ગભેણી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ૩૬ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ

ગભેણી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ૩૬ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ
દેશના દરેક જિલ્લામાં ૭૫ તળાવોના નિર્માણથી જળસંચય અને વોટર હાર્વેસ્ટિંગને વેગ મળ્યોઃ
સરકારે ‘ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં” એ ભાવનાને જળસંચય પ્રવૃત્તિથી સાર્થક કરી છે :- કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ
કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ હસ્તે ગભેણી સ્થતિ આશાપુરા માતાજી મંદિર પાસે સચિન ઇન્ફ્રા પ્રા.લિ.સુરત દ્વારા નવનિર્મિત ૩૬ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કરાયું હતું
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૧માં “કેચ ધ રેઇન” અભિયાનનો પ્રારંભ કર્યો હતો, જેનુ મુખ્ય લક્ષ્ય દેશભરમાં વરસાદી પાણીના સંરક્ષણ અને જળસંચયને પ્રોત્સાહન આપવાનું હતું. વડાપ્રધાનશ્રી “જળસંચય જનસહભાગીદારીથી જનઆંદોલનમાં પરિવર્તિત થવો જોઈએ.” એ ભાવના સાથે દરેક નાગરિકેપોતાની કર્મભૂમિ,માતૃભૂમિને જળસંચયના કાર્યોથી સમૃદ્ધ બનાવે એના આગ્રહી રહ્યા છે.
વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, પૂર્વ વડાપ્રધાન સ્વ.લાલબહાદુર શાસ્ત્રીજીએ દેશ યુદ્ધની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે દેશવાસીઓને એક ટાઈમ ભોજનનો ત્યાગ કરવા આહ્વાન કર્યું હતું, જેને સમગ્ર દેશે સહજ રીતે સ્વીકાર્યું હતું. હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોનાની કપરી પરિસ્થિતિમાં ‘મારા દેશનો એક પણ નાગરિક ભૂખ્યો સુવો ન જોઈએ.’ એવી ભાવના સાથે ગરીબ કલ્યાણ અન્ન સુરક્ષા યોજના અમલી બનાવી અને એ સુનિશ્ચિત કર્યું કે કોઈ નાગરિક ભૂખના દુ:ખથી ન પીડાય.
જળસંચય ક્ષેત્રે વડાપ્રધાનશ્રીના યોગદાન વિશે મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સરોવર યોજના સાથે રિવર લિંકિંગની કલ્પનાને સાકાર કરવાનો પ્રયાસ કર્યો. અટલજીના સહયોગથી નર્મદાના પાણીને સાબરમતી નદી સાથે જોડીને તેનાથી સૌરાષ્ટ્ર સુધી પાણી પહોંચાડવામાં આવ્યું. તેમણે ઉમેર્યું કે, દેશના દરેક જિલ્લામાં ૭૫ તળાવોના નિર્માણથી જળસંચય અને વોટર હાર્વેસ્ટિંગને વેગ મળ્યો છે. સરકારે ‘ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં” એ ભાવનાને જળસંચય પ્રવૃત્તિથી સાર્થક કરી છે
આ પ્રસંગે ધારાસભ્ય સંદિપભાઇ દેસાઈ, મેયર દક્ષેશભાઇ માવાણી, ડે.મેયર ડૉ. નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલ, સચિન ઇન્ફ્રા પ્રા.લિ.-સુરતના પ્રતિનિધિઓ, મનપાના લાઈટ એન્ડ ફાયર વિભાગના અધ્યક્ષ ચિરાગસિંહ સોલંકી, કોર્પોરેટરો હસમુખભાઈ નાયકા, પિયુષાબેન પટેલ, રિનાદેવી રાજપૂત, સંગઠન પ્રમુખ પરેશ પટેલ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.