શ્રી શ્યામ મંદિર પાટોત્સવ: પીળા ફૂલોથી સજ્યો બાબાનો દરબાર

શ્રી શ્યામ મંદિર પાટોત્સવ: પીળા ફૂલોથી સજ્યો બાબાનો દરબાર
“શ્રી શ્યામ સલોનાનો દરબાર બસંતી છે…, શ્રૃંગાર બસંતી છે…”
વીઆઈપી રોડ પર આવેલ શ્રી શ્યામ મંદિર, સુરતધામનો નવમો પાટોત્સવ વસંત પંચમીના શુભ અવસરે શુક્રવારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. શ્રી શ્યામ સેવા ટ્રસ્ટના પ્રમુખ કૈલાશ હાકિમ જણાવ્યું હતું કે, આ ખાસ પ્રસંગે મંદિરના પ્રાંગણને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું અને બાબા શ્યામનો વિવિધ પ્રકારના પીળા ફૂલોથી શ્રૃંગાર કરવામાં આવ્યો હતો તેમજ તેમને પીળા વસ્ત્રો (બાગા) ધરાવવામાં આવ્યા હતા.
પાટોત્સવ નિમિત્તે સવારે સાત વાગ્યાથી મંદિરમાં પૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે બાબાને રાજભોગ અને છપ્પન ભોગ અર્પણ કરી મહાઆરતી કરવામાં આવી હતી. આ અવસરે તમામ ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
ટ્રસ્ટના સચિવ રાજેશ દોદરાજકાએ જણાવ્યું હતું કે, આયોજનના ભાગરૂપે સાંજે સાડા છ વાગ્યાથી સંગીતમય સુંદરકાંડ પાઠનું વાચન કરવામાં આવ્યું હતું. વસંત પંચમી પર બાબાના મનોહર શ્રૃંગારના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો મોડી રાત સુધી જોવા મળી હતી. પાટોત્સવના પાવન અવસરે તમામ ભક્તોને છપ્પન ભોગ અને ‘બાબાનો ખજાનો’ પ્રસાદ તરીકે વહેંચવામાં આવ્યો હતો.



