રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ પૂરતું ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા મુખ્યમંત્રીની અપીલ

રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ પૂરતું ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા મુખ્યમંત્રીની અપીલ
ગાંધીનગર: રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ સ્પષ્ટ કર્યું છે. વૈશ્વિક પરિસ્થિતિને લઈને કેટલાક વિસ્તારોમાં ઉભી થયેલી અફવાઓ વચ્ચે મુખ્યમંત્રીશ્રીએ જનતાને શાંતિ જાળવવા અને ગભરાટમાં કોઈપણ પગલાં ન લેવા અપીલ કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ઈંધણ પુરવઠાની વ્યવસ્થા સંપૂર્ણપણે સુચારૂ રીતે ચાલી રહી છે અને પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. રાજ્ય પાસે પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ હોવાથી સામાન્ય જનતાએ બિનજરૂરી રીતે પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવાની જરૂર નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે કેટલાક લોકો દ્વારા સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને કારણે અનાવશ્યક ગભરાટનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજ્યમાં ઈંધણ પુરવઠો સતત જળવાઈ રહ્યો છે. આવા સમયમાં નાગરિકોએ સાવચેતી રાખવી અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો જોઈએ. રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જ્યાં જરૂર હોય ત્યાં પૂરતા પ્રમાણમાં પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ અંતમાં જનતાને સહકાર આપવા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા વિનંતી કરી છે.



