મોટા ફોફળિયા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગેરકાયદે પાર્કિંગ અને દબાણોથી અકસ્માતનો ભય

મોટા ફોફળિયા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગેરકાયદે પાર્કિંગ અને દબાણોથી અકસ્માતનો ભય
તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
શિનોર તાલુકાના રાજ્ય માર્ગ પર આવેલ મોટા ફોફળિયા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભારદારી વાહનોનું ગેરકાયદે પાર્કિંગ અને અનેકવિધ દબાણોના કારણે અકસ્માતનો ભય ઊભો થયેલ છે.
શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામ પરથી પસાર થતા સેગવા ચોકડીથી માલસર–માધવ સેતુ પુલ મારફતે દક્ષિણ ગુજરાત તરફ જતાં ભારદારી વાહનો ગામના બસ સ્ટેન્ડ પાસે મોટી સંખ્યામાં ગેરકાયદે રીતે પાર્ક કરવામાં આવે છે. આ વિસ્તારમાં સી.એ.પટેલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા શાળા આવેલ હોવાથી વિદ્યાર્થીઓ, દર્દીઓ તેમજ તેમના સગાંઓની ભારે અવરજવર રહેતી હોય છે. તેમજ સાધલી – કુકસથી બીથલી, પોઇચા માર્ગનું ક્રોસિંગ તેમજ મોટા ફોફળિયા બસ સ્ટેન્ડથી દવાખાના અને શાળા તરફ જતા માર્ગ પર બંને બાજુ ગેરકાયદે લારી-ગલ્લા અને ખાણીપીણીના પથારા ઉભા હોવાથી રાજ્ય ધોરીમાર્ગની ડામરની સપાટી સુધી દબાણો સર્જાયા છે. સાથે જ ભારદારી વાહનોના રોકાણને કારણે દ્વિમાર્ગી માર્ગ માંડ માંડ એકમાર્ગી બની જાય છે. મોટા ફોફળિયા ગામના પ્રવેશ માર્ગ પરથી રાજ્ય ધોરીમાર્ગ પર આવતા વાહનો સ્પષ્ટ દેખાતા નથી, જેના કારણે અકસ્માત થવાની શક્યતા વધી છે. આ બાબતે ગામના જાગૃત નાગરિકોએ ગ્રામસભામાં રજૂઆત કરી છે, તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને પણ દબાણો દૂર કરવા લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ છે. તેમ છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામલોકો અને જાગૃત નાગરિકો દ્વારા સક્ષમ સત્તાધિકારીઓને તાત્કાલિક હસ્તક્ષેપ કરી ગેરકાયદે દબાણો દૂર કરવા, ભારદારી વાહનોના ગેરકાયદે પાર્કિંગ પર પ્રતિબંધ લાવવા અને માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં ભરવાની જોરદાર માંગ ઉઠી છે.



