અંડર-19 એશિયા કપ : 13 વર્ષીય વૈભવ સૂર્યવંશી સામે શ્રીલંકન બોલરો ઘૂંટણીએ પડ્યા
અંડર-19 એશિયા કપ : 13 વર્ષીય વૈભવ સૂર્યવંશી સામે શ્રીલંકન બોલરો ઘૂંટણીએ પડ્યા
શ્રીલંકાને હરાવી ભારત ફાઈનલમાં,
10 દિવસ પહેલા 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ IPL 2025ની મેગા ઓક્શનમાં કરોડપતિ બનીને બધાને દિવાના બનાવી દીધા છે. અંડર-19 એશિયા કપની સેમિફાઇનલ મેચમાં ભારતનો સામનો શ્રીલંકા સામે હતો અને વૈભવે પોતાની બેટિંગથી આ ટીમને તબાહ કરી દીધી છે. શારજાહના મેદાન પર વૈભવની સામે બોલરો દયાની ભીખ માંગતા જોવા મળ્યા હતા. છેલ્લી મેચમાં તેણે યુએઈના બોલરોને હંફાવ્યા બાદ હવે સેમીફાઈનલમાં તેણે પોતાની બેટિંગથી શ્રીલંકાની ટીમના ધજાગરા ઉડાવી દીધા છે.
શ્રીલંકાની ટીમ ગ્રુપ-2માં ટોપ પર રહીને સેમિફાઇનલમાં પહોંચી હતી. 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટની શરૂઆતમાં ફ્લોપ રહ્યો હતો. પરંતુ છેલ્લી મેચમાં તેણે જોરદાર પુનરાગમન કર્યું અને અણનમ 76 રન ફટકારી ટીમને સેમીફાઈનલમાં પહોંચાડી. વૈભવે શ્રીલંકા સામે ધમાકેદાર બેટિંગ કરીને ધૂમ મચાવી હતી. આ ખેલાડીએ 36 બોલમાં 67 રનની ઇનિંગ રમી હતી, જેમાં સૂર્યવંશીએ 5 સિક્સર અને 6 ફોરના આધારે 54 રન બનાવ્યા હતા. બીજી તરફ તેને મ્હાત્રેનો સાથ મળ્યો જેણે 34 રનની ઇનિંગ રમી.શ્રીલંકાને 7 વિકેટે હરાવીને અંડર-19 ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચ 8મી ડિસેમ્બરે રમાશે. બીજી તરફ બાંગ્લાદેશ સામે પાકિસ્તાનની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. બાંગ્લાદેશની ટીમે સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને ફાઇનલમાં જોરદાર એન્ટ્રી કરી લીધી છે. ભારત અને બાંગ્લાદેશ 8 ડિસેમ્બરે ટાઈટલ જંગમાં સામસામે ટકરાશે.