એસપીબી ઇંગ્લીશ મીડીયમ કોલેજ ઓફ કોમર્સ, સુરત દ્વારા ત્રિદિવસીય નાટ્ય શિબિરનો પ્રારંભ

એસપીબી ઇંગ્લીશ મીડીયમ કોલેજ ઓફ કોમર્સ, સુરત દ્વારા ત્રિદિવસીય નાટ્ય શિબિરનો પ્રારંભ
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લીશ મીડીયમ કોલેજ ઓફ કોમર્સ, સુરત દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ, અભિવ્યક્તિ, સંવાદકૌશલ્ય અને રંગમંચની સમજ વિકસે તે હેતુથી તા. ૧૯ થી ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન ત્રિદિવસીય નાટ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્કશોપના ઉદ્ઘાટન સમારોહમાં પ્રતિષ્ઠિત રંગકર્મી અને શિક્ષણવિદ્ પદ્મશ્રી યઝદી કરંજિયા(પ્રમુખ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ જાણીતા રંગકલાકાર અને ગુજરાતી સિનેમાના અભિનેતા શ્રી ફરઝાન કરંજિયા તથા ડૉ. સુહાની જાગીરદાર વિશિષ્ટ અતિથિ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ સરસ્વતી વંદના અને પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. આશિષ પંડ્યા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મહત્વ પર પ્રકાશ પાડતાં વિદ્યાર્થીઓને વર્કશોપનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મુખ્ય અતિથિ પદ્મશ્રી યઝદી કરંજિયાનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ ગુજરાતી રંગભૂમિના જાણીતા રંગકર્મી અને શિક્ષણવિદ્ છે. તેમણે વર્ષ ૧૯૫૯માં ‘યઝદી કરંજિયા ગ્રુપ’ની સ્થાપના કરી હતી, જેણે દેશ-વિદેશમાં અનેક નાટકો રજૂ કરી રંગભૂમિની સેવા સાથે સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ યોગદાન આપ્યું છે. તેમની રંગભૂમિ ક્ષેત્રની લાંબી અને નોંધપાત્ર કામગીરી બદલ તેમને અનેક પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા છે.
શિબિરના પ્રથમ દિવસે ડૉ. સુહાની જાગીરદાર દ્વારા વિદ્યાર્થીઓ માટે રંગમંચ આધારિત વિવિધ પ્રાયોગિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને જુદાજુદા નાટ્ય રસ અંગે સમજ આપી અને અભિનયમાં ભાવ-અભિવ્યક્તિનું મહત્વ સમજાવ્યું હતું.
વિદ્યાર્થીઓને વિવિધ રસને પોતાની હાવભાવ, અવાજ અને શરીરની અભિવ્યક્તિ દ્વારા રજૂ કરવાની તક આપવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓએ પાત્રની લાગણીને સમજવા અને તેને રંગમંચ પર અસરકારક રીતે રજૂ કરવાની રીતનો અનુભવ મેળવ્યો હતો.
આ ઉપરાંત, સ્ટેજ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રંગમંચ પર પ્રવેશ અને બહાર નીકળવાની રીત, મંચ પરની શિસ્ત, અન્ય કલાકારો સાથેનું સંકલન, પ્રેક્ષકો સામેની રજૂઆત, અવાજ અને શરીરની સ્થિતિ જેવા મહત્વપૂર્ણ પાસાઓ અંગે પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી.
વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતું ન રાખતા વિવિધ પ્રેક્ટિકલ એક્ટિવિટીઝ દ્વારા પોતાની અભિનયક્ષમતા, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાને વ્યક્ત કરવાની તક આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. વર્કશોપના બીજા દિવસે, તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ શ્રી પંકજ પાઠકજી અને શ્રી ફરઝાન કરંજિયા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે. વર્કશોપના ત્રીજા અને અંતિમ દિવસે, તા. ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ શ્રી ફરઝાન કરંજિયા દ્વારા વિદ્યાર્થીઓને રંગભૂમિ અને અભિનય સંબંધિત માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમનું આયોજન અને સંકલન ડૉ. ધ્રુવ ગાંગડવાલા અને કુ. રાધિકા ચાવડા દ્વારા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. આશિષ પંડ્યા તેમજ સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન ડો. સવિતા સોંઘીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.



