ગુજરાત

લાભ પાંચમના દિવસે પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે ચોપડા પૂજન કરાયું

લાભ પાંચમના દિવસે પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે ચોપડા પૂજન કરાયું

આધુનિક યુગમાં દૈનિક કાર્યના અભિન્ન અંગ સમાન કોમ્પ્યુટર, લેપટોપ, કેમેરા જેવી સાધન સામગ્રીનું પૂજન

નવા વર્ષે નવી ઊર્જા સાથે પ્રસાર- પ્રચાર કાર્યનો શુભારંભ

પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર લાભ પાંચમનો દિવસ વ્યવસાયની શુભ શરૂઆત, નવા કાર્ય, નવા સંબંધો અને નવા આયોજનો માટે અત્યંત શુભ માનવામાં આવે છે, જે જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે છે. ગુજરાતમાં દિવાળીના તહેવારો લાભ પંચમીના દિવસે પૂર્ણ થાય છે અને લોકો પોતાના વ્યવસાય, કાર્યની શુભ શરૂઆત લાભ પાંચમના દિવસે કરે છે. એટલે જ લાભ પાંચમ ગુજરાતી નવા વર્ષનો પ્રથમ કાર્યકારી દિવસ માનવામાં આવે છે.

વિક્રમ સંવત ૨૦૮૨ ના નવા વર્ષના કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ ‘લાભ પાંચમ’ના શુભ મુહૂર્તે પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે ચોપડા પૂજનની પરંપરાને અનુસરી કોમ્પ્યુટર, લેપટોપ, કેમેરા, રજિસ્ટરો, સાહિત્ય સહિત સાધન-સામગ્રીનું પૂજન કરાયું હતું અને પ્રસાર પ્રચારના કાર્યનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. આધુનિક યુગ કોમ્પ્યુટર અને ટેકનોલોજીનો યુગ છે. આ ડિજિટલ યુગમાં હવે મહત્તમ કાર્યો કોમ્પ્યુટરની મદદથી કરવામાં આવતા હોય છે, ત્યારે માહિતી કચેરીના કોમ્પ્યુટરની પૂજા-અર્ચના કરી કાર્યને સુગમ, સરળ બનાવતા ટેક્નોલોજીના સાધનો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સમગ્ર શહેરીજનોનું જીવન સુખમય અને નિરોગી રહે તેવી પ્રભુને પ્રાર્થના કરી ચોપડા પૂજન સાથે નવા વર્ષની શુભ શરૂઆત કરાઈ હતી. પૂજન બાદ સૌ અધિકારી-કર્મચારીઓ સાથે મળીને નવા કાર્ય વર્ષમાં વધુ પ્રભાવશાળી માહિતીના આદાનપ્રદાન, પ્રસારપ્રચાર કાર્ય માટે સંકલ્પબદ્ધ થયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button