દેશ
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યા સામે વલસાડમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન

બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યા સામે વલસાડમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા અત્યાચાર અને તાજેતરમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની કરાયેલ નિર્મમ હત્યાના વિરોધમાં આજે વલસાડમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આક્રોશસભર પ્રદર્શન યોજાયું. ટાવર આઝાદ ચોક ખાતે યોજાયેલ આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા અને બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી કરી.
બાંગ્લાદેશમાં દીપુ ચંદ્ર દાસ પર હુમલો માત્ર સોશિયલ મીડિયા પર હિન્દુઓના સમર્થનમાં કરેલી પોસ્ટના કારણે થયો હોવાનું જણાવાયું છે. ટોળાએ યુવકને જમીન પર ખેંચી લાવી નિર્લજ્જ રીતે માર માર્યો હતો અને પોલીસ હાજર હોવા છતાં તેને ઝાડ સાથે બાંધી જીવતા સળગાવી દેવામાં આવ્યો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર દેશમાં હિન્દુ સમાજમાં ભારે ઉગ્રતા જોવા મળી છે.
આ ઘટનાના પડઘા આજે વલસાડ સુધી પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓએ બાંગ્લાદેશનો ધ્વજ પગ તળે કચડી તેનો દહન કર્યો અને હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ કરવાની માંગણી સાથે નારા લગાવ્યા. આગેવાનોનું કહેવું છે કે બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યકો ઉપર થતા અત્યાચાર વર્ષોથી ચાલુ છે અને સરકાર દ્વારા અસરકારક કાર્યવાહી ન થવાથી હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે.
પ્રદર્શન દરમિયાન વલસાડ જિલ્લા VHPના મંત્રી રાકેશ રાણા ,જિલ્લા બજરંગ દળ સંયોજક સમીપભાઈ સુર્વે પ્રખંડ અધ્યક્ષ સોહનભાઈ રબારી, મંત્રી ગૌરવ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો પ્રમાણે માત્ર બાંગ્લાદેશ જ નહીં પરંતુ વિશ્વના કોઈપણ દેશમાં હિન્દુઓ સામે થતા અમાનવીય હુમલાઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે તે માટે હિન્દુ સમાજ એકત્ર અને સજાગ રહેશે.



