શિનોર તાલુકાના બરકાલ મુકામે આવેલા વ્યાસ બેટ ખાતે 1.76 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

શિનોર તાલુકાના બરકાલ મુકામે આવેલા વ્યાસ બેટ ખાતે 1.76 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

શિનોર તાલુકાના બરકાલ મુકામે નર્મદા મૈયાના તટ પર આવેલ વ્યાસ બેટને પ્રવાસન યાત્રાધામ તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. લાંબા સમય બાદ આજે તા. 22 જાન્યુઆરી 2026, પવિત્ર વિનાયકી ચતુર્થીના શુભ અવસરે, વ્યાસ બેટ ખાતે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા આયોજન અધિકારી મહાવીરસિંહ રાઉલજીની ઉપસ્થિતિમાં રૂપિયા 1.76 કરોડના અંદાજિત ખર્ચે હાથ ધરાનારા વિકાસ કામોમાં વ્યાસ બેટ સુધી આર.સી.સી. રોડ, પાર્કિંગ વ્યવસ્થા, પાણીની ટાંકી, સોલાર પેનલ, પેવર બ્લોક બિછાવટ તેમજ મંદિરના રીનોવેશન જેવા મહત્વપૂર્ણ કામોનો સમાવેશ થાય છે. ધાર્મિક વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મંદિરના પૂજારી હર્ષદભાઈ પુરોહિત દ્વારા વ્યાસ બેટને પ્રવાસન યાત્રાધામમાં સમાવેશ થયા બાદ વિકાસ કામો શરૂ કરવા માટે સતત રજૂઆતો કરવામાં આવી હતી, જેના આજે સકારાત્મક પરિણામ મળ્યા છે.
આ ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકાના સહકારી અગ્રણી વિકાસ પટેલ (બીથલી), યુવા કાર્યકર ઉદિત ગાંધી (શિનોર), ગામના સરપંચ ભાનુભાઈ વસાવા, વિનોદ પટેલ, હસમુખ પટેલ, પૂજારી હર્ષદભાઈ પુરોહિત તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વિકાસ કામો શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.



