દિવાળીના પવિત્ર દિવસે વધુ એક અંગદાન

દિવાળીના પવિત્ર દિવસે વધુ એક અંગદાન
ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા નવસારી ની INS PLUS મલ્ટી સુપર સ્પેશીયાલીટી હોસ્પીટલ થી કરાવવામાં આવ્યું
ઢોડીયાવાડ,ચીખલી,દેગામ,નવસારી ખાતે પોતાના પરિવાર સાથે રહેતા ખેડૂત સુરેશભાઈને તા. ૧૭ ઓક્ટોબરના રોજ ઉલ્ટી અને ચક્કર આવતા પરિવારજનો તેમને રાનકુવા ખાતે આવેલ સેવા હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. ડોક્ટરે તેમને અન્ય હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવાનું માર્ગદર્શન આપતા,તેમને ચીખલીમાં આવેલ સ્પંદન હોસ્પીટલમાં દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે MRI કરાવતા બ્રેઈન સ્ટ્રોકને કારણે મગજને લોહી પહોચાડતી નસમાં બ્લોકેજ હોવાનું નિદાન થયું હતું. તેથી વધુ સારવાર માટે તેમને નવસારીમાં આવેલ INS PLUS મલ્ટી સુપર સ્પેશીયાલીટી હોસ્પીટલમાં ન્યુરો ફીઝીશિયન ડૉ. મનોજ સત્યવાની ની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા.નિદાન માટે CT સ્કેન કરાવતા નાના મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો અને સોજો હોવાનું નિદાન થયું હતું
તા. ૧૯ ઓક્ટોબરના રોજ ન્યુરો ઈન્ટનેટસીવીસ્ટ ડૉ. યશ પટેલ, ફીઝીશિયન ડૉ. વિવેક શાહ, ન્યૂરોફીઝીશિયન ડૉ. અનિરુધ આપ્ટે અને ડૉ. અમિત મિસ્ત્રી એ સુરેશભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા.
INS PLUS મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પીટલના ડાયરેક્ટર રાજ દેસાઈએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી સુરેશભાઈના બ્રેઈનડેડ અંગેની તેમજ પરિવારજનોની તેમના અંગદાન કરાવવાની ઈચ્છા છે તેમ જણાવ્યું.
ડોનેટ લાઈફની ટીમે INS PLUS મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પીટલ પહોંચી સુરેશભાઈના પુત્ર હિતેનભાઈ,ભત્રીજા ગણેશભાઈ, પૌત્ર સુનીલ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યું.
સુરેશભાઈના પુત્ર હિતેને જણાવ્યું કે મારા પિતાશ્રી ધાર્મિકવૃતિના હતા. તેઓ હંમેશા કહેતા હતા કે દરેક વ્યક્તિ એ બીજા ને મદદરૂપ થવું જોઈએ. તેઓ બ્રેઈન ડેડ છે, શરીર રાખ જ થઈ જવાનું છે, ત્યારે તેમના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. સુરેશભાઈના પરિવારમાં પત્ની લીલા બેન ઉ.વ ૫૫,પુત્ર હિતેન ઉ.વ ૩૮ કોરી-કાર્ટિંગનો વ્યવસાય સાથે સંકળાયેલ છે, પુત્રવધુ વૈશાલી ઉ.વ ૩૪, પૌત્ર નક્ષ ઉ.વ ૯, પૌત્રી વિહા ઉ.વ ૪ અને પરણિત પુત્રી તરુણા જીતેશભાઇ પટેલ ઉ.વ ૪૦ છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લિવર સુરતની SIDS હોસ્પિટલને ફાળવવામાં આવ્યું. જયારે બંને કિડની અમદાવાદની કે.ડી હોસ્પિટલ હોસ્પિટલને ફાળવવામાં આવી.
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ગાંધીનગરના રહેવાસી ૫૮ વર્ષીય વ્યક્તિમાં સુરત ની SIDS હોસ્પીટલમાં ડૉ. જીગર જરીવાલા, ડૉ. ગૌરવ ગુપ્તા, ડૉ. રાજીવ મહેતા, ડૉ. મયંક કાબરાવાલા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની કે.ડી હોસ્પીટલમાં બે જરૂરિયાતમંદ દર્દીમાં કરવામાં આવશે. ચક્ષુઓનું દાન નવસારી ની રોટરી આઈ ઈન્સ્ટીટ્યુટે સ્વીકાર્યું.
લિવર સમયસર રોડ માર્ગે સુરત પહોંચાડવા માટે નવસારીની INS PLUS મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પીટલ થી સુરત SIDS હોસ્પિટલ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર નવસારી શહેર અને સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. કિડની સમયસર રોડ માર્ગે અમદાવાદ કે.ડી હોસ્પિટલ પહોંચાડવા માટેનો ગ્રીન કોરીડોર નવસારી શહેર પોલીસ અને રાજ્યના વિવિધ શહેર તેમજ ગ્રામ્ય પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. હૃદય, ફેફસા, હાથ, નાનું આતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી ૧૩૭ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી ૨૦૦૬માં ગુજરાતનં સૌ પ્રથમ લિવરનું ડોનેશન સુરતની સ્મીમેર હોસ્પિટલ થી કરાવવામાં આવ્યું હતું જેમાં શહેરના જાણીતા ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. રાજીવ મહેતાનો સહકાર સાંપડ્યો હતો. આજે એ ઘટના ને ૨૦ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. આજે ડૉ. રાજીવ મહેતા અને તેમના સાથી ડોકટરોની SIDS હોસ્પિટલમાં સૌ પ્રથમ વખત લિવર નુ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. સુરત માં કિરણ અને મહાવીર હોસ્પીટલ પછી લિવર ટ્રાન્સપ્લાન્ટની સુવિધા SIDS હોસ્પીટલમાં શરુ થઇ છે.
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં સુરેશભાઈના પુત્ર હિતેનભાઈ, ભત્રીજા ગણેશભાઈ, પૌત્ર સુનીલ, યશવંતભાઈ ધાનાણી તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરો ઈન્ટનેટસીવીસ્ટ ડૉ. યશ પટેલ, ફીઝીશિયન ડૉ. વિવેક શાહ ન્યૂરોફીઝીશિયન ડૉ અનિરુધ આપ્ટે, ડૉ અમિત મિસ્ત્રી, INS PLUS મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પીટલના ડાયરેક્ટર રાજ દેસાઈ, CMO ડૉ. રશ્મી પટેલ, RMO ડૉ. નિલેશ કાતરીયા, RMO ડૉ. ઈરફાન પટેલ, RMO ડૉ. માનસી ચૌહાણ, PRO મનન દેસાઇ તેમજ INS PLUS મલ્ટી સુપર સ્પેશીયાલીટી હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ,ડૉનેટ લાઈફ ના પ્રોગ્રામિંગ ઓફિસર નિહીર પ્રજાપતિ, વિશાલ ચૌહાણ, ભરત ત્રિવેદી અને નયન ભરવાડ નો સહકાર સાંપડ્યો હતો.
ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૩૫૨ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં ૫૪૯ કિડની, ૨૩૮ લિવર, ૫૭ હૃદય, ૫૨ ફેફસાં, ૯ પેન્ક્રીઆસ, ૮ હાથ, ૧ નાનું આતરડું અને ૪૩૮ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૨૪૭ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.



