રણાપુર–દિવેર–સાધલી માર્ગ પર વર્તમાનના સમાચાર બાદ રાતોરાત કામગીરી શરૂ

રણાપુર–દિવેર–સાધલી માર્ગ પર વર્તમાનના સમાચાર બાદ રાતોરાત કામગીરી શરૂ
રણાપુર–દિવેર–સાધલી માર્ગ પર કોન્ટ્રાક્ટર દ્વારા છુટ્ટા મેટલો પાથરવામાં આવતા વાહનચાલકો તથા રાહદારીઓને ભારે અગવડતા ઉભી થઈ હતી. આ બાબતે સમાચાર માધ્યમોમાં અહેવાલ પ્રગટ થતા જ કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત માર્ગને મોટરેબલ બનાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે.
કરજણ તાલુકાના રણાપુર ગામથી શિનોર તાલુકાના દિવેર થઈને સાધલી સુધીના માર્ગ પર કોઈપણ જાતનું ખાતમુહૂર્ત કર્યા વિના તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. દિવેરથી સાધલી સુધીના માર્ગ પર સળંગ છુટ્ટા મેટલો પાથરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થયો હતો. સ્કૂલની એક બસ રસ્તામાં ફસાઈ ગઈ હતી, એસ.ટી. બસ સેવા બંધ થઈ હતી અને દિવેરના રહેવાસીઓને ઉતરાજ માર્ગે ફરજિયાત ફરીને આવવું પડતું હતું.
કામ દરમિયાન કોઈ પ્રકારની ડ્રાઇવરજન વ્યવસ્થા કરવામાં આવી નહોતી, તેમજ કામગીરી અંગેનું કોઈ સૂચનાત્મક જાહેરાત બોર્ડ પણ લગાવવામાં આવ્યું નહોતું. સ્થળ પર માર્ગ મકાન વિભાગના કોઈ અધિકારી, કર્મચારી કે જવાબદાર કોન્ટ્રાક્ટર હાજર ન હોવાથી માત્ર મજૂરોના ભરોસે કામ ચાલી રહ્યું હતું.
આ ગંભીર બેદરકારી અંગે વર્તમાન પત્રમાં સમાચાર પ્રગટ થતાં જ કોન્ટ્રાક્ટર દ્વારા છુટ્ટા પાથરેલા મેટલો ઉપર ક્વોરીસ્પોલ નાખી, પાણીનો છંટકાવ કરી રોલર ફેરવીને માર્ગને વાહન વ્યવહાર લાયક બનાવવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. માત્ર 24 કલાકની અંદર દિવેર ગામથી નર્મદા કેનાલના નાળા સુધીના માર્ગ પર ક્વોરીસ્પોલ નાખી, પાણી છાંટી અને રોલર ફેરવીને માર્ગને મોટરેબલ બનાવવામાં આવ્યો છે. ઉપરાંત માર્ગની બાજુઓ પર જેસીબી દ્વારા સાફસફાઈ પણ કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાથી સ્પષ્ટ થાય છે કે માત્ર વર્તમાન પત્રના સમાચારોથી જ માર્ગ અને મકાન વિભાગ જાગૃત થયું છે અને કોન્ટ્રાક્ટર પાસે કામગીરી કરાવવામાં આવી છે. જ્યારે આ બાબતે કરજણ–શિનોર વિસ્તારની નેતાગીરી વામણી સાબિત થતી જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે હાલ કોન્ટ્રાક્ટર દ્વારા દિવેરથી સુરાશામળ માર્ગ પર પણ છુટ્ટા મેટલો પાથરવામાં આવતા વાહન વ્યવહાર બંધ છે. આ માર્ગ પર પણ તાત્કાલિક ક્વોરીસ્પોલ નાખી, પાણી છાંટી અને રોલર ફેરવીને માર્ગને મોટરેબલ બનાવવાની સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.



