ફેક પોલીસ બની ₹7 લાખની લૂંટ — શિનોર પોલીસમાં ગુનો નોંધાયો

ફેક પોલીસ બની ₹7 લાખની લૂંટ — શિનોર પોલીસમાં ગુનો નોંધાયો
✍️ હસમુખ પટેલ, સાધલી
વડોદરાના 68 વર્ષીય નિવૃત્ત એસબીઆઈ કર્મચારી કમલેશ પ્રદ્યુમન દવે સાથે ફેસબુક પર મિત્રતા કરીને ગૂંડાઓએ ગુનાહિત કાવતરો રચ્યો હતો. મહિલા આરોપી ‘પિન્કી પટેલ’ના નામેથી આવેલા ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ બંને વચ્ચે મેસેન્જર અને વોટ્સએપ પર નિયમિત વાતચીત શરૂ થઈ. વિશ્વાસ જીત્યા બાદ પિન્કી પટેલે રૂબરૂ મળવા બોલાવી 2 ડિસેમ્બરનાં રોજ કમલેશ દવેને દુમાડ ચોકડી પર મળીને માલસર નર્મદા કિનારે લઈ ગઈ હતી.
વડોદરા પરત ફરી રહ્યા હતા ત્યારે શિનોર–સાધલી રોડ પર એક સફેદ કાર આવી ઊભી રહી. કારમાંથી ઉતરેલા ચાર ઈશમોએ પોતાને હિંમતનગર પોલીસ હોવાનું ઓળખાવી આરોપ લગાવ્યો કે પિન્કી પટેલ પર ડ્રગના પાંચ કેસ ચાલી રહ્યા છે અને તમે તેની સાથે હોવાથી તમે પણ આરોપી છો.
આરોપીઓએ કમલેશ દવેથી મોબાઇલ છીનવી લઈ પકડી કારમાં બેસાડી અપહરણ કરી લીધા બાદ હિંમતનગર લઈ જવાની ધમકી આપી હતી. પછી “પતાવટ કરવી હોય તો ₹9 લાખ આપવાના રહેશે” તેમ કહી ધમકી આપી. પોતાની આબરૂ બચાવવા કમલેશ દવે દ્વારા ₹7,00,000 રોકડ ઉપાડી આરોપીઓને આપી દીધા, ત્યારબાદ તસ્કરો ગાડી લઈને ફરાર થઈ ગયા હતા.
પ્રારંભમાં કમલેશ દવેે પરિવારજનોને ખોટી વાત કહી કે અકસ્માતમાં કોઈ વ્યક્તિનાં મોત થયાં હોવાથી રૂપિયા ચૂકવવા પડ્યા. પરંતુ પાછળથી સાચી હકીકત જણાવી તેમણે 9 ડિસેમ્બર 2025ના રોજ શિનોર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી.
શિનોર પોલીસ સ્ટેશને પિન્કી પટેલ સહિત અન્ય ચાર ઈશમો સામે ફરિયાદ નોંધી છે. પી.એસ.આઈ એમ.એસ. જાડેજા તપાસ કરી રહ્યા છે અને એક આરોપી ઝડપાયો છે.
આ ઘટનાથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરવી જોખમી બની રહી છે. થોડા સમય પહેલા સેગવા અને સાધલી વિસ્તારમાં પણ નકલી પોલીસ તથા નકલી પત્રકાર દ્વારા ખંડણી વસૂલાતની બનાવો બહાર આવ્યા હતા.



