દિવેર–સુરાસામળ માર્ગ પર ખુલ્લા મેટલોથી રસ્તો બંધ, ગ્રામજનો અને વાહનચાલકો પરેશાન

દિવેર–સુરાસામળ માર્ગ પર ખુલ્લા મેટલોથી રસ્તો બંધ, ગ્રામજનો અને વાહનચાલકો પરેશાન
શિનોર: રણાપુર–દિવેર થઈ સાધલી માર્ગ પર કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત પાથરાયેલા મેટલોના ઢગલાંથી વાહનચાલકો ત્રાસી ગયા હોવાના સમાચાર હજુ સુકાયા નથી, ત્યાં હવે દિવેરથી સુરાસામળ જતાં માર્ગ પર પણ 15 દિવસ પહેલાં નાખવામાં આવેલા ખુલ્લા મેટલોના કારણે ગ્રામજનો, વાહનચાલકો અને ખેડૂતો માટે રસ્તો સદંતર બંધ થઈ ગયો છે.
ઉતરાયણ પર્વ પૂર્વે કોન્ટ્રાક્ટર દ્વારા દિવેરથી સુરાસામળ જતાં માર્ગના રિસર્ફેસિંગ કામ માટે મેટલાં પાથરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ કામ આગળ ન વધતાં દિવેર બસ સ્ટેન્ડથી નવીનગરી થઈને સુરાસામળ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે અવરોધિત થયો છે. અનેક વાહનચાલકો જોખમ લઈ આ માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરતા પટકાઈ પડ્યાની ઘટનાઓ પણ સામે આવી છે.
આ રસ્તે આવેલા ખેતરોમાં ખેડૂતો વાહન લઈ જઈ શકતા નથી, જેના કારણે તેમને મજબૂરીવશ પગપાળા જવું પડે છે. સ્થાનિકોમાં વ્યંગ્યરૂપે કહેવામાં આવે છે કે જાણે અજાણે લોકોને વોકિંગ કરીને કસરત કરવાનો લાભ મળી રહ્યો છે.



