મોટા ફોફળિયામાં 124 વિદ્યાર્થીઓને અધ્યતન સાયકલ-હેલ્મેટનું વિતરણ, બાળકો આનંદવિભોર

મોટા ફોફળિયામાં 124 વિદ્યાર્થીઓને અધ્યતન સાયકલ-હેલ્મેટનું વિતરણ, બાળકો આનંદવિભોર
શિનોર તાલુકાના મોટા ફોફળિયા મુકામે આવેલ શ્રી એન.સી. પટેલ ભારતીય વિદ્યાલય ઉચ્ચતર-માધ્યમિક શાળામાં 124 વિદ્યાર્થી ભાઈ-બહેનોને અધ્યતન અને મજબૂત સાયકલો હેલ્મેટ સાથે વિતરણ કરવામાં આવી. કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ કંપનીના મેનેજર ચિરાયુભાઈ પટેલ (આનંદી)ના સહયોગથી અને ધારાસભ્ય અક્ષય પટેલની હાજરીમાં કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ તથા વડોદરા સુગરના ચેરમેન જીતેન્દ્ર સી. પટેલનું સાનિધ્ય રહ્યું. સરકારી સાયકલોની સરખામણીમાં વધુ મજબૂત અને અધ્યતન સાયકલો મળવાથી વિદ્યાર્થીઓનો સમય બચશે અને અભ્યાસ માટે વધુ સમય મળશે, જેના કારણે બાળકોની શૈક્ષણિક પ્રગતિમાં વધારો થશે.
કાર્યક્રમ દરમિયાન તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ, શિનોર જિલ્લા પંચાયત સદસ્યા પતિ વિકાસ પટેલ (બીથલી), શિક્ષણ સમિતિ ચેરમેન જીગ્નેશ વસાવા, કૃષ્ણકાંત શાહ, રોહિત પટેલ હેન્ડ્રી સેગવા, હોસ્પિટલ મેનેજર અશોક પટેલ સહિત શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, ગામ આગેવાનો અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા. શાળાની બાળાઓએ મહેમાનોનું કુમકુમ તિલક કરીને આત્મીય સ્વાગત કર્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો.



