સરસ્વતી પૂજા મહોત્સવમાં સમાજ એકતાની અનોખી મિસાલ જોવા મળી

સરસ્વતી પૂજા મહોત્સવમાં સમાજ એકતાની અનોખી મિસાલ જોવા મળી
મિથિલા નવયુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે દિવસીય સરસ્વતી પૂજા મહોત્સવ હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ મહોત્સવ વેડ રોડ સ્થિત અખંડ આનંદ કોલેજ પાસે, સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીક આવેલા સત્યનગર ઋષિ આશ્રમમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
પૂજા મહોત્સવ અંગે માહિતી આપતાં મંડળના ઉપાધ્યક્ષ અશોક કુમાર મહતોએ જણાવ્યું કે શુક્રવાર, 23 જાન્યુઆરીના રોજ સવારના સમયે મા સરસ્વતીની પ્રતિમાની સ્થાપના કરી વિધિવત પૂજા કરવામાં આવી હતી. બપોરે આરતી અને પ્રસાદ વિતરણ બાદ સાંજે ભજન ગાયક શંભુજી અને પ્રકાશ નાદાન દ્વારા આયોજિત ભજન સંધ્યામાં શ્રોતાઓ ભાવવિભોર બની ઝૂમી ઉઠ્યા હતા.
સાંજની આરતીમાં આમંત્રિત મહેમાનો તરીકે એ.સી.પી. આર. આર. આહીર, રાષ્ટ્રીય બજરંગ દળના ચૌરાસી ધર્મસભા પ્રખંડના શિવશંકર શુક્લા તથા રજત મુખીયા ઉપસ્થિત રહ્યા હતા. એ.સી.પી. આર. આર. આહીરે મા સરસ્વતીની આરતીનો લાભ લઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યો હતો.
આ પૂજા મહોત્સવના આયોજન માટે મિથિલા નવયુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક અધ્યક્ષ જીવનભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મહાસચિવ ભોલા પ્રસાદ મહતો, કોષાધ્યક્ષ અનિલ ચૌરસિયા, સહ-કોષાધ્યક્ષ રામબહાદુર મહતો, મીડિયા પ્રભારી તથા પ્રવક્તા રામપ્રકાશ સિંહ, ટ્રસ્ટી સંજય કુમાર મહતો, જનસંપર્ક પ્રતિનિધિ નંદલાલ મહતો, ટ્રસ્ટી વિજય પ્રસાદ, બિહારી પ્રસાદ, પ્રતાપ કુમાર, કૃષ્ણ કુમાર સિંહ તથા સંજીવ કુમાર ઝા સહિતના તમામ પદાધિકારીઓ અનેક દિવસોથી મહેનત કરી રહ્યા હતા.
શનિવારે મહાપ્રસાદ બાદ મા સરસ્વતીની ભવ્ય વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સમાજના સૈકડો મહિલા-પુરુષોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમાજ એકતાનું સુંદર દર્શન કરાવ્યું હતું.



