
ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવીને અંડર-19 એશિયા કપ 2026નો ખિતાબ પોતાના નામે કર્યો છે. શનિવારે રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં ભારતે પાકિસ્તાનને એક વિકેટથી હરાવી ઐતિહાસિક જીત મેળવી હતી. આ સાથે ભારતે નવમી વખત અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો છે.
ઓમાનના અલ અમરાતમાં રમાયેલી આ ફાઇનલમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 337 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પાકિસ્તાન તરફથી ઉસ્માન ખાને 107 રનની શાનદાર સદી ફટકારી હતી. જ્યારે અબ્દુલ કાદિરે 54 બોલમાં તોફાની 80 રન અને કેપ્ટન ફરહાન યુસુફે 63 રન બનાવ્યા હતા.
ભારત તરફથી કાવ્યા પટેલે 4 વિકેટ અને વેંકટાએ 3 વિકેટ ઝડપી હતી. અર્જુન રાજપૂતને એક વિકેટ મળી હતી.
338 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. આર્યવીર સહેવાગે અડધી સદી ફટકારી હતી. કેપ્ટન લક્ષ્યે 101 બોલમાં 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અન્વય દ્રવિડે 19 રન બનાવ્યા હતા.
જોકે, મધ્ય ઓવરોમાં ભારતીય ટીમે સતત વિકેટ ગુમાવી હતી. એક સમયે કેપ્ટન લક્ષ્યના આઉટ થયા બાદ ભારતની જીત મુશ્કેલ લાગી રહી હતી. પરંતુ મનલ ચૌહાણ અને મોહિત વચ્ચે નવમી વિકેટ માટે થયેલી શાનદાર ભાગીદારીએ મેચનું પાસું પલટી નાખ્યું હતું. મનલ ચૌહાણે 32 બોલમાં 47 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી ભારતને જીતની નજીક પહોંચાડ્યું હતું.
આ રીતે ભારતીય યુવા ટીમે છેલ્લી ઘડી સુધી સંઘર્ષ કરીને પાકિસ્તાનના હાથમાંથી જીત છીનવી લીધી હતી અને નવમી વખત અંડર-19 એશિયા કપની ટ્રોફી પોતાના નામે કરી હતી.
આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ બીજી ટક્કર હતી. અગાઉ ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. જોકે, ફાઇનલમાં ભારતીય ટીમે જોરદાર વાપસી કરીને પાકિસ્તાનને હરાવ્યું અને ખિતાબ જીતી લીધો હતો.
સેમિફાઇનલમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.



