ગુજરાત

ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) ઍવૉર્ડી ટીચર્સ ફેડરેશનના વાર્ષિક શૈક્ષણિક અધિવેશન અને સન્માન  

ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) ઍવૉર્ડી ટીચર્સ ફેડરેશનના વાર્ષિક શૈક્ષણિક અધિવેશન અને સન્માન  

 સમારોહ આનંદ નિકેતન સ્કૂલ – સુઘડ, ગાંધીનગર ખાતે યોજાયો

  શિક્ષણમંત્રી રિવાબાએ કહ્યું , “મારા ઘડતરમાં શિક્ષકોનું અમૂલ્ય પ્રદાન છે.”

રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષકોનું સંગઠન એટલે ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) ઍવૉર્ડી ટીચર્સ ફેડરેશન. તેના વાર્ષિક શૈક્ષણિક અધિવેશન અને સન્માન સમારોહનું આયોજન આનંદ નિકેતન સ્કૂલ – સુઘડ, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો શુભારંભ સુમધુર પ્રાર્થનાથી કરવામાં આવ્યો. આ અવસરે પધારેલા માનવંતા મહેમાનોનું શબ્દપુષ્પ દ્વારા અને સ્મૃતિભેટ અર્પણ કરીને ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. જાણીતા સાહિત્યકાર અને શિક્ષણવિદશ્રી રતિલાલ બોરીસાગર સાહેબે જણાવ્યું હતું કે, શિક્ષક હોવું એ ગૌરવની વાત છે. શિક્ષકોએ આત્મગૌરવ અને સ્વાભિમાન જગાવવાની જરૂર છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. ટી.એસ. જોશી સાહેબે રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંગે વાત કરી હતી. વિદ્યાર્થીઓને વિચારતો કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. આનંદ નિકેતન સ્કૂલના ટ્રસ્ટી શ્રી કમલ મંગલજીએ જીવન વિદ્યાનું મહત્ત્વ જણાવતાં કહ્યું હતું કે, આપણા પ્રશ્નોના સટિક ઉત્તર જીવન વિદ્યામાં પ્રાપ્ત થાય છે. ગુજરાત રાજ્ય ઍવૉર્ડી ટીચર્સ ફેડરેશનના મહામંત્રી શ્રી સંજયભાઈ પટેલે અધિવેશનમાં પધારેલા સૌ મહેમાનોનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. એસ. ટી. બસના પાસ બાબતના એવોર્ડી શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ અંગે શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબનું માર્ગદર્શન અને સહકાર મળ્યો તે બાબતે વિગતે વાત કરી હતી. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ શિક્ષણમંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું; તેના પ્રતિભાવમાં શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબે જણાવ્યું હતું કે, એવોર્ડી શિક્ષકો માટે તમામ બસમાં નિશૂલ્ક મુસાફરી પાસ બાબતે હું તો માત્ર નિમિત્ત બન્યો છું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા આપને સુવિધા આપવામાં આવી છે, તેના આપ સૌ હક્કદાર છો. અત્રે ઉલ્લેખનીય છે ગત ૫ સપ્ટેમ્બર,૨૦૨૫ શિક્ષક દિન નિમિત્તે રાજ્ય સરકારે રાજ્ય અને રાષ્ટ્ર્રીય એવોર્ડી શિક્ષકો માટે નિગમની તમામ બસોમાં (રાજ્ય અને રાજ્ય બહાર) આજીવન નિશૂલ્ક મુસાફરીની જાહેરાત કરી હતી અને તેનું અમલીકરણ પણ થઇ ગયેલ છે.

માનનીય શિક્ષણમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા અતિ વ્યસ્ત કાર્યક્રમમાંથી પોતાનો કીમતી સમય કાઢીને શિક્ષકોને પ્રોત્સાહિત કરવા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં, એમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. એમણે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, “રાષ્ટ્રનિર્માણના કાર્યમાં જોડાયેલા સૌ શિક્ષકો આદરને પાત્ર છે. તમે સૌએ રાજ્યના બે લાખ શિક્ષકોમાં વિશિષ્ટ કાર્ય કરીને તમારી શાળાને ગૌરવ અપાવ્યું છે અને આપનું પણ ગૌરવ વધાર્યું છે. આવા ગૌરવવંતા શિક્ષકોને બિરદાવવાના અવસરે મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે, તેનો મને વિશેષ આનંદ છે. ખરેખર, શિક્ષક (શિક્ષણકાર્ય) એ રાષ્ટ્રનિર્માણનું કાર્ય છે. સૈનિકો અહર્નિશ – રાતદિવસ સરહદે ખડેપગે રહેને દેશની સીમાઓનું રક્ષણ કરે છે, તેમ શિક્ષકો રાષ્ટ્રને અંદરથી મજબૂત કરવાનું કાર્ય કરે છે. ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) ઍવૉર્ડી ટીચર્સ ફેડરેશનની સ્થાપના આદરણીય માનસિંગભાઈ ચૌધરીએ કરી, તેઓ આજે આપણી વચ્ચે નથી, એમની દિવ્ય ચેતનાને હું વંદન પાઠવું છું.”

દર વર્ષે યોજાતા ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) ઍવૉર્ડી ટીચર્સ ફેડરેશનના વાર્ષિક શૈક્ષણિક અધિવેશન અને સન્માન સમારોહમાં નવો અભિગમ દાખવીને સાહિત્ય, કલા અને ટૅક્નૉલૉજી ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર ૨૭ શિક્ષકોને ‘સાહિત્યસાધના પારિતોષિક’, 3 શિક્ષકોને ‘કલાસાધના પારિતોષિક’ અને ૫ શિક્ષકોને ‘ડિજિટલ ગુરુ પારિતોષિક’ એનાયત કરવામાં આવ્યા તે બદલ આવો વિચાર કરનાર ફેડરેશનના પ્રમુખ અને મહામંત્રીશ્રીને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

માનનીય મંત્રીશ્રી અને ઉપસ્થિત માનવંતા મહેમાનોના વરદ હસ્તે વર્ષ : ૨૦૨૪ના રાજ્ય ઍવૉર્ડી અને ૨૦૨૪/૨૫ના રાષ્ટ્રીય ઍવૉર્ડી શિક્ષકો તેમજ સાહિત્ય, કલા અને ટૅક્નૉલૉજી ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર શિક્ષકોને પારિતોષિક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ -૨૦૨૪ ના એવોર્ડી શિક્ષકોને તમામ એસ.ટી બસમાં નિશૂલ્ક મુસાફરી માટેના પાસ પણ મંત્રીશ્રી રિવાબા જાડેજાના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમનું સંપૂર્ણ સૌજન્ય આપનાર આનંદ નિકેતન સ્કૂલના ટ્રસ્ટી શ્રી કમલ મંગલ અને શ્રી વિવેકભાઈ પટેલનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સંજયભાઈ પટેલ, શ્રી શૈલેશભાઈ પટેલ અને એમની પૂરી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ગાંધીનગરના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડૉ. ભગવાનભાઈએ પ્રજાપતિનું માર્ગદર્શન સાંપડ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button