સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા વર્ષ દરમિયાન ૯૦ અંગદાનની અભૂતપૂર્વ સિદ્ધિ:

સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા વર્ષ દરમિયાન ૯૦ અંગદાનની અભૂતપૂર્વ સિદ્ધિ:
પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કક્ષાએ સન્માનિત કરાયા
‘અંગદાન’ ક્ષેત્રે સુરતની નવી સિવિલ હોસ્પિટલે રાજ્યભરમાં પ્રેરણારૂપ કામગીરી કરી છે. હોસ્પિટલના મેડિકલના તબીબી અધિશ્રક અને તેમની નિષ્ણાત ટીમ દ્વારા વર્ષ દરમિયાન કુલ ૯૦ અંગદાન મેળવીને અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. આ સેવાકીય યજ્ઞની નોંધ લેતા, ૨૬મી જાન્યુઆરીના રોજ માંડવી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આ ટીમને પ્રશંસાપત્ર આપી વિશેષ સન્માનિત કરવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમારના કુશળ માર્ગદર્શન હેઠળ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડિયા, ન્યુરો સર્જન ડો.હરેશ પારેખ, એનેસ્થેટીક ડો.નિતા કવિશ્વર, સહિતના તબીબો અને કાઉન્સિલરોએ અંગદાન માટે જનજાગૃતિ અને કાઉન્સિલિંગનું ભગીરથ કાર્ય કર્યું છે.
આ તકે આરએમઓ ડો.કેતન નાયકે જણાવ્યું હતું કે, ટીમ વર્ક થકી જે એવોર્ડ અને સન્માન કરાયું જે સિવિલ હોસ્પિટલની ટીમ માટે ગર્વની બાબત છે. સિવિલ હોસ્પિટમાં અત્યારે સુધી ૯૦ લોકોના અંગદાન પ્રાપ્ત થયા છે.
આ અવસરે નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ કહ્યું હતું કે, અંગદાનની આ સફળતા પાછળ હોસ્પિટલની ટીમની સાથે સાથે અંગદાન કરનાર પરિવારોની ઉદારતા પણ એટલી જ મહત્વની છે. પોતાના સ્વજનને ગુમાવ્યાના આઘાત અને અસહ્ય દુઃખના સમયે પણ, કાઉન્સિલિંગ ટીમની સમજાવટથી પરિવારો જ્યારે ‘અંગદાન’ માટે સંમતિ આપે છે, ત્યારે જ આ સેવાકાર્ય શક્ય બને છે. પરિવારોની આ સમજણ અને તબીબોની મહેનતને કારણે જ આજે અનેક લોકોના ઘરે ફરી ખુશીઓ પરત ફરી છે.
નોંધનીય છે કે, નવી સિવિલ હોસ્પિટલ સુરતની વર્ષ-૨૦૨૪માં દર્દી બ્રેઈન ડેડ થયા પછી સૌથી વધુ સફળ અંગદાન પ્રાપ્ત કર્યા છે. જે બેસ્ટ કામગીરી કરવા બદલ નવી સિવિલ હોસ્પિટલ સુરતને વર્ષ ૨૦૨૫માં રાષ્ટ્રીય કક્ષાએ ‘Best Non Transplant Organ Retrieval Center’ તરીકેનો એવોર્ડ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.



