જળસંચય થકી ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા સોરઠા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા સંપન્ન

જળસંચય થકી ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા સોરઠા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા સંપન્ન
વરસાદી પાણીના સંગ્રહ અને ખેડૂતોની આર્થિક ઉન્નતિ માટે કાલાવડના સોરઠામાં ગ્રામજનોને અપાયું માર્ગદર્શન
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સોરઠા (નવું) ગામના વિષ્ણુનગર રામમંદિર ખાતે ગત બુધવારના રોજ એક વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સભાનો મુખ્ય હેતુ વરસાદી પાણીનું યોગ્ય જતન કરી ગ્રામ્ય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો હતો.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ આ ગ્રામસભામાં ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, ખેતી અને ગ્રામ્ય અર્થતંત્રનો મજબૂત આધાર જળસંચય છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી લોકભાગીદારી દ્વારા ચેકડેમ ઊંડા ઉતારવા, ખેત તલાવડીઓ બનાવવી અને બોર રિચાર્જ જેવા ભગીરથ કાર્યો કરી રહ્યું છે. જો આપણે વરસાદી પાણીને ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રોકી શકીશું, તો જ ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે. જળસંગ્રહ એ માત્ર પાણી બચાવવાનું કાર્ય નથી, પરંતુ આવનારી પેઢીને સુખી અને સંપન્ન બનાવવાનું અભિયાન છે.
ગ્રામસભામાં પાણીના એક-એક ટીપાની કિંમત સમજાવીને તેને જમીનમાં ઉતારવા માટેના વિવિધ નુસખાઓ અને પદ્ધતિઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનોએ પણ ટ્રસ્ટની આ કામગીરીને બિરદાવી હતી અને જળસંચયના આ અભિયાનમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી નિર્મળસિંહ બટુકભાઈ જાડેજા, જેન્તીભાઈ પડારીયા, સુરપાલસિંહ જાડેજા, ભીખાભાઈ કપુરીયા, ચોરુભા જાડેજા, લક્ષ્મણભાઈ વિરડા અને રમેશભાઈ પડારીયા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.



