કેન્દ્રીય રેલ્વે રાજયમંત્રી દર્શનાબેન જરદોશની અધ્યક્ષતામાં ઓલપાડના શેરડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
મહિલાઓને ચૂલાનો નુકસાનકારક ધુમાડો ન લેવો પડે તેની ચિંતા કરીને ઉજ્જવલા યોજના દ્વારા ગેસ કનેક્શન આપ્યા :- રેલ્વે રાજયમંત્રી

સુરત:ગુરુવારઃ- કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના ઓલપાડ તાલુકાના શેરડી ગામે કેન્દ્રીય રેલ્વે રાજયમંત્રી દર્શનાબેન જરદોશે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમજ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ યાત્રા દ્વારા ગામેગામ વિવિધ યોજનાઓ પહોંચાડવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગામડાઓમાં સુવિધાઓ પણ પહોંચી છે. મહિલાઓને ચૂલાનો નુકસાનકારક ધુમાડો ન લેવો પડે તેની ચિંતા કરીને ઉજ્જવલા યોજના દ્વારા ગેસ કનેક્શન આપ્યા છે, નલ સે જલ યોજના દ્વારા પાણી ઘર સુધી પહોંચાડવામાં આવ્યું છે.
ખેડૂતો કિસાન સન્માન નિધિ યોજના થકી આર્થિક સહાય મેળવી રહ્યા છે. નમો ડ્રોન દીદીમાં બહેનોને તાલીમ થકી ડ્રોન ઉડાવવા માટે તૈયાર કરાશે. ૨૦૧૪માં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઘર ઘર શૌચાલય બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું આજે ૧૦૦ ટકા સેચ્યુરેશન સાથે ગામડાઓમાં સ્વચ્છતા જોવા મળે છે. આયુષમાન ભારત કાર્ડ થકી આજે ૧૦ લાખની નિશુલ્ક સારવાર ગરીબ અને મધ્યમ વર્ગનો વ્યક્તિ મેળવી શકે છે. સરકારની જન ઔષધિ કેન્દ્રો પરથી સસ્તી દવાઓ લોકો મેળવી શકે છે સાથે બહેનોને ૧૦રૂપિયામાં ૧૦ સેનેટરી પેડ આપવામાં આવે છે.
વધુ વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત યાત્રાના માધ્યમથી સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. યાત્રાના રથ થકી જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાઈ રહ્યા છે.
ઉપરાંત તેમણે જણાવ્યું કે, દેશના વિકાસ માટે સો ટકા સેચ્યુરેશન પોઈન્ટ સુધી યોજનાકીય લાભો મળે એવા પ્રયાસોની વિગતો આપી તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી મહિલા, યુવાઓ, બાળકો, કિસાનોનું ભવિષ્ય બદલાવવાનો શુભાશય એમ ઉમેર્યું હતું.