ક્રાઇમ

આરોપીઓને પકડવા વરાછા પોલીસ વેશપલટો કરી માલધારી બની: દૂધ વેચ્યું, ગાયો ચરાવી

આરોપીઓને પકડવા વરાછા પોલીસ વેશપલટો કરી માલધારી બની: દૂધ વેચ્યું, ગાયો ચરાવી

માલધારીનાં વેશમાં આરોપીઓને દબોચ્યા: રાજસ્થાનની ધરતી પર વરાછા પોલીસનું ગુપ્ત મિશન

ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી બે આરોપીઓને રાજસ્થાનથી દબોચતી વરાછા પોલીસ

વરાછામાં આંગડીયા ચોરીના બે આરોપીઓને રૂ.૧૫.૫૬ લાખના હીરાના મુદ્દામાલ સાથે રાજસ્થાનના ઝાલોર અને જોધપુરથી પકડ્યા

રાજસ્થાનની ધરતી પર વરાછા પોલીસે માલધારીના વેશમાં ગુપ્ત મિશન હાથ ધરી આંગડીયા ચોરીના બે આરોપીઓને રૂ.૧૫.૫૬ લાખના હીરાના મુદ્દામાલ સાથે પકડ્યા હતા. સુરત પોલીસે ગુનો કરી ફરાર થયેલા આરોપીઓને દબોચવા માલધારીનો વેશ ધારણ કરી ૧૭ દિવસ સુધી દૂધ વેચ્યું, ગાયો ચરાવીને આખરે ગુનેગારોને આબાદ પકડવામાં સફળ થયા.
કેસની વિગત મુજબ વરાછા વિસ્તારમાં ગત તા.૧૭/૦૬/૨૦૨૫ના રોજ એક આંગડીયા પેઢીના કર્મચારીની નજર ચૂકવી બસમાંથી અંદાજે રૂ.૧૫ લાખના હીરા અને સોનાના દાગીનાની ચોરી કરી હતી. ફરિયાદ અને CCTV ફૂટેજ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે જાણવા મળ્યું કે આરોપીઓ રાજસ્થાન રાજ્યના રહેવાસી છે અને ગુનો આચર્યા બાદ તરત જ રાજસ્થાન ફરાર થઈ ગયા છે.
વરાછા પોલીસની ખાસ ટીમે ઘટનાને ગંભીરતા જાણી તરત જ ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન ઈન્ટેલિજન્સ અને સ્થાનિક માહિતીના આધારે રાજસ્થાનમાં શોધખોળ કરવા ગામડાંના તટસ્થ વાતાવરણમાં સાવધાનીથી ભળવા માટે એક અનોખી રણનીતિ અપનાવી. ટીમે માલધારીનો દેશી વેશ ધારણ કરીને ગામમાં દૂધવાળા બની ફર્યા. દૂધ વેચવા અને ગાયો ચરાવવા નીકળતા હતા. શરૂઆતમાં આશ્ચર્ય અને શંકા સાથે જોવામાં આવેલી આ ‘દૂધ વેચનારી’ ટીમે સ્થાનિકો સાથે પશુપાલનની ચર્ચા કરી સ્થાનિક માહોલમાં ભળવાનું શરૂ કર્યું. ૧૭ દિવસ સુધી ટીમ રાજસ્થાનમાં રોકાઈ ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ સાથે અનુકુલન સાધ્યું. સ્થાનિક લોકો સાથે મૈત્રી કેળવી, હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રાજસ્થાનના જોધપુર અને ઝાલોર જિલ્લાઓમાં દિવસ-રાત તહેનાત રહ્યા.
પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌત, ખાસ પોલીસ કમિશનરશ્રી (સેકટર-૧) વાબાંગ જામીર, નાયબ પોલીસ કમિશનરશ્રી (ઝોન-૧) આલોક કુમાર તથા મદદનીશ પોલીસ કમિશનરશ્રી (‘બી’ ડિવીઝન) પી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સુરત શહેર વિસ્તારમાં ઘરફોડ ચોરી, ચેન-મોબાઈલ સ્નેચીંગ તથા વાહન
ચોરી તેમજ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા અને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા વિવિધ વિસ્તારોમાં તપાસ, પેટ્રોલિંગ અને ટેકનોલોજીની મદદ, બાતમીના આધારે ગુનાઓના ઉકેલમાં ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે આંગડીયા ચોરીના આરોપીઓને પકડી પાડવા વરાછા પો. સ્ટે.ના પોલીસ ઈન્સપેક્ટર આર.બી.ગોજીયા તેમજ સેકન્ડ પોલીસ ઇન્સપેક્ટર એચ.બી.પટેલની સૂચના અન્વયે સર્વેલન્સ PSI એ.જી.પરમાર તથા PSI વી.ડી.માળી ના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ શ્રી વિજયસિંહ દેહાભાઈ, લાલાભાઇ ભોપાભાઇ તથા અ.પો.કો. સંદિપભાઇ ગેમાભાઇ સહિતની એક ટીમ બનાવીને આરોપીઓને દબોચવા સમગ્ર ટીમે રાજસ્થાનમાં ધામા નાખ્યા હતા.
આ ચાતુર્યભરેલા અભિયાનમાં પોલીસે બે આરોપીઓ બલવંત ઉર્ફે બલ્લુ (ઝાલોરથી) અને ભવાનીસિંહ ઉર્ફે ભામાશા (જોધપુરથી) બન્નેને દબોચી લીધા છે. આ બંને આરોપીઓ રાજસ્થાનમાં પણ લૂંટ અને ચોરીના અનેક ગુનાઓમાં વોન્ટેડ હતા. વરાછા પોલીસની આ કામગીરીના પરિણામે માત્ર આરોપીઓ જ નહીં, પણ ચોરી થયેલ મુદ્દામાલ અંદાજે રૂ.૧૫ લાખના હીરા અને દાગીના કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમ, વરાછા પોલીસ અદમ્ય ધીરજ, વેશપલટો કરી ગ્રામ્ય માહોલમાં ભળી જઈ રાજસ્થાનમાં આ ગુપ્ત મિશનને પાર પાડી ચોરોને દબોચવામાં સફળ રહી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button