શહેરની એમ.ટી.બી કોલેજ ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉમંગભેર ઉજવણી

શહેરની એમ.ટી.બી કોલેજ ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉમંગભેર ઉજવણી
સુરત જિલ્લામાં ચૂંટણી અંગેની વિશિષ્ટ કામગીરી બદલ વિવિધ અધિકારી-કર્મચારીઓને સન્માનિત કરાયા
દેશનાં ઉજ્જવળ ભાવિની કલ્પનાને સાકાર કરવાં કોઈપણ પૂર્વગ્રહ અને ડર વિના પ્રત્યેક નાગરિકને અચૂક મતદાન કરવાં અપીલ કરતાં ડે.મ્યુ. કમિશનરશ્રી દિનેશ ગુરવ

વર્ષ ૨૦૧૧થી દેશભરમાં ભારતીય ચૂંટણી પંચના સ્થાપના દિન એટલે કે,૨૫મી જાન્યુઆરીને ‘રાષ્ટ્રીય મતદાતા દિન’ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ડે.મ્યુ. કમિશનરશ્રી દિનેશ ગુરવની અધ્યક્ષતામાં અઠવાલાઇન્સ સ્થિત એમ.ટી.બી કોલેજ ખાતે ‘My India,My Vote‘-‘Citizen at the heart of Indian Democracy’ ની થીમ પર ૧૬મા ‘રાષ્ટ્રીય મતદાન દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ વિવિધ વિધાનસભાઓના ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, બી.એલ.ઓ, ઈ.એલ.સી. નોડલ તેમજ નાયબ મામલતદારોને પ્રશસ્તિપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ ૧૮ વર્ષ પૂર્ણ કરેલા નવા નોંધાયેલા યુવા મતદારોને મહાનુભાવોના હસ્તે મતદાર કાર્ડનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે ડે.મ્યુ. કમિશનરશ્રીએ ૧૬ વર્ષ પહેલાં શરુ કરાયેલા રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે પ્રેરણાદાયી શબ્દો દ્વારા સ્વતંત્ર ભારતને મળેલી લોકશાહીનું ગૌરવ જાળવવા દરેક નાગરિકને તેમનાં વિશેષ મતાધિકારનો ઉપયોગ કરી સશક્ત રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવાં આહવાન કર્યું હતું. તેમણે સુરત જિલ્લામાં SIR સહિતની ચૂંટણી પ્રક્રિયામાં નિર્ણાયક ભૂમિકા ભજવતાં ERO, AERO, BLO સુપરવાઈઝર, BLO તેમજ અન્ય અધિકારી/કમર્ચારીઓનાં કાર્યની સરાહના કરી હતી. ભારતીય ચૂંટણી પંચ અને લોકો વચ્ચે અસરકારક માધ્યમ બનવાં અભિનંદન પાઠવવાની સાથે જ તેઓને સતત ૩E’S-(એજયુકેટ, એમ્પાવર અને એનરોલ) ને મધ્યમાં રાખી કાર્ય કરવા તેમજ વધુમાં વધુ મતદાતાઓને જાગૃત કરવાં માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે કહ્યું કે, પ્રત્યેક નાગરિકે દેશના ઉજ્જવળ ભાવિ ઘડવા અને સ્વસ્થ લોકશાહી માટે કોઈપણ પૂર્વગ્રહ અને ડર વિના અચૂક મતદાન કરવું જોઈએ. ખાસ કરીને યુવા મતદારોને મતદાન પ્રત્યે જાગૃત બનીને મતદાન કરવા અને અન્યોને પણ પ્રેરણા આપવી જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એ.એચ.ચૌધરીએ દરેક નાગરિકના મતનું મહત્વ અને રાષ્ટ્રના ભાવિ નિર્માણની ક્ષમતાને પ્રતિબિંબિત કરતી આ વર્ષની ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણીની થીમની સમજણ આપી હતી. સાથે જ લોકોને સજાગ, જવાબદાર અને ગૌરવશાળી મતદાર બની ભારતીય લોકતંત્રને વધુ મજબુત બનાવવાની અપીલ કરી હતી.

આ પ્રસંગે મતદાર નોંધણી અધિકારી સર્વશ્રી વી.કે.પીપળીયા, એ.પી.ગોહિલ, કૃતિકા વસાવા, જીજ્ઞા પરમાર, જિ.એ.પટેલ ERO, AERO, નાયબ મામલતદારો, નોડલ ઓફિસરો, બીએલઓ, સુપરવાઈઝર સહિત નવા મતદારો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ સામૂહિક ‘મતદાતા પ્રતિજ્ઞા’ લીધી હતી.



