લિંબાયત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે રૂ.૬૬.૩૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત

લિંબાયત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે રૂ.૬૬.૩૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત

સુરત મહાનગરપાલિકા દ્વારા સાઉથ ઇસ્ટ ઝોન (લિંબાયત)માં નીલગીરી સર્કલ ખાતે રૂ. ૬૬.૩૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર કંઠી મહારાજ મંદિરથી નીલગીરી સર્કલ સુધીના રોડને જોડતા ફ્લાયઓવર બ્રિજનું કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.
નિલગીરી સર્કલની આસપાસ ચારથી પાંચ શાળાઓ આવેલી હોવાથી અહીં સ્કુલવાન, વાહનચાલકોની ભારે અવરજવર રહે છે. ઉપરાંત, સેંકડો ટ્રક અને ટ્રેલરોની અવરજવર વધુ રહે છે. સાંઇબાબા રેલ્વે અંડરપાસથી નિલગીરી સર્કલ થઈ સીધી નંદનવન ટાઉનશીપ, નવાગામ મારફતે સુરત નવસારી મેઈન રોડ તેમજ ખરવાસાથી પલસાણા હાઇવે તરફ કનેક્ટિવિટી ઉપલબ્ધ થવાથી નિલગીરી સર્કલ અને સંજયનગર સર્કલ પર ટ્રાફિકનું ભારણ દિન પ્રતિદિન વધતું જઈ રહ્યું છે. આ પરિસ્થિતિના કારણે આ જંકશન પરથી પસાર થતા શાળાના બાળકોની સલામતી રહે અને પીક અવર્સ દરમિયાન સર્જાતા ટ્રાફિક જામને નિવારવા ફ્લાયઓવર બ્રિજ નિર્માણ પામશે. જેના કારણે સ્થાનિક લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે. લોકોના સમય અને ઈંધણમાં નોંધપાત્ર બચત થશે, પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.
આ પ્રસંગે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, ડે.મેયર ડો.નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ, દંડકશ્રી ધર્મેશ વાણીયાવાલા, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ, કોર્પોરેટરો, અગ્રણીઓ, મનપાના કર્મચારીઓ-નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.



