શિનોર તાલુકાના દિવેર ગામના સુરેશ પટેલે અમેરિકામાં ગુજરાતનું ગૌરવ વધાર્યું

શિનોર તાલુકાના દિવેર ગામના સુરેશ પટેલે અમેરિકામાં ગુજરાતનું ગૌરવ વધાર્યું
ફીસાના સિલ્વર જ્યુબીલી ન્યુ જર્સીમાં ઉજવાઈ
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દિવેર ગામના વતની પટેલ સૂર્યકાંત ઉર્ફે સુરેશ પટેલના નેતૃત્વ હેઠળ ફેડરેશન ઓફ ઈન્ડો અમેરિકન સિનિયર એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (FISANA) નું 25મું સિલ્વર જ્યુબીલી સેલિબ્રેશન ન્યુ જર્સી (અમેરિકા) ખાતે ભવ્ય રીતે યોજાયું હતું.
ફીસાના નોર્થ અમેરિકામાં વસતા ભારતીય સિનિયરો માટેનું એક મોટું અંબ્રેલા ઓર્ગેનાઈઝેશન છે, જેમાં કુલ 18 એસોસિએશન અને 10,000થી વધુ સભ્યો જોડાયેલા છે. વર્ષ 2001માં સ્થાપિત થયેલી ફીસાના ને 25 વર્ષ પૂર્ણ થતા આ ઉજવણી રોયલ આલ્બર્ટ પેલેસ, ન્યુ જર્સી ખાતે આયોજિત કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ફીસાનાના 25 વર્ષના પૂર્વ ચેરમેન અને પૂર્વ પ્રેસિડન્ટોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય પરંપરા મુજબ સૌપ્રથમ પ્રાર્થના યોજાઈ, ત્યારબાદ ફીસાનાના પ્રમુખ સૂર્યકાંત ઉર્ફે સુરેશ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં 19 સિનિયર સંસ્થાના પ્રમુખો સહિત 500થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. એડિસન શહેરના મેયર સમીપ જોષી તેમજ વુડબ્રીજ શહેરના મેયર જ્હોન મેક ખાસ હાજર રહ્યા હતા. વુડબ્રીજના મેયર દ્વારા સુરેશ પટેલને વિશેષ પ્રોક્લેમેશન અર્પણ કરવામાં આવ્યું હતું.
ફીસાનાના સોવિનિયર માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ન્યૂયોર્ક સ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલ તેમજ આસપાસના શહેરોના મેયરો દ્વારા શુભેચ્છા સંદેશાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ન્યુ જર્સીને અમેરિકાનું “મિની ગુજરાત” તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે અહીં મોટી સંખ્યામાં ભારતીય એનઆરઆઈ વસે છે. દિવેર ગામના વતની સુરેશ પટેલે પોતાના કાર્ય દ્વારા અમેરિકામાં ગુજરાતનું ગૌરવ વધાર્યું હોવાનું સૌએ ગર્વપૂર્વક વ્યક્ત કર્યું હતું.



