ગુજરાત

કુંવરબાઈનું મામેરું યોજના: નાણાકીય સહાય જ નહીં, પણ સમાજમાં દીકરીઓની પ્રતિષ્ઠા વધારવા માટે રાજ્ય સરકારનો ઉમદા પ્રયત્ન

કુંવરબાઈનું મામેરું યોજના: નાણાકીય સહાય જ નહીં, પણ સમાજમાં દીકરીઓની પ્રતિષ્ઠા વધારવા માટે રાજ્ય સરકારનો ઉમદા પ્રયત્ન

સુરત જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત ૯૦ દીકરીઓને કુલ ૧૦.૮૦ લાખની સહાય ચૂકવાઈ

નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈના વિવાહ સમયે તેમનુ મામેરૂં કરવા માટે ખુદ ભગવાન શ્રીકૃષ્ણ શેઠ સગાળશા બનીને આવ્યા હતા એ કથા જાણીતી છે, ત્યારે ગરીબ મા-બાપની દીકરીઓને ‘કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના’ હેઠળ રાજ્ય સરકાર જરૂરિયાતમંદ પરીવારોને મદદરૂપ થઈ સાચા અર્થમાં સામાજિક ફરજ અદા કરે છે. લાભાર્થી પરિવારોમાં દિકરીઓના લગ્ન થાય ત્યારે રાજ્ય સરકાર કુંવરબાઈનું મામેરૂં યોજના હેઠળ ૧૨ હજારની આર્થિક સહાય કરીને પરિવારની પડખે ઉભી રહે છે. કુંવરબાઈનું મામેરું યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદ સમાન છે. આ યોજના માત્ર નાણાકીય સહાય પૂરી પાડવા પૂરતી નથી, પણ સમાજમાં દીકરીઓની પ્રતિષ્ઠા વધારવાનો ઉમદા પ્રયત્ન છે.

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલી આ યોજનામાં લગ્ન અથવા નિકાહ સમયે લાભાર્થી પરિવારોને વિધિવત સહાય આપવામાં આવે છે, જેનાથી દીકરીના લગ્નમાં થતો આર્થિક ભાર ઓછો થાય છે.   મહિલા સશક્તિકરણ અને દીકરીઓના સમાન હક માટે રાજ્ય સરકારે અમલમાં મૂકેલી કલ્યાણકારી ‘કુંવરબાઈનું મામેરું’ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિની દીકરીઓને લાભાન્વિત કરવામાં આવી છે. સુરત જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રૂ.૧૨ હજાર લેખે ૯૦ દીકરીઓને કુલ ૧૦.૮૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આજ સુધી ૬૨ દીકરીઓને ૭.૪૪ લાખની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.  ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આ યોજના એવા પરિવારો માટે આશીર્વાદરૂપ અને ઉપકારક બની છે, જેમના માટે લગ્ન જેવા પ્રસંગોનું આયોજન આર્થિક દૃષ્ટિએ સંઘર્ષજનક બની રહેતું હોય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button