઇલ જાજરમાન કીલગંગા નદીના સાનિધ્યમાંથી પસાર થઈ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ વનસ્પતિસૃષ્ટિ તેમજ વિશિષ્ટ પ્રાણીસૃષ્ટિત નિહાળવાની અનોખી તક આપે છે.